આરોગ્ય એક્સપ્રેસ: શું છે આ ‘રેય’ સિન્ડ્રોમ? | મુંબઈ સમાચાર
તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ: શું છે આ ‘રેય’ સિન્ડ્રોમ?

  • રાજેશ યાજ્ઞિક

આપણે ગયા અઠવાડિયાની કોલમમાં પીડાશામક દવાઓ વિશે વાત કરી ત્યારે એક રોગનો અછડતો ઉલ્લેખ કર્યો હતો જે બાળકોને થાય છે. તે છે, ‘રેય’ સિન્ડ્રોમ (Reye Syndrom). તેના વિશે આપણે વધુ જાણવું જોઈએ, જેથી બાળકોને દવા આપતી વખતે બાળકની વિશેષ કાળજી લઇ શકાય.

શું છે રેય સિન્ડ્રોમ?

રેય સિન્ડ્રોમ એ એક દુર્લભ રોગ છે, જે શરીરના ઘણા ભાગોને અસર કરે છે – જેમાં મગજ, લોહી અને લીવરનો સમાવેશ થાય છે. રેય સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં ઘણીવાર લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે અને લોહીમાં ેમોનિયા અને એસિડિટીનું પ્રમાણ વધુ હોય છે. આનાથી મગજમાં અચાનક ગંભીર સોજો આવે છે.

જ્યારે તમારું લીવર તમારા લોહીમાંથી એમોનિયા ફિલ્ટર કરી શકતું નથી ત્યારે આ રોગ થાય છે. વાયરલ ચેપ અથવા બીમારી માટે એસ્પિરિન લેતા બાળકોમાં આ સૌથી સામાન્ય સમસ્યા છે. આ સ્થિતિ સામાન્ય રીતે વાયરલ બીમારીની શરૂઆત પછી એક અઠવાડિયાની અંદર વિકસે છે પરંતુ તે 12 કલાકથી 3 અઠવાડિયાની વચ્ચે ગમે ત્યારે ઉદ્ભવી શકે છે.

રેય સિન્ડ્રોમનાં લક્ષણ

રેય સિન્ડ્રોમનાં લક્ષણ પાંચ તબક્કામાં સામે આવે છે.

સ્ટેજ 1નાં લક્ષણ:

વારંવાર તીવ્ર, ઊલટી થવી, સુસ્તી અથવા સામાન્ય કરતાં વધુ ઊંઘ આવવી, મૂંઝવણ, દુ:સ્વપ્નો

સ્ટેજ 2નાં લક્ષણ:

દિશાહીનતા, ચિત્તભ્રમ અથવા લડાઈની ભાવના, સામાન્ય કરતાં વધુ મજબૂત પ્રતિક્રિયાઓ (હાયપરરેફ્લેક્સિયા) અને બેબિન્સ્કી રીફ્લેક્સ દર્શાવવી, વિસ્તૃત આંખની કીકીઓ, હાયપરવેન્ટિલેશન, હૃદયના ઝડપી ધબકારા (ટાકીકાર્ડિયા)

સ્ટેજ 3નાં લક્ષણ:

કોમા, ડિ-કોર્ટિકેટ પોશ્ર્ચર (અને મગજની ઇજાને કારણે તમારું શરીર જે મુદ્રા લે છે)

સ્ટેજ 4 નાં લક્ષણ:

ડિસેરેબ્રેટરી પોશ્ર્ચરિંગ સાથે ઊંડી કોમાની સ્થિતિ, પ્રકાશ પ્રત્યે ન્યૂનતમ અથવા કોઈ પ્રતિભાવ ન હોય તેવી પહોળી આંખો.

સ્ટેજ 5નાં લક્ષણ:

હુમલા, લકવો અને મસલ સ્ટ્રેચ રીફ્લેક્સનો અભાવ, પ્રતિક્રિયા વિનાની કીકીઓ, શ્વસનની તકલીફ અને મૃત્યુ.

રેય સિન્ડ્રોમનું કારણ?

રેય સિન્ડ્રોમ કેવી રીતે અને શા માટે થાય છે એના વિશે નિષ્ણાતો હજી ચોક્કસ અભિપ્રાય પર પહોંચ્યા નથી. અગાઉનાં સંશોધનો મુજબ ફ્લૂ અથવા ચિકનપોક્સ જેવા વાયરલ ચેપને કારણે એસ્પિરિન લેતાં બાળકોને આ સમસ્યા સર્જાય છે, પરંતુ નવા સંશોધન સૂચવે છે કે એસ્પિરિન અને વાયરલ બીમારીઓ એકમાત્ર પરિબળો ન હોઈ શકે. બીજું મુખ્ય પરિબળ નિદાન ન થયેલી જન્મજાત ચયાપચય સમસ્યા (IEM) હોઈ શકે છે, જે તમારા યકૃત કોષોમાં મિટોકોન્ડ્રિયાને અસર કરે છે.

મિટોકોન્ડ્રિયા એ તમારા કોષોના પાવરહાઉસ છે, જેમ કે એન્જિન જે કામ કરવા માટે બળતણ બાળે છે, પરંતુ IEM હોવાથી લીવરના કોષો માટે એસ્પિરિન જેવી દવા પર પ્રક્રિયા કરવી મુશ્કેલ બની શકે છે. તે ઉપરાંત, વાયરલ બીમારીના વધારાના તાણથી લીવર યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી શકે છે.

તમારા લીવરનાં મુખ્ય કાર્યોમાંનું એક એ છે કે તમારા લોહીમાંથી એમોનિયા ફિલ્ટર કરવું. જો તે તમારા લોહીમાં જમા થાય તો તેને હાઇપરએમોનિયા કહેવામાં આવે છે. તમારા લીવરમાં વિક્ષેપો તમારા લોહીને ગંઠાઈ જવાનું મુશ્કેલ બનાવી શકે છે.

એમોનિયા મગજ માટે અત્યંત ઝેરી છે, જેના કારણે હિપેટિક એન્સેફાલોપથી થાય છે. તેનાથી મગજમાં સોજો આવે છે (સેરેબ્રલ એડીમા). પરંતુ ખોપરીની અંદર વધારે જગ્યા ન હોવાથી સોજાનું દબાણ મગજને નુકસાન
પહોંચાડે છે.

રેય સિન્ડ્રોમનું નિદાન કેવી રીતે થાય?

તબીબો રેય સિન્ડ્રોમનું નિદાન કરવા વિવિધ શારીરિક અને ન્યુરોલોજીકલ પરીક્ષણોનો ઉપયોગ કરીને કરી શકે છે. સંભવિત પરીક્ષણોમાં શામેલ છે:

એમોનિયા સ્તર અથવા પ્રોથ્રોમ્બિન સમય (ગંઠન સમય) તપાસવા માટે રક્ત પરીક્ષણો, મગજ ઇમેજિંગ સીટી સ્કેન અથવા એમઆરઆઈ, અન્ય સ્થિતિઓને નકારી કાઢવા માટે સ્પાઇનલ ટેપ (લમ્બર પંચર), લીવર બાયોપ્સી (લીવર નુકસાન તપાસવા માટે)

શું આ સિન્ડ્રોમ અટકાવી શકાય?

હા, રેય સિન્ડ્રોમ અટકાવી શકાય છે. તેને રોકવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે બાળકોને એસ્પિરિન ન આપવી જ્યાં સુધી બાળરોગ ચિકિત્સક અથવા તબીબ તેની ભલામણ ન કરે. એક મહત્ત્વની વાત એ છે કે ઘણી બધી ઓવર-ધ-કાઉન્ટર દવાઓમાં એસ્પિરિનનો સમાવેશ થાય છે. તેથી દવાના લેબલ વાંચવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણી ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓમાં સેલિસીલેટ્સ હોય છે, જેમાં બિસ્મથ સબસેલિસીલેટ (દાખલા તરીકે, પેપ્ટો-બિસ્મોલ)નો સમાવેશ થાય છે. આવી દવાઓ નિષ્ણાત તબીબની સલાહ વિના ન લેવી જોઈએ.

આપણ વાંચો:  ફાઈનાન્સના ફંડા: આપવામાં આવેલા પાવર કરતાં એજન્ટ વધુ અધિકારનો ઉપયોગ કરી શકે નહીં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button