શું છે નિરોગી જીવનના ત્રણ સ્થંભ…?

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
નિરોગી જીવનના ત્રણ સ્થંભ છે :
આહાર- ઊંઘ- વ્યાયામ… આમાંથી આહાર વિશે આપણે ગયા અઠવાડિયે સવિસ્તર વાત કરી હતી. હવે આ વખતે એ વાત આગળ ચલાવીએ…
વ્યવસ્થિત ચાવીને જમેલો આહાર અંદાજિત બે કલાકની અંદર પાચન થઈ જાય છે. અને તેને પચાવવા પાચનતંત્રને નહિવત બોજ (અંદાજે 15 ટકા) પડે છે. જ્યારે તે જ આહારને ચાવીને ન જમવાથી આહારનું પાચન થતા ઓછામાં ઓછા 3 થી 4 કલાક થાય છે, અને તેને પચાવવા પાચનતંત્રને ખૂબ જ બોજ (70થી 80 ચકા) પડે છે.
આપણે ચાવીને જમવાના ફાયદાઓથી સારી રીતે વાકેફ છીએ, છતાં પણ તે સારી આદતને કેમ અપનાવી શકતા નથી, તેનાં અમુક કારણ અહીં દર્શાવ્યા છે,જેમકે…
1) માણસના મનમાં એવું હોય છે કે, ‘ચાવીને જમવાથી મારો સમય બગડશે.’ પરંતુ તે ખૂબ જ ખોટી માન્યતા છે. અને આ માન્યતાના કારણે માણસ ચાવ્યા વગર જરૂરિયાત કરતાં વધારે કે ઓછું જમી લેતા હોય છે. આપણા મગજને અને પેટને વેગસ તંત્ર દ્વારા જોડાણ છે. જ્યારે મુખમાં પ્રથમ કોળિયો મૂકીએ ત્યારથી લઈને 15થી 20 મિનિટ સુધીમાં મગજ પેટને એ તંત્ર દ્વારા સંદેશો પહોંચાડે છે કે, ‘હવે શરીરને વધુ આહારની જરૂર નથી.’ તેથી આપણને તૃપ્તિનો અહેસાસ થવા લાગે છે. આ રીતે 15થી 20 મિનિટ પછી જ સંદેશો મળતો હોવાથી ઓછામાં ઓછું 15 મિનિટ સુધી યોગ્ય માત્રામાં વ્યવસ્થિત ચાવીને જમવું જોઈએ, પરંતુ જો ઉતાવળમાં જમીએ તો પણ મગજ તો 15 મિનિટ પછી જ તૃપ્તિના અહેસાસનો સંકેત આપશે તેથી 15 મિનિટમાં આપણે જરૂરિયાત કરતાં વધુ જમી લેશું. આમ જો હંમેશાં જરૂર કરતાં વધારે જ જમીશું તો લાંબા સમયે તે શરીર માટે નુકસાનકર્તા નીવડશે.
2) સ્વાદ:
આપણે સ્વાદનું સુખ માણવા જ મોટા ભાગે જરૂરિયાત કરતાં વધારે જમતા હોઈએ છીએ. તેમ જ જેમ જેમ ચાવીએ તેમ તેમ અન્નમાંથી રસ ઓછો થતા સ્વાદ માણી શકાતો નથી. તેથી સ્વાદના લોભમાં પૂરતું ચાવ્યા વિના જ ટૂંક સમયમાં જ વધારે જમી લઈએ છીએ.
3) શરમ:
ઘણીવાર સાથે જમવા બેઠેલા બીજા મિત્રો વહેલા ઊભા થઈ જવાથી આપણે શરમને કારણે ચાવ્યા વિના જ જમીને વહેલા ઊભા થઈ જઈએ છીએ. માટે આપણે સહુ આજથી જ વ્યવસ્થિત ચાવીને જમવાનું શરૂ કરીશું તો આહાર જ ઔષધ બની જશે.
4 ) જમતી વખતે પાણી:
પાણી પીવું હોય તો તો ભોજનની 45 મિનિટ પહેલાં પીવું, ભોજન સમયે ખૂબ જ ઓછું અને ભોજન બાદ 2 કલાક પછી પાણી પીવું.
જ્યારે પણ પાણી પીવાની વાત આવે ત્યારે આપણા મનમાં સ્ફૂરી આવે છે કે, ‘પાણી ખૂબ જ પીવું જોઈએ.’ અને આ માન્યતાને લીધે આપણને જમતી વખતે પણ વારંવાર પાણી પીવાની ટેવ પડી ગઈ હોય છે. વળી, કોઈકને તો જમતી વખતે છાશ જેવા પ્રવાહી વધારે માત્રામાં પીવાની ટેવ હોય છે. આમેય, ઉનાળા જેવી ઋતુમાં તો થોડું જમીને અડધું પેટ પ્રવાહીથી ભરી દઈએ છીએ. એ ખરું કે પાણી ખૂબ જ પીવું જોઈએ, પરંતુ ‘કયારે પીવું અને ક્યારે ન પીવું,’ તે જ્ઞાન જો આપણને ન હોય તો તે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.
આયુર્વેદમાં કહ્યું છે કે: ‘જમ્યા પહેલાં પાણી પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે તેથી જમેલો ખોરાક પચતો નથી અને શરીર નિર્બળ રહે છે. અડધું જમી રહ્યા પછી થોડું (1 થી 2 ઘૂંટડા) પાણી પીવાથી ધાતુઓ યોગ્ય પ્રમાણમાં રહે છે. અને ભોજનને અંતે પાણી પીવાથી પેટમાં કફની વૃદ્ધિ થાય છે અને તેનાથી શરીર સ્થૂળ રહે છે…જેમ ચૂલામાં પાણી નાથવાથી અગ્નિ ઓલાઈ જાય છે તેમ જ જમતી વખતે વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે.
જમતી વખતે વધારે પાણી પીવાથી રોગત્પત્તિ કેવી રીતે થાય છે, તેની સાંકળ અહીં દર્શાવ્યું છે…
જમતા સમયે વધુ પાણી લેવાથી જઠરાગ્નિ મંદ થઈ જાય છે અને પાચકરસો મોળા (Dilute) પડી જાય છે પાચનશક્તિ નિર્બળ થઈ જાય છે — પાચન થવામાં ખૂબ વાર લાગે છે લાંબા સમય સુધી પેટમાં આહાર પડી રહે છે અપચો, કબજિયાત, અર્જીણ એસિડિટી જેવા અનેક રોગ ઉત્પન્ન થાય છે.
માટે હંમેશાં જમ્યા બાદ 2 કલાક પછી જ પાણી પીવું જોઈએ. પાણી કઈ રીતે પીવું જોઈએ? ઘણા લોકોને એકસાથે જ બધું પાણી પી જવાની ટેવ હોય છે, પરંતુ તે સદંતર ખોટી રીત છે. જેમ આહારને ચાવીને જમવો જોઈએ તેવી જ રીતે પાણીને પણ લાળ ભળે તે રીતે ઘૂંટડે ઘૂંટડે શાંતિથી પીવું જોઈએ.
શરીરને ફ્રીઝનાં ઠંડાં પ્રવાહીનું ગુલામ ન બનાવો ઘણા લોકો ઉનાળાની ધોમધખતી ગરમીમાં રાહત માટે, તો ઘણા લોકો એસીડીટી જેવી તકલીફમાં ફ્રીઝના ખૂબ જ ઠંડાં પ્રવાહી લેતા હોય છે. અમુક લોકોને તો બારેય માસ ફ્રીઝનું જ ઠંડું પાણી પીવાની ટેવ પડી ગઈ હોય છે, પરંતુ આ બધી કુટેવ છે.
ફ્રીઝનું ઠંડું પ્રવાહી શરીરને પચાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે. કેમ કે, આપણે કાંઈ પણ જમીએ કે પીએ તેનું પાચન શરૂ કરતાં પહેલાં પેટને અમુક ગરમી ઉત્પન્ન કરવી પડે છે, પછી જ તેની પાચનક્રિયા શરૂ થાય છે.
જેમ મિસાઈલને આકાશમાં લોન્ચ કરતા પહેલાં તેને ખૂબ જ ગરમ કરવી પડે છે, તેવી જ રીતે આપણે કાંઈ પણ જમીએ કે પીએ તેનું પાચન શરૂ કરતાં પહેલાં પેટને અમુક ગરમી ઉત્પન્ન કરવી પડે છે.
જેટલું વધુ ઠંડું પ્રવાહી હોય તેટલી પેટને વધુ ગરમી ઉત્પન્ન કરવી પડે છે. અને તે વધારાની ગરમી ઉત્પન્ન કરવામાં આપણી ઘણી રોગપ્રતિકારક શક્તિ વપરાય જાય છે. એટલું જ નહિ, શરીરને તેના પાચન માટે વધારે એસિડ અને પાચકરસો છોડવા પડે છે. આ રીતે ફ્રીઝનું ઠંડું પ્રવાહી આપણને અપચો, કબજિયાત અને એસીડીટી જેવા અનેક રોગના શિકાર બનાવે છે.
આથી ફ્રીઝનાં ઠંડાં પાણીની જગ્યાએ માટલાનાં ઠંડાં પાણીનો ઉપયોગ કરવો. માટલાનું ઠંડું પાણી શરીરને નુકસાન કરતું નથી. કેમ જે, ફ્રીઝ અને માટલામાં પાણી ઠંડું થવાની પદ્ધતિ અલગ હોય છે. માટલાની અંદર માટીનાં જે તત્ત્વો પાણી ઠંડું થાય છે, તે તત્ત્વો પાચનતંત્રને નુકસાન કરતા નથી,જયારે ફ્રીઝ જે રીતે પાણીને ઠંડું કરે છે તે પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
નોંધ: અહીં ફ્રીઝનો ઉપયોગ કરવાનો નિષેધ કરવામાં આવ્યો નથી. ફ્રીઝ તો માત્ર ખાદ્ય પદાર્થો બાહ્ય વાતાવરણ કરતાં વધુ સારા રહે તે માટે છે, નહિ કે પદાર્થોને ઠંડા કરીને વાપરવા માટે…ફ્રીઝનો સીધો જ આહાર માટે ઉપયોગ કરવામાં આવે તો તે પદાર્થની પોષકતા ખૂબ જ ઘટી જાય છે. માટે ફ્રીજના ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે 30 મિનિટ અગાઉ ફ્રીઝની બહાર કાઢીને પછી ઉપયોગમાં લેવા. આ વાત અનેક સંશોધનો દ્વારા પુરવાર થઈ છે.
જીવન માટે ભોજન છે, ભોજન માટે જીવન નથી
જીવવા માટે આહાર જરૂરી છે, પરંતુ આહાર જ જીવનનો હેતુ ન થઈ જવો જોઈએ. આહાર તો શરીરપોષણ કરવા માટે લેવાનો હોય છે, પરંતુ આજે આપણે આહારનો ઉપયોગ શરીરપોષણ કરવા કરતાં સ્વાદ માટે વધારે કરીએ છીએ. ભોજનમાં સ્વાસ્થ્ય કરતાં સ્વાદનું મહત્ત્વ વધી ગયું છે, પરંતુ અમુક જ એવા વિવેકી લોકો હોય છે કે, જેના ભોજનનો હેતુ સ્વાદ નથી હોતો, અને આથી જ તેઓ વધુ નિરોગી રહે છે.
બીજી તરફ, ભોગવૃત્તિથી ગ્રહણ કરેલો આહાર યોગ્ય રીતે પચતો નથી, તેનાથી પાચનતંત્રને ખૂબ જ કષ્ટ પડે છે. એટલું જ નહિ, ભોગવૃત્તિથી ગ્રહણ કરેલો આહાર આપણામાં કામ અને ક્રોધની વૃદ્ધિ કરે છે. તેમ જ આપણા સ્વભાવને વધારે ઉગ્ર બનાવે છે.
આપણે સફળતા જરૂર ઈચ્છીએ છીએ, પરંતુ તેમાં નડતરરૂપ બાબતોનો ત્યાગ કર્યા વિના! તેવી જ રીતે આપણને નિરોગી રહેવું પસંદ છે, પણ રસાસ્વાદનો ત્યાગ કર્યા વિના, પરંતુ તે શક્ય નથી. કેમ કે, સ્વાદ અને સ્વાસ્થ્ય એકસાથે રહી શકતા નથી માટે આજીવન સ્વસ્થ રહેવું હોય તો વધારે પડતા રસાસ્વાદનું સુખ છોડવું પડશે.
કૃતજ્ઞભાવથી સ્મરણ કરતાં કરતાં જમવું ભગવાનની સ્મૃતિ સાથે કરેલું કોઈ પણ કાર્ય નિર્ગુણ થઈ જાય છે. આથી ભારત દેશના આધ્યાત્મિક ગ્રંથો હંમેશાં આપણી દરેક ક્રિયાને ભગવાન સાથે જોડવાનું શીખવે છે. તેથી આપણા પૂર્વજો જ્યારે પણ જમવા બેસતા ત્યારે હંમેશાં પરમેશ્ર્વરની કૃતજ્ઞતા વ્યક્ત કરતાં હરિસ્મરણ સાથે જ જમતા હતા.
જોકે, આજે આપણે તદ્દન ઊલટું જ જીવી રહ્યા છીએ. આપણને મોટા ભાગે ટી.વી. જોતાં-જોતાં, ફોનમાં વાતો કરતાં-કરતાં અને કામનું પ્લાનિંગ કરતાં-કરતાં જ જમવાની કુટેવ પડી ગઈ છે. અને તેની આપણા પાચનતંત્ર ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. જમતી વખતે ટીવી જોવાથી તેમાં આવતા રજોગુણી (સેક્સ સંબંધી) અને તમોગુણી (હિંસા, દ્વેષ, મારપીટ વગેરે સંબંધી) દૃશ્યો આપણામાં અનેક દોષો ઉત્પન્ન કરી શકે છે અને તે દોષો પાચનતંત્રને નિર્બળ બનાવી શકે છે.
આથી કૃતજ્ઞભાવથી ભગવાનના સ્મરણ સાથે જમવાથી મગજ ખૂબ જ શાંતિ અને હળવાશ અનુભવે છે મગજને યોગ્ય માત્રામાં જ લોહીની જરૂર પડે છે તેથી મગજમાંથી લોહી પેટ તરફ આવે છે (પેરાસીમ્પેથેટીક અવસ્થા) જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે અને પાચકરસો છૂટે છે ઓછા સમયમાં વ્યવસ્થિત પાચન થાય છે.
આપણી પાચનક્રિયા પેટ કરતાં પણ મગજ સાથે વધારે જોડાયેલી છે તેથી યોગ્ય પાચન માટે જમતી વખતે મગજ શાંત અને સ્થિર હોવું ખૂબ જ આવશ્યક છે. એટલે કૃતજ્ઞભાવયુક્ત અને હરિસ્મરણ સાથે જમવાથી મગજ ખૂબ જ સ્થિરતા અને હળવાશ અનુભવે છે અને તે આપણા પાચનતંત્રને લાંબા સમય માટે સક્રિય રાખી શકે છે. માટે ભગવાનનું સ્મરણ કરતાં-કરતાં જમવું તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે.
ભગવત્સ્મૃતિ સાથે શુદ્ધભાવથી રસોઈ બનાવવી
આ જ રીતે રસોઈ બનાવનાર વ્યક્તિના વિચારો ભોજન કરનાર પર અવશ્ય અસર કરે છે. આ મનોવૈજ્ઞાનિક રહસ્યનો આપણમાંથી મોટા ભાગનાને ખ્યાલ જ હોતો નથી. આજે આપણે રેસ્ટોરન્ટ, હોટલ, લારીઓ વગેરેમાં જઈને સ્વાદની લિજ્જત માણતા હોઈએ છીએ, પરંતુ બનાવનારે કેવા વિચારો સાથે ભોજન બનાવ્યું છે તેની આપણને કશી જ ખબર હોતી નથી. જેમ રસોઈમાં અશુદ્ધિ ભળેલી હોય તો તે સ્વાસ્થ્યને હાનિકારક છે તેવી જ રીતે ખરાબ વિચારો સાથે બનાવેલું ભોજન અશુદ્ધ છે અને સ્વાસ્થ્યને વધુ નુકસાન કરે છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ તે વાતની સાબિતી આપે છે.
થોડાં સમય પહેલાં જર્મનીમાં 145 વ્યક્તિ પર ચાર મહિના સુધી સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં એમને અપાતા ભોજન વખતે રસોઈયાના મનમાં શું શું વિચાર ચાલતા એ નોંધવામાં આવ્યા. બે મહિના પૂરા થતાં સંશોધકો દ્વારા રસોઈયાઓને પૂછવામાં આવ્યું કે, ‘રસોઈ બનાવતા સમયે તમારા મનમાં પ્રાય: કેવા વિચારો થતા હતા?’ ત્યારે રસોઈયાઓએ કબલ્યું કે, ‘અમારા મનમાં નેગેટિવ વિચારો આવતા હતા.’ પછી જ્યારે જમનારા વ્યક્તિઓના નોંધેલા વિચારોને જોવામાં આવ્યા ત્યારે એમના વિચારો રસોઈયાના વિચારો સાથે 70થી 75 ટકા મળતા આવતા હતા!
આ સંશોધન મુજબ ગૃહિણીઓએ પણ ઘરે ખૂબ જ સારા વિચારો અને ભગવત્સ્મરણ સાથે રસોઈ બનાવવી જોઈએ, જેથી પરિવારના લોકો પર સકારાત્મક અસર થાય…
આ પણ વાંચો…આરોગ્ય પ્લસ : ઉપવાસ કરતા પહેલા અને પછી…જાણો આ મહત્વની વિગતો