આરોગ્ય એક્સપ્રેસઃ પીડાશામક દવા જાતે લો છો? તો આટલું અચૂક જાણી લો…

- રાજેશ યાજ્ઞિક
તમે આ વાંચતા હશો ત્યારે તમારા ઘરની દિવાળીની સાફસફાઈ થઇ ગઈ હશે. જો તમે પોતે તમારા ઘરની સફાઈ કરી હોય તો થાકી ગયા હશો અને હાથ-પગ પણ દુખતા હશે. સામાન્ય રીતે આપણા મિત્રો-સંબંધીઓ આવા સમયે સલાહ આપે કે રાત્રે સૂતા પહેલા એક પેનકિલર લઇ લેવાની. યાત્રાધામમાં પર્વત ચઢીને ગયા હો કે લાંબી મુસાફરી પરથી આવ્યા હો, ખેલકૂદમાં ભાગ લીધો હોય કે શારીરિક કષ્ટ પડે તેવું કામ કર્યું હોય, કંઈ નહીં તો અમસ્તું માથું દુખતું હોય તો પણ આપણે એકાદ પેનકિલર લઇ લેતા ખચકાતા નથી. તેના માટે ડોક્ટર પાસે જવાની પણ જરૂર નથી હોતી, બરાબરને? પરંતુ આપણે સાવધાન થવાની જરૂર ચોક્કસ છે. શા માટે તે જાણીએ…
દવાની દુકાનોમાં ઓવર-ધ-કાઉન્ટર (ઓટીસી-ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા ખરીદી શકાય તેવી) તરીકે ઓળખાતી પીડાશામક દવાના ઘણા બધા વિકલ્પ ઉપલબ્ધ હોય છે.તે કાં તો એસિટામિનોફેન અથવા નોનસ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવા (NSAID) હોય છે.
પેનકિલર્સ અને એનએસએઆઇડી, એનાલ્જેસિક્સ (પીડાનાશક) તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ પીડાની સારવાર માટે થાય છે. અહીં સૌથી મોટો તફાવત એ છે કે પેનકિલર્સ તમે જે પીડા અનુભવી રહ્યા છો તેના સ્તરને લક્ષ્ય બનાવે છે, મગજમાં પહોંચે તે પહેલાં પીડાના સંકેતોને અટકાવીને.
બીજી તરફ, NSAID, જેને નોન-સ્ટીરોઈડલ સોજા વિરોધી દવાઓ પણ કહી શકાય, તે પીડા અને તાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, મુખ્યત્વે સોજો ઘટાડીને.
એસિટામિનોફેન અને એનએસએઆઇડી બંને તાવ અને ઘણા પ્રકારના દુખાવાની સારવાર માટે સારા છે. એમાં ગળા-કમરનો, શસ્ત્રક્રિયા પછી, વ્યાયામ કરવાથી કે શારીરિક પ્રવૃત્તિ કરવાથી, શરદી, ફ્લૂ અને સાઇનસાઇટિસથી દુખાવો વગેરે સામેલ છે.
આ દવા ગોળીના રૂપમાં ઉપલબ્ધ હોય છે, તે સિવાય સિરપના રૂપે અને ત્વચા પર લગાવવામાં આવતી ક્રીમ, જેલ, સ્પ્રે, પ્લાસ્ટરના રૂપે પણ ઉપલબ્ધ હોય છે. સ્વાભાવિક છે કે ડોક્ટર જરૂરિયાત મુજબ દવા સૂચવે છે.
પીડાનાશક ઓપીઓઇડ્સ (જેને નાર્કોટિક્સ પણ કહેવાય છે) મગજની પીડા પ્રત્યેની ધારણાને બદલીને કાર્ય કરે છે. ઓપીઓઇડ કોઈપણ દવા હોઈ શકે છે, કુદરતી અથવા માનવસર્જિત. ઘણા મોર્ફિન જેવા હોય છે, પરંતુ પ્રયોગશાળામાં નવા, અસંબંધિત ઓપીઓઇડ્સ પણ બનાવવામાં આવ્યા છે. કમનસીબે કેટલાકનો દૂર-ઉપયોગ નશો કરવા માટે પણ થાય છે.
મોટાભાગના લોકો ઓટીસી પીડાશામક દવાને ખતરનાક માનતા નથી, કારણ કે તેમને ખરીદવા માટે તમારે પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી. મહત્ત્વની વાત એ છે કે, ઉપયોગ નિર્દેશન મુજબ કરવામાં આવે છે ત્યારે પીડાનાશક સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ જો તમે તેનો વારંવાર, ખૂબ લાંબા સમય સુધી અથવા ખૂબ મોટી માત્રામાં ઉપયોગ કરો, તો તે આડઅસરો અને ગૂંચવણો પેદા કરી શકે છે.
શું નુકસાન થઇ શકે?
જો તમે ભલામણ કરતાં વધુ દવા લો તો તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. પીડા નિવારક દવા અન્ય દવાઓ, ખાસ કરીને લોહી પાતળું કરનાર દવાઓ સાથે હાનિકારક પ્રતિક્રિયા આપી શકે છે. દારૂની સાથે પીડાશામક દવાઓ લેવાથી આરોગ્યને ભારે નુકસાન થઇ શકે છે, મૃત્યુ પણ થઇ શકે છે. તેથી જ, નશો કરવાના રવાડે ચઢેલા ઘણા યુવાનોના આરોગ્ય જોખમમાં મુકાય છે.
કેટલાક સંભવિત આરોગ્ય જોખમો જાણી લેવા જોઈએ. જેવા કે, લીવર અથવા કિડની જેવા આંતરિક અવયવોને નુકસાન, ઝાડા અથવા કબજિયાત, હૃદયની સમસ્યાઓ, અતિસંવેદનશીલતા જે એલર્જિક પ્રતિક્રિયા જેવી જ હોય છે, ઊબકા, પેટ ખરાબ થવું કે હાર્ટબર્ન, કાનમાં અવાજ આવવો, અથવા તો બહેરાશ પણ, પેટમાં અલ્સર, લોહીમાં ગંઠાવાનું નિર્માણ થવામાં મુશ્કેલી, જેનાથી વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ શકે છે.
શું કાળજી લેવી?
કેટલીક ઉધરસ અને શરદીની દવાઓ અને એલર્જીની દવામાં અન્ય ઘટકો સાથે એસિટામિનોફેન અથવા એનએસએઆઇડી હોઈ શકે છે. તેથી તમે જે દવાઓ લો છો તેના લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા મહત્ત્વપૂર્ણ છે. તેને અન્ય ઓટીસી દવાઓ સાથે ભેળવશો નહીં. આનાથી તમને ઓવરડોઝ થવાનું જોખમ રહેશે. બીજી સમસ્યા એ છે કે ઘણા દિવસો સુધી પીડા નિવારક દવાઓ લેવી.
આમાંની મોટાભાગની દવાઓ અમુક દિવસો સુધી લેવી જોઈએ તેના ચોક્કસ નિયમ હોય છે અને તે મુજબ જ ડોક્ટર તેની ભલામણ કરે છે.
બાળકોને ઓવર-ધ-કાઉન્ટર પીડા નિવારક દવા આપતી વખતે ખાસ કાળજી રાખો. બાળકને ક્યારેય ભલામણ કરેલ માત્રા કરતાં વધુ દવા ન આપો. બાળકો અને કિશોરોએ ક્યારેય એસ્પિરિન ન લેવી જોઈએ. તે ‘રેય સિન્ડ્રોમ’ નામની દુર્લભ પરંતુ સંભવિત જીવલેણ સ્થિતિનું કારણ બની શકે છે.
તમે કોઈ ક્રોનિક બીમારીઓથી પીડાતા હો તો કોઈપણ પીડાશામક દવા ડોક્ટરને પૂછ્યા વિના લેવાનું ટાળવું જોઈએ. એવી કોઈ બીમારી ન હોય તો પણ ટૂંકા ગાળાને બાદ કરતાં તબીબની સલાહ વિના વારંવાર દવાઓ લેવાનું ટાળવું હિતકારક છે.
આપણ વાંચો: આરોગ્ય વીમા પૉલિસીનું પોર્ટિંગ વખતે નો- ક્લેમ બોનસ પણ ટ્રાન્સફર થાય ખરું?