તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ ખટ-મધુરાં કમરખના અનેક દિવાના…

શ્રીલેખા યાજ્ઞિક

કમરખ નામ સાંભળતાંની સાથે જ અનેક સ્વાદ-રસિયાના મોંમાં પાણી આવી જતું હોય છે. તો અનેક લોકો નાકનું ટીચકું ચઢાવી દે છે. શું આપને આપના સ્વાસ્થ્યને સદાબહાર તંદુરસ્ત બનાવવું છે? તો સ્ટાર આકારનું આકર્ષક દેખાવ ધરાવતું કમરખ ખાવાનું શરૂ કરી દેવું હિતાવહ છે. એવી પણ માહિતી મળે છે કે પ્રાચીન કાળમાં કમરખનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

પુરાણો તથા આયુર્વેદિક ગ્રથોમાં કમરખનું વર્ણન ‘કર્મરંગ’ નામથી જોવા મળે છે. કમરખ પ્રાકૃતિક રીતે ખટાશ ધરાવતું જોવા મળે છે. કાચું લીલું ફળ થોડું વધુ ખટાશ ધરાવતું હોય છે. જ્યારે પાકેલાં પીળાં ફળમાં ભરપૂર મીઠાશ સમાયેલી હોય છે. કમરખનું ફળ રસદાર હોય છે. એવું પણ જાણવા મળે છે કે કમરખના પાનનો ઉપયોગ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ખાસ કરવામાં આવે છે.

કમરખનું વૃક્ષ 5-10 મીટર ઊંચું હોય છે. વૃક્ષ ઘટાદાર તથા પાન સદાબહાર લીલા જોવા મળે છે. ફળ 7.5થી 10 સે.મિટર લાંબું હોય છે. ફળમાં 3 અથવા 5 શિશ જોવા મળે છે. તેનો આકાર તારા જેવો હોય છે. તેથી તેને ‘સ્ટાર ફ્રૂટ’ તરીકે ઓળખવામાં આવે છે. શાળામાં બાળકોને શિક્ષક તેમના સારા ગુણાંકને માટે ત્રણકે પાંચ સ્ટાર આપે છે. તો ફાઈવ-‘સ્ટાર’ હોટલ કે રેસ્ટોરાંમાં રહેવું કે જમવું પ્રત્યેકની મહેચ્છા હોય છે. આજકાલ તો ઑનલાઈન વસ્તુ ખરીદતાં પહેલાં તે વસ્તુને કેટલાં સ્ટાર મળ્યા છે તેની ખાસ ચકાસણી કરવામાં આવે છે. કુદરતે જેને શ્રેષ્ઠતા માટે ‘સ્ટાર-આકાર’ બક્ષ્યો છે તેવાં મીઠાં કમરખનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કરવો જોઈએ.

કમરખને સંસ્કૃતમાં વિશાલ, શુકપ્રિયમ, રૂજાકર, હિન્દીમાં કરમલ કે કમરખ, મરાઠીમાં કમલર, કર્મર કે કમરખ, બંગાળીમાં કમરંગા, તમિળમાં તમરટ્ટઈ કે સગદમ, કન્નડમાં દારેહુલિ કે કમરંગા, ઊર્દૂમાં કમરખ, અંગ્રેજીમાં કૈરમ્બોલા-ઍપ્પલ કે ચાઈનીઝ ગુઝબૅરી તરીકે ઓળખવામાં આવે છે.

કમરખનું ઉપરનું પડ અત્યંત મુલાયમ હોય છે. તેને કાપવાથી તે વધુ આકર્ષક દેખાય છે. કમરખના પોષક તત્ત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન એ વિટામિન બી, વિટામિન સીના ગુણો સમાયેલાં હોય છે. ફોસ્ફરસ, ઝિંક, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ તથા આયર્નની માત્રા હોય છે.

કમરખ ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી

કમરખ સ્વાદમાં ખટ્ટ-મધુરું હોય છે. તેમાં શર્કરાની માત્રા અન્ય ફળોની સરખામણીમાં ઓછી હોય છે. તેથી ડાયાબિટીસની સમસ્યા ધરાવતી વ્યક્તિ તેનું સેવન સરળતાથી કરી શકે છે. લોહીમાં શર્કરાની માત્રા વધવાની ચિંતા ટાળી શકાય છે. વળી કમરખમાં ફાઈબર સમાયેલું હોય છે. જેને કારણે લોહીમાં શર્કરાની માત્રા વધતાં રોકે છે.

વજનને ઘટાડવામાં લાભાકારી :

કમરખમાં કૅલરીની માત્રા ઓછી તેમજ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જેથી કમરખ ખાધા બાદ લાંબા સમય સુધી અન્ય ચટપટી વાનગી અકારણ ખાવાની ઈચ્છા થતી નથી. કમરખમાં ફાઈબરની માત્રા હોવાથી તેના સેવન બાદ પેટમાં આફરો ચઢવો કે કબજિયાતની સમસ્યાથી બચી શકાય છે.

બજારમાં મળતાં ચટપટાં પેકૅટ ફૂડ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક બજારુ ચટપટી વાનગી ખાવાની ઈચ્છા થતી નથી. જે લાંબેગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કમરખનું ફળ સ્વાદિષ્ટ હોવાને કારણે વ્યક્તિ એક વખત કાપ્યા બાદ એક કે બે ફળ ચાટ મસાલો ભભરાવીને આરામથી ખાઈ લે છે. જેથી તેને સ્વાદની સાથે સેહતની કાળજી લીધાનો આનંદ મળે છે. વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે

હાડકાં મજબૂત બનાવવામાં ઉપયોગી :

વય વધવાની સાથે હાડકાં બરડ બનવાની શક્યતા વધી જતી હોય છે. હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવા માટે શરીરને યોગ્ય પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે તેની કાળજી લેવી આવશ્યક છે. કમરખમાં કૅલ્શ્યિમ, આયર્ન, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે હાડકાંનું ઘનત્વ ટકાવી રાખવામાં મદદ કરે છે.

પાકા કમરખનું સેવન સંચળ-કે ચાટમસાલો ભભરાવીને કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જે હૃદય તથા મગજના સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ :

અનેક લોકોને યોગ્ય તેમ જ પોષક આહારનું સમયસર સેવન કરવાનો સમય મળતો નથી. જેને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સીની માત્રા શરીરમાં જળવાઈ રહે તે જરૂરી છે. જે શરીરમાં અન્ય પોષક તત્ત્વોની માત્રા વધારવામાં મદદ કરે છે. લાંબે ગાળે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કફ, પિત્ત તથા રક્તવિકારને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી

મોસમમાં બદલાવ કે વારંવાર ઉજાગરા, વાંસી કે બહારનું ભોજન શરીરની પાચનક્રિયાને બગાડે છે. જેને કારણે વ્યક્તિ કફ-પિત્ત-કબજિયાત-રક્તવિકારનો શિકાર બને છે. ઉપરોક્ત સમસ્યાથી બચવા માટે વિટામિન સીના ગુણોથી ભરપૂર કમરખનું સેવન ગુણકારી ગણાય છે.

હૃદયરોગથી બચાવે છે :

કમરખ હૃદયરોગની સમસ્યાથી બચાવે છે. કેમ કે તેમાં વિટામિન બી-9 હોય છે. જે હૃદયરોગથી રક્ષા કરવા માટે આવશ્યક ગણાય છે. કમરખમાં રાઈબોફ્લેવિન, નિયાસિન, થાયમિન, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, તથા વિટામિન બી-5 વગેરે હોય છે. વળી કમરખમાં પોટેશિયમની ઉચ્ચ માત્રા સમાયેલી હોય છે.

કૅલ્શિયમ સમાયેલું હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. શરીરને શક્તિવર્ધક બનાવવાની સાથે કમરખનું સેવન હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક ગણાય છે.

કમરખનો જામ

સામગ્રી : 6 નંગ પાકેલાં પીળાં કમરખ, 1 મધ્યમ કદની વાટકી સાકર, 5 મિલીગ્રામ પૅક્ટીન પાઉડર, 1 મોટી ચમચી દળેલી ખાંડ.
બનાવવાની રીત: સૌ પ્રથમ કમરખને આજુબાજુથી કાપી લેવાં. તેના પ્રમાણસર નાના ટૂકડાં કરવાં. એક મોટી તપેલીમાં કમરખના ટૂકડાં ગોઠવવાં. તેમાં 1 વાટકી સાકર ભેળવવી. એક કલાક માટે રાખી મૂકવું. સાકર બરાબર ઓગળી જાય ત્યારબાદ તેને કડાઈમાં ધીમા તાપે ગરમ કરવું. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં દળેલી ખાંડમાં ભેળવીને તૈયાર કરેલો પૅક્ટીન પાઉડર ધીમે ધીમે ભેળવવો.

(જામને ઘટ્ટ પારદર્શક બનાવવા તેમજ તેને ચમકીલો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.) ગાંઠા ના પડે તેની કાળજી રાખી બરાબર હલાવતાં રહેવું. જામ બનવા આવ્યો છે તેને ચકાસવા તેમાં ઊંધો ચમચો હલાવવો. જો મિશ્રણ પાછું એક રસ થતાં ત્રણ સેકન્ડ લે તો સમજવું કે જામ તૈયાર થઈ ગયો છે. વધુ ઘટ્ટ કરવાનું ટાળવું. કેમ કે ઠંડું થયા બાદ તે આપમેળે ઘટ્ટ બનશે. જામ ઠંડો થાય ત્યારબાદ તેને કાચની નાની બોટલમાં કાઢીને ફ્રિઝમાં ઠંડો કરવા મૂકવો. એક વખત કમરખના જામનો સ્વાદ માણશો તો સ્ટ્રોબરી કે એપલ જામને આપ ભૂલી જશો. કમરખનો જામ અત્યંત સ્વાદિષ્ટ બને છે. જે બ્રેડ કે પરાઠા ઉપર લગાવીને ખાઈ શકાય છે.

પ્રસવ-બાદ-દૂધ વધારવામાં ઉપયોગી :

કમરખનો સ્વાદ ખટ-મધુરો હોય છે. જેથી તેનો સ્વાદ સામાન્ય રીતે છોકરીઓ-મહિલાઓને વધુ પસંદ હોય છે. એક સમય હતો જ્યારે શાળાની બહાર રેકડીમાં મળતાં કમરખની ખરીદી કરવા છોકરીઓ પડાપડી કરતી જોવા મળતી. અનેક વખત એવું જોવા મળે છે કે પ્રસવ બાદ માતાને સ્તનમાં દૂધ યોગ્ય પ્રમાણમાં બનતું નથી હોતું. જેને કારણે તે માનસિક તાણ અનુભવે છે. માનસિક તાણ અનુભવવાને બદલે વધુ દૂધ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી મેળવવી જોઈએ. કમરખનું સેવન પ્રસવ બાદ દૂધ વધારવામાં લાભકારી ગણાય છે. વળી માસિક ધર્મ લંબાઈ જતું હોય કે અનિયમિત હોય તેમને માટે કમરખનું સેવન લાભકારક ગણાય છે.

ભૂખ વધારવા માટે લાભકારક


જેમ વધતું વજન એક સમસ્યા બની ગઈ છે તે જ પ્રમાણે એક વર્ગ એવો પણ છે જેમને ભૂખ લાગતી જ નથી. તેમની સામે અવનવી વાનગી ગોઠવી હોય તેમ છતાં તેમનું મન તે ખાવા માનતું જ નથી. આ સમસ્યાથી બચવા માટે કમરખનું સેવન લાભકારક ઉપાય ગણાવી શકાય. કમરખનો જ્યૂસ બનાવીને તેમાં થોડી ખાંડ ભેળવીને નરણાં કોઠે પીવું જોઈએ. ભોજન પ્રત્યે રુચી વધારે છે. તેમ જ ભૂખને વધારવામાં મદદ કરી શકે છે.

કમરખને કાપીને ખાઈ શકાય છે. તથા કમરખનો ઉપયોગ વિવિધ પ્રકારની ચટણી, અથાણું, પીણાં તેમજ જામ બનાવવામાં કરી શકાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button