તરોતાઝા

લક્ષ્મી ચંચળ છે…!

ગૌરવ મશરૂવાળા

ધારો કે તમે રસ્તા પર પગપાળા જઈ રહ્યા છો. તમે જુઓ છો કે થોડાં ડગલાં આગળ જતાં એક મોટો ખાડો છે. ખાડાની બાજુમાંથી સાચવીને પસાર થવાને બદલે તમે સીધેસીધા ચાલતા રહો તો શું થાય? તમારો પગ ખાડામાં પડે અને તમે ધડામ કરતાં પછડાઓ અને ઈજા થઈ જાય. આમાં કોનો વાંક, ખાડાનો કે તમારો?

એ જ રીતે, ધારો કે આપણે આપણી ધનસંપત્તિને આડેધડ વાપરવા લાગીએ, કમાણી કરતાં ખર્ચનો આંકડો વધી જતો હોય તોય પરવા ન કરીએ, ન પૈસા બચાવીએ કે ન તેનું યોગ્ય રોકાણ કરીએ, પરિવારના સભ્યો ક્યાં, કેટલા પૈસા વાપરે છે એની નોંધ ન રાખીએ, આપણા પૈસા ક્યાં જાય છે તેના પર ચાંપતી નજર ન રાખીએ અને પરિણામે લક્ષ્મી ગુમાવી બેસીએ તો વાંક કોનો? દેખીતું છે, આવી પરિસ્થિતિ ઊભી થવા દેવા બદલ વાંક આપણો જ ગણાય. આપણે કહ્યા કરીએ છીએ કે, લક્ષ્મી ચંચળ છે. હકીકત એ છે કે ચંચળ આપણે છીએ અને દોષનો ટોપલો લક્ષ્મી પર ઢોળતાં રહીએ છીએ.

આ પણ વાંચો : આરોગ્ય પ્લસ: ઉધરસ એટલે શું?

આપણને હંમેશાં લાગે છે કે પૈસા કમાવા અઘરા છે. વાસ્તવમાં, પૈસા જાળવવા વધારે અઘરા છે. કમાણી કરવા માટે આપણે આપણા વ્યવસાયમાં સારામાં સારી કામગીરી બજાવવી પડે. સંપત્તિને જાળવવા માટે આપણામાં જુદા પ્રકારની આવડત જોઈએ, શિસ્ત જોઈએ.

હરિરામભાઈ મહેતા માત્ર બે જોડી કપડાં લઈને મુંબઈ આવ્યા હતા. પોતાના વતનના કેટલાક વેપારીઓની મદદથી એમને નાની એવી નોકરી મળી ગઈ. શરૂઆતમાં એ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા અને આખો દિવસ કાપડબજારમાં કામ કરતા. સાંજના ભાગમાં એમણે ટ્યૂશન આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ખુદનો નાના પાયે ધંધો શરૂ કર્યો. એમનો સંઘર્ષ રંગ લાવ્યો. એમનાં પત્ની નિર્મળાબહેન બહુ જ કરકસરથી રહેતાં. કાળજીપૂર્વક આખા મહિનાનું બજેટ બનાવી નાખતાં. પૈસા ખર્ચવાના મામલામાં હરિરામભાઈ પણ ખૂબ સાવચેત રહેતા. મહિનાના અંતે જે પૈસા બચ્યા હોય તેને ફિકસ્ડ ડિપોઝિટમાં અથવા તેનું બીજી કોઈ રીતે રોકાણ કરતા.

આ પણ વાંચો : આહારથી આરોગ્ય સુધી : મકાઇના સાઠા (ગન્ના)નો ગોળ

થોડાં વર્ષો બાદ વન-રૂમ-કિચનના ઘરમાંથી એ યુગલ વાલકેશ્ર્વર જેવા પોશ વિસ્તારમાં ત્રણ બેડરૂમવાળા ફલેટમાં રહેવા આવ્યું. વર્ષો વીતતાં તેમની પાસે સારી એવી સંપત્તિ એકઠી થઈ ગઈ.

સદ્ભાગ્યે તેમનાં સંતાનોએ એમનો સંઘર્ષ જોયો હતો. આથી એ ભલે ક્યારેક છૂટથી પૈસા વાપરી લેતાં, પણ પૈસાની બાબતમાં મા-બાપે પાડેલી સારી ટેવો ભૂલતાં નહીં. એ સંતાનો ક્યારેય ન લોન લેતાં કે ન કોઈ પાસેથી પૈસા ઉછીના માગતાં. ઘરના બધા સભ્યો ખર્ચનો પાક્કો હિસાબ રાખતા. નિયમિતપણે નાણાંનું યોગ્ય રીતે રોકાણ કરતા.

આ પણ વાંચો : સ્વાસ્થ્ય સુધા: પૌષ્ટિકતાનો ખજાનો ધરાવતો સૂકોમેવો એટલે જ જરદાળુ

જોકે, ત્રીજી પેઢીનું આગમન થતાં પરિસ્થિતિ બદલાવા લાગી. બાળકોના જન્મદિવસ શાનદાર રીતે ઊજવવામાં આવતા. પરિવાર પાસે હવે કારનો આખો કાફલો હતો. અગાઉ જ્યારે તેમની પાસે સેકન્ડ હેન્ડ ગાડી હતી ત્યારે લગ્નપ્રસંગમાં સૌ સાથે જતાં ને સાથે પાછા આવતાં. હવે સૌ પોતપોતાની અલાયદી ગાડી લઈને જવા લાગ્યા. એક જમાનામાં ટીવી જોવા પાડોશીને ત્યાં જતા આ પરિવારના ઘરમાં પ્રત્યેક રૂમમાં ટીવી આવી ગયાં. ત્રીજી પેઢીનાં સંતાનો આગળ ભણવા માટે ફોરેન ગયાં. પાછાં આવ્યાં ત્યારે એમની પાસે ડિગ્રી તો હતી, પણ નીતિમૂલ્યોને પાછળ મૂકી આવ્યાં હતાં.

તેમને હવે ઘર નાનું પડવા લાગ્યું. ‘પ્રાઈવસી’ અને ‘પર્સનલ સ્પેસ’ જેવા શબ્દો ઊછળવા માંડ્યા. અગાઉ ઘરમાં નહોતા એરકન્ડિશનર્સ, નહોતા શોફર કે નહોતા રસોઈયા. નિર્મળાબહેન જાતે સૌને ભાવે એવી રસોઈ બનાવતાં, પણ હવે એરકન્ડિશનર બરાબર કામ કરતું ન હોય. શોફરને આવવામાં સહેજ મોડું થઈ ગયું હોય કે રસોઈયાઓએ સ્વાદ અનુસાર રસોઈ ન બનાવી હોય તો ત્રીજી પેઢીનાં સંતાનોનાં મન ઊંચા થવા લાગ્યાં. નાની નાની વાતોએ મોટું સ્વરૂપ કરવા માડ્યું અને આખરે પરિવારનો માળો વિખરાઈ ગયો. દીકરાઓ અલગ થઈ ગયા. પછી બિઝનેસમાં પણ ભાગલા પડ્યા.

આ પણ વાંચો : મોજની ખોજ: ઈશ્ર્વરે ઉછીના આપેલા દેહને કાલે ઈકોતેર પૂરા…

આ બધા વચ્ચે, લક્ષ્મીએ ધીમે ધીમે ઉચાળા ભરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ગતિ ધીમી હતી, પણ પછી ગતિ તેજ થતી ગઈ. બધા અલગ અલગ રહેતા એટલે ઘરખર્ચ અનેકગણો વધી ગયો. ત્રીજી પેઢીનાં સંતાનોનાં લગ્ન થયાં એટલે એ બધા પણ નોખાં થઈ ગયાં. વળી, એ ફેમિલી બિઝનેસ સાથે પણ સંકળાયેલાં નહોતાં. એમણે હોમ લોન લીધી, કાર લોન લીધી. એર કરવા માટે પણ તેઓ પૈસા ઉછીના લેવા લાગ્યા…

જો કાળજી લેવામાં ન આવે તો સંપત્તિ ક્યારેય ટકતી નથી. સંપત્તિનું સર્જન કરવું કઠિન હોય તો સંપત્તિની જાળવણી કરવાનું તો એના કરતાંય વધારે અઘરું છે. સંપત્તિ ટકાવી રાખવા માટે પુષ્કળ પરિશ્રમ અને શિસ્તની જરૂર પડે છે.

ઓસ્ટ્રેલિયાના જાણીતા ફાઈનાન્શિયલ એક્સપર્ટ તેમ જ લેખક વ્હિટેકરે યોગ્ય જ કહ્યું છે કે, ‘તમે કેટલા સંપત્તિવાન છો એનો સંબંધ તમે કેટલું કમાઓ છો, તમે કોના સંતાન છો કે તમે શું કરો છો તેની સાથે નથી. સંપત્તિવાન હોવાનો સંબંધ તમે પૈસાને યોગ્ય રીતે મેનેજ કરો છે કે નહીં તેની સાથે છે.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button