સ્વાસ્થ્ય સુધાઃ પાચનતંત્રને મજબૂત બનાવતું મસ્તમજાનું હર્બલ પીણું એટલે જ કોમ્બુચા

શ્રીલેખા યાજ્ઞિક
ચાનું નામ પડતાંની સાથે જ આપણને તો ગરમાગરમ આદું-ફુદીનાવાળી કે મસાલાવાળી કડક-મધ્યમ-મીઠી ચાની ચૂસકી લેવાની જ ઈચ્છા થાય. આજે આપણે જે હર્બલ પીણાંની વાત કરવાના છીએ તે આથો આવેલી ચા વિશે. જેનું નામ છે ‘કોમ્બુચા’. કેમ ચોંકી ગયાને ! ચા તે પણ આથો આવેલી? જી હા, ભારતીય ફિલ્મી હસ્તીઓ તથા ક્રિકેટરો શરીરની તંદુરસ્તી માટે કોમ્બુચા ચાનો પ્રતિદિન ઉપયોગ કરવા લાગ્યા છે. કોમ્બુચા એ કોરિયાની લોકપ્રિય ચા ગણાય છે. કોરિયાના પ્રસિદ્ધ ચિકિત્સક ડૉ. કોમ્બુના નામ ઉપરથી કોમ્બુચા ચા લોકપ્રિય બની ગઈ છે. ઠંડીની મોસમમાં શરીરની સાથે પાચનતંત્રને સુધારવામાં અત્યંત ઉપયોગી ગણાય છે.
હાલમાં ભારતમાં યુવા-વર્ગ વિદેશી વાનગીઓનો દીવાનો બનવા લાગ્યો છે. તેમાં પણ ચાઈનીઝ બાદ હવે કોરિયન વાનગી તેમ જ કોરિયન સંસ્કૃતિની લોકપ્રિયતા ભારતમાં વધવા લાગી છે. દક્ષિણ કોરિયાના લોકપ્રિય પીણાંના હવે દેશ-દુનિયાના લોકો દીવાના બનવા લાગ્યા છે. ચાલો જાણી લઈએ આ વિદેશી આથાવાળી આકર્ષક નામ ધરાવતી ‘કોમ્બુચા’ના સ્વાસ્થ્યવર્ધક લાભ. કોરિયા તથા ચીનમાં કોમ્બુચા નિયમિત પીવામાં આવે છે.
કોરિયામાં એવી માન્યતા જોવા મળે છે કે ‘કોમ્બુચા’ને પીવાથી વ્યક્તિ ‘અમરત્વ’ પામે છે. એટલે કે લાંબું-તંદુરસ્ત આયુષ્ય મેળવે છે. ભારતમાં પણ શિયાળામાં ખાસ પ્રકારની આથો લાવેલી કાંજી પીવાની પરંપરા જોવા મળે છે. જેમાં બીટ-ગાજર-આમળાં-આદું-લીંબુ-વાટેલી રાઈને એક મોટી કાચની બરણીમાં ગોઠવી દેવામાં આવે છે. ત્યારબાદ બરણીમાં પાણી ભરીને ત્રણ દિવસ સુધી સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે.
ત્રણ દિવસ બાદ સ્વાદિષ્ટ કાંજી તૈયાર થઈ જાય છે. જે નરણાં કોઠે પીવાથી શિયાળામાં પાચનતંત્ર મજબૂત બને છે. સંપૂર્ણ શરીર સ્ફૂર્તિલું બની જાય છે. તો અન્ય એક કાંજીમાં રાત્રિના વધેલા ભાતમાં થોડી છાસ કે દહીં ભેળવવામાં આવે છે. સવારે તેમાં લીલા મરચાં-લીમડો-કોથમીર-સિંધવ વગેરે ભેળવીને જીરાનો વઘાર કરીને ખાવાની પરંપરા છે. જે સ્વાસ્થ્યને માટે અત્યંત ગુણકારી ગણાય છે.
કોમ્બુચા હર્બલ ચાને બનાવવા માટે ગ્રીન-ટી, બ્લૅક-ટી, સાકર, ખાસ પ્રકારનું યીસ્ટ ‘સ્કૉબી’ જેમાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય તેવા બૅક્ટેરિયા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્બુચા ચાને તૈયાર થવામાં લગભગ 8થી 10 દિવસનો સમય લાગી જાય છે. જેને કારણે ચામાં પ્રોબાયોટિક, ઍન્ટિઓક્સિડન્ટ તથા વિટામિન્સ ઉત્પન્ન થાય છે. જેનો સ્વાદ થોડો ખાટ્ટો-ફીઝી એટલે કે ફીણ વાળો હોય છે. જેમ સોડામાં પાણી ઉમેરવાથી ફીણ ઉપર આવે છે. ગટ હૅલ્થ સુધારવા માટે કોમ્બુચા ચાની લહેજત માણવી આવશ્યક ગણાય છે.
કોમ્બુચા ચાના સ્વાસ્થ્યવર્ધક લાભ
પાચનક્રિયાને સુધારવામાં મદદરૂપ : કોમ્બુચા ચામાં ફેનોલિક કમ્પાઉન્ડ સમાયેલું હોય છે. જે હર્બલ ચામાં આથો લાવવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં કેટેચિન હોવાથી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.કોમ્બુચા ચામાં આથો લાવવો અત્યંત આવશ્યક છે. જેથી તેપ્રોબાયોટિક પીણામાં સ્થાન ધરાવે છે. પ્રોબાયોટિક બૅક્ટેરિયાવાળું પીણું કે વાનગી આંતરડાના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે.
એક અધ્યયન મુજબ નિયમિત રીતે પ્રોબાયોટિક બૅક્ટેરિયાથી ભરપૂર આહાર લેવાથી પેટ સંબંધિત સમસ્યા જેમ કે વારંવાર ઝાડા છૂટી પડવા, અપચો, ગેસ, પાચનતંત્ર ઉપર સોજાને કારણે પેટમાં દુખવું, વારંવાર ચૂક આવવાની સ્થિતિથી રાહત અપાવે છે. મેટાબોલિક રેટ સુધારવામાં મદદ કરે છે.
ઍન્ટિ ઓકિસડન્ટથી ભરપૂર : કોમ્બૂચા હર્બલ ચાનો સૌથી વિશેષ ગુણ જોઈએ તો તે ઍન્ટિઓકિસડન્ટથી ભરપૂર હોય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ પ્રાકૃતિક અણુ હોય છે. જે મુક્તકણોથી લડવામાં મદદ કરે છે. જેને કારણે તે અનેક તીવ્ર તેમ જ જાનલેવા બીમારીના જોખમથી બચાવે છે. આથી નિયમિત રીતે કોમ્બુચા ચાને પીવાથી શરીરમાં પૂરતાં પ્રમાણમાં ઍન્ટિઓક્સિડન્ટની માત્રા વધવા લાગે છે. જેને કારણે તેની ઊણપની સ્વાસ્થ્ય ઉપર થનારી ખોટી અસરથી બચી શકાય છે.
વજનને ઘટાડવામાં ગુણકારી : આ હર્બલ ચામાં પ્રોબાયોટિક સત્ત્વ સમાયેલું હોય છે. જેથી તેનું સેવન કરવાથી વારંવાર ખોરાક લેતાં રહેવાની આદતથી બચી શકાય છે. કેમ કે આ હર્બલ ચાનું સેવન કરવાથી ભૂખ ઉપર નિયંત્રણ આવી જાય છે. જે લાંબે ગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારક : કોમ્બુચા ચાનું સેવન કરવાથી શરીરમાં ખાસ શક્તિનો સંચાર થાય છે. જે લાંબેગાળે સતત તાણમાં રહેતી વ્યક્તિને મન શાંત કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં લાભકારક: કોમ્બુચા હર્બલ ચાનું સેવન કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં લાભકારક મનાય છે. ડાયાબિટીક વ્યક્તિના અગ્નાશયને સુધારવામાં ઉપયોગી ગણાય છે. ડાયાબિટીસ વધી જવાને કારણે શરીરમાં થતી પ્રતિકૂળ ગતિવિધિને ઘટાડવામાં, લિવર તથા શરીરના અન્ય ભાગોની રક્ષા કરવામાં મદદ કરે છે.
ગઠિયાના દર્દમાં ગુણકારી : કોમ્બુચા ચામાં ગ્લુકોસામાઈન નામક ઘટક હોય છે. જે બધા જ પ્રકારના સાંધાના દુખાવાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ગ્લુકોસામાઈન હયાલૂરોનિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. કોમ્બુચા ચાનું સેવન કરવાથી સાંધાના દુખાવાના દર્દથી રાહત મેળવી શકાય છે.
શક્તિવર્ધક ગણાય છે : કોમ્બુચામાં વિટામિન બીની સાથે વિટામિન બી-1 થિયામિન, બી-2 રાઈબોફ્લેવિન, બી-6 પાઈરિડોક્સિન જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે. શરીરને શક્તિપ્રદાન કરે છે. ભોજન દ્વારા ઊર્જા શરીરમાં પરિવર્તિત કરવામાં મદદ મળે છે. પ્રત્યેક મોસમમાં કોમ્બુચાનું સેવન દિવસમાં એક વખત નિયમિત કરવાથી શરીર તાજગી સભર બની જાય છે.
હૃદયની તંદુરસ્તી માટે લાભકારી : કોમ્બુચાનું સેવન કરવાથી હૃદય રોગના ખતરાથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ છે તેમાં સમાયેલું પૉલિફિનોલ્સ તથા ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા. જેને કારણે લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
કોમ્બુચા બનાવવાની રીત
સામગ્રી : 1 લિટર પાણી, 2 મોટી ચમચી ચા બ્લૅક પત્તી, 1 નંગ ગ્રીન ચા, 1 કપ સાકર, 1 નંગ સ્કૉબી, 1 મોટી ચમચી લીંબુનો રસ, 1 મોટી ચમચી આદુંની કતરણ, 10-12 પાન તાજા ફુદીનાના, 4 નંગ સંતરાની ચીર કે પાઈનેપલની ચીર.
બનાવવાની રીત : સૌ પ્રથમ 1 લિટર પાણીને ઉકાળી લેવું. તેમાં અડધો કપ સાકર ભેળવવી. સાકર બરાબર ઓગળી જાય ત્યારબાદ તેમાં ચા પત્તી ભેળવવી. ચાને બરાબર ઠંડી કરવી. ઠંડી થાય ત્યારબાદ તેને સ્વચ્છ કાચની બરણીમાં ભરી લેવી. તેમાં લીંબુનો રસ, ફુદીનાના પાન, આદુંની કતરણ, સંતરાની ચીર કે પાઈનેપલની ચીર તથા સ્કૉબી ઉમેરવી. મલમલના રૂમાલથી બંધ કરવું. જ્યાં વધુ તડકો ના આવતો હોય તેવી જગ્યાએ ગોઠવી દેવું. 7-10 દિવસ બાદ ઢાંકણ ખોલીને બરાબર હલાવી દેવું. સ્વાદિષ્ટ કોમ્બુચાને ગાળીને કાચના ગ્લાસમાં કાઢીને પીવી.
કોમ્બુચા ચા બનાવવા માટે ખાસ પ્રકારની સ્કૉબી કે યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપ ઑનલાઈન કે જાણીતા સુપર માર્કેટમાંથી ખરીદી શકો છો. કોમ્બુચા પીને અમરત્વ મેળવવાની ઈચ્છા હોય એટલે કે સદાબહાર તંદુરસ્તી જાળવવી હોય તો અવશ્ય હર્બલ કોમ્બુચાને અજમાવવી.
શરીર ડિટૉક્સ બને છે : ‘શરીરે સ્વસ્થ તો સુખી સર્વ વાતે’ આપણે બધા જ જાણીએ છીએ કે શરીરના કોઈ અંગમાં નાનો અમથો દુખાવો વ્યક્તિને આકુળવ્યાકુળ બનાવી દે છે. તેથી કોરિયાઈ લોકો શરીરની તંદુરસ્તી માટે તેને વારંવાર ડિટૉક્સ કરવા ઉપર અત્યંત ભાર મૂકે છે. કોમ્બુચા ચામાં ગ્લુકો રોનિક એસિડ સહિત અન્ય કાર્બનિક એસિડ સમાયેલાં હોય છે. જે લિવરની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. શરીરમાં બનતાં વિષેલા પદાર્થોને બહાર કાઢે છે. જેને કારણે શરીર શક્તિવર્ધક બને છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધાઃ ઠંડીના દિવસોમાં શક્કરિયાંનું સેવન એક વરદાન સમાન છે…



