સ્વાસ્થ્ય સુધા: હૃદયનો સાચો સાથી ગણાય છે દૂધી…

- શ્રીલેખા યાજ્ઞિક
સામાન્ય રીતે પ્રત્યેક ઘરમાં એક પ્રશ્ર્ન અચૂક પૂછવામાં આવે છે, આજે સયું શાક બનશે? તેમાં જો દૂધીનું નામ લેવામાં આવે તો પરિવારના કેટલાંક સભ્યોનું નાકનું ટેરવું ઉપર થઈ જતું હોય છે. લીલીછમ પાતળી દૂધીમાં વિવિધ પોષક-ગુણો સમાયેલાં છે. દૂધી જેવું પાતળું શરીર રાખવાની ઈચ્છા હોય તેમણે દૂધીનો ઉપયોગ આહારમાં અચૂક કરવો જોઈએ. તેમાં પણ વરસાદી મોસમમાં વેલાના શાકનું સેવન કરવાની સલાહ નિષ્ણાત આહાર તજજ્ઞો આપતાં હોય છે. દૂધી તો બારેમાસ મળતી શાકભાજી ગણાય છે. દૂધી માટે એવું કહેવાય છે કે જેટલો પ્રેમ આપણે આપણાં હૃદયથી કરતાં હોઈએ છીએ તેટલો જ પ્રેમ આપણે હૃદયના સાચા સાથી તરીકે ઓળખાતી દૂધીથી કરવો જોઈએ. કેમ કે જ્યારે પણ હૃદયના સ્વાસ્થ્યની વાત કરવામાં આવતી હોય છે, ત્યારે દૂધી વરદાન સમાન ગણાય છે. આયુર્વેદની સાથે આધુનિક શોધ દ્વારા સાબિત થયું છે કે દૂધીનું સેવન ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડવાની સાથે ટ્રાઈગ્લિસરાઈડને ઘટાડવામાં મદદ કરે છે. દૂધીનો ઉપયોગ આહારમાં કરતાં પહેલાં તેનો સ્વાદ કડવો નથી તેની ખાસ ચકાસણી કરી લેવી જોઈએ. કેમ કે અનેક વખત ચાખ્યા વગર દૂધીનો ઉપયોગ કરવાથી તે કડવી હોય તો સ્વાસ્થ્ય માટે ફાયદાને બદલે નુકસાનકારક બની જતી હોય છે.
દૂધી બે પ્રકારની હોય છે એક લાંબી પાતળી તો બીજી ગોળ. આયુર્વેદમાં દૂધીને ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. દૂધીને સંસ્કૃતમાં અબાલૂ, મહાફલા કે તુમ્બી તરીકે ઓળખવામાં આવે છે. દૂધીનું વાનસ્પતિક નામ લૈજીનૈરિયા સિસેરેરિયા છે. કુકુરબિચેસી કુળની ગણાય છે. અંગ્રેજીમાં બૉટલ ગૌર્ડ તરીકે ઓળખાય છે. તો હિન્દીમાં તુમ્બી, ઘીયા, લૌઆ, પંજાબીમાં તુમ્બા, ઘીયા કે કેડ્ડી, મલયાલમમાં ગારાડૂડી કે બેલ્લાશોરા, બંગાળીમાં કોડૂલી કે તિકાલો ગુજરાતીમાં દૂધી, તુંબડ કે દૂધિયો, મરાઠીમાં દૂધ્યા કે ભોપલા કહેવામાં આવે છે.
દૂધીમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ ભરપૂર સમાયેલું હોય છે. તેમ જ વિવિધ વિટામિન જેવા કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કેના ગુણોની માત્રા હોય છે. આયર્ન, પોટેશિયમ, મૈગ્નેશિયમ, ફૉલેટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. દૂધીનું સેવન ડાયાબિટીસના તેમજ હૃદય રોગના દર્દીઓ માટે અત્યંત ગુણકારી ગણાય છે. પાચનક્રિયામાં સુધારો લાવવામાં મદદરૂપ ગણાય છે.
દૂધીનો ઉપયોગ આહારમાં વિવિધ રીતે કરી શકાય છે, દૂધીનો હલવો, દૂધીનો દૂધપાક, દૂધીના મૂઠિયાં, દૂધીના થેપલાં, દૂધીનું શાક, દૂધી-ચણાદાળનું મિક્સ શાક, દૂધીના કોફ્તા, દૂધીનું ફરાળી છીણ, હાંડવો બનાવતી વખતે તેમાં ખાસ દૂધીના છીણનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી જે વ્યક્તિ દૂધીનું સેવન પસંદ ના કરતી હોય તે પણ કરવા લાગે છે.
દૂધી અનેક લોકોનું પસંદગીનું શાક ગણાય છે. દૂધીના સ્વાસ્થ્યવર્ધક લાભ
પાચનતંત્રને સુધારવામાં ગુણકારી : દૂધીમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. વળી દૂધીમાં કુદરતી રીતે પાણીની માત્રા વધુ હોય છે. જેથી તેનો ઉપયોગ કરવાથી પેટમાં જમા થયેલ મળ સરળતાથી શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેને કારણે વ્યક્તિ તાજગી અનુભવે છે. દૂધી પચવામાં હલકી હોવાથી જેમને પાચન સંબંધિત તકલીફ રહેતી હોય તેને માટે દૂધીનું શાક કે જ્યૂસ સારો ઉપાય ગણાય છે. કબજિયાત કે પેટ ફૂલવાની સમસ્યા ધરાવતી વ્યક્તિ માટે દૂધી એક સારો પર્યાય ગણાવી શકાય.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : દૂધીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ આહાર ગણાય છે. કેમ કે દૂધીમાં ફાઈબર, પોટેશિયમ સમાયેલાં છે. જેને કારણે લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
હૃદય રોગના દર્દીઓ માટે ઉત્તમ શાક : દૂધીનું સેવન પાચનમાં હલકું હોય છે. હૃદય રોગના દર્દીઓ માટે દૂધીનો વિવિધ રીતે આહારમાં ઉપયોગ ફાયદાકરક માનવામાં આવે છે. વહેલી સવારે દૂધીનો રસ પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. તેમ જ હૃદયની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે.
ત્વચા માટે ગુણકારી : દૂધીમાં વિટામિન સી તથા વિટામિન ઈની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે ત્વચાની તંદુરસ્તી જાળવવાની સાથે ચમકદાર બનાવવામાં મદદ કરે છે. દૂધી પાણીદાર શાકમાં સ્થાન ધરાવે છે. જેથી તેનું સેવન કરવાથી ત્વચા મુલાયમ બની જાય છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: શરીરને દૂધી જેવું પાતળું રાખવાની ઈચ્છા હોય તેમણે દૂધીનું સેવન વારંવાર કરવું જરૂરી છે. 1 કપ દૂધીમાં (145 ગ્રામ) 22 કૅલરીની માત્રા સમાયેલી હોય છે. દૂધીનું શાક, થેપલાં કે તેનો જ્યૂસ પીવાથી વધી ગયેલું વજન ઝડપથી નિયંત્રણમાં લાવી શકાય છે. કેમ કે દૂધીમાં ફાઈટોન્યૂટ્રિઅન્ટસની માત્રા જોવા મળે છે,
કૉલેસ્ટ્રોલને વધતું રોકે છે : દૂધીનો નિયમિત આહારમાં સમાવેશ કરવાથી હૃદય સંબંધિત વિવિધ તકલીફથી બચી શકાય છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં ઉપયોગી ગણાય છે.
છાતીમાં બળતરા તથા એસિડીટીની સમસ્યામાં રાહતદાયક : વધુ પડતાં મસાલાવાળા આહારને કારણે અનેક વખત છાતીમાં બળતરા થતી હોય છે. આવા સંજોગોમાં મસાલાયુક્ત આહારને થોડો સમય બંધ કરવો જોઈએ. દૂધીનું સેવન કરવાથી એસિડીટીની સમસ્યાથી રાહત મળે છે કેમ કે દૂધી ક્ષારીય પ્રકૃતિ ધરાવે છે.
દૂધીનો જ્યૂસ બનાવવાની રીત
સામગ્રી : 1 નંગ પાતળી-કૂણી દૂધી, 10 નંગ ફુદીનાના પાન, 1 ચમચી છીણેલું આદું,1 ચમચી શેકેલું જીરૂ, સ્વાદાનુસાર સંચળ- 1 ચમચી લીંબુનો રસ
બનાવવાની રીત : દૂધીનો જ્યૂસ બે રીતે બનાવી શકાય છે પ્રથમ રીતમાં દૂધીની છાલ ઉતારીને તેને બાફી લેવામાં આવે છે. તો બીજી રીતમાં દૂધીને છોલીને કાચી મિક્સરમાં ક્રશ કરીને તેનો જ્યૂસ બનાવવામાં આવે છે. દૂધીના ટુકડાને મિક્સરમાં રાખ્યા બાદ તેમાં ફૂદીનાના પાન, શેકેલાં જીરાનો પાઉડર, લીંબુનો રસ, સ્વાદાનુસાર સંચળ ભેળવીને તેને એકરસ ર્ક્યા બાદ તુરંત જ રસ પીવો જોઈએ. રસ જેટલો તાજો પીવામાં આવે છે તેટલો તે વધુ ફાયદાકારક ગણાય છે.
ભારતમાં બિહાર રાજ્ય દૂધીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. પટણા, મુઝફરનગર, ભાગલપુરમાં દૂધીની ખેતી મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે. બીજા ક્રમાંકે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, હરિયાણા, પશ્ર્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓરિસ્સા તથા આસામ આવે છે. વર્ષ 2023-24માં 3.77 મેગાટન દૂધીનું ઉત્પાદન ભારતમાં થયું હતું.
આપણ વાંચો: વજન ન વધારો, સાવધાન…