સ્વાસ્થ્ય સુધા: સ્વાદિષ્ટ તથા સ્વાસ્થ્યવર્ધક છે બિહારી વ્યંજન લિટ્ટી-ચોખા

- શ્રીલેખા યાજ્ઞિક
સ્વાદ-રસિયાઓને દિવાળીના દિવસોમાં મનભરીને મીઠાઈ-ફરસાણની મોજ માણવાનો આનંદ અનેરો આવે છે. લાભપાંચમ બાદ છઠપૂજાનું આકર્ષણ સદાય બિહાર-ઉત્તર પ્રદેશ-મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. ઊગતાં સૂર્યની આરાધના, ઉપવાસ તથા મંત્ર જાપ દ્વારા વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. નદી-કિનારે-દરિયાકિનારે કે તળાવને કિનારે ખાસ ફળ-ફૂલ-દીપ પ્રગટાવીને પૂજનવિધિ કરવામાં આવે છે. ઉપવાસ બાદ અનેક જગ્યાએ સૌપ્રથમ બનતી વાનગી હોય તો તે છે ‘લિટ્ટી-ચોખા’.
લિટ્ટી-ચોખાનો સ્વાદ તથા તેના પૌષ્ટિક ગુણો વિશે જાણકારી મેળવીએ તે પહેલાં તેનો રોચક ઈતિહાસ પણ જાણવા જેવો છે. ‘લિટ્ટી-ચોખા’ને બિહારી વ્યંજનનનો ‘તાજ’ ગણવામાં આવે છે. હવે તો સમયની સાથે બદલાવ આવતાં લિટ્ટી-ચોખાનો સ્વાદ આપને ભારતના વિવિધ રાજ્યોની સાથે દિલ્હીથી લઈને લંડનમાં સરળતાથી માણવા મળી રહે છે. લિટ્ટી-ચોખાનું સાચું નામ ‘ભઉરી-ચોખા’ છે. લિટ્ટી-ચોખાનો આનંદ માણતી વખતે આપને અનેક વખત વિચાર આવે જ, કે આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની શરૂઆત સૌ પ્રથમ કયાંથી થઈ હશે. જાણીતા ઈતિહાસકારનું કહેવું છે કે બલિયાના ‘લિટ્ટી-ચોખા’એ તો વિશ્ર્વમાં સ્થાનિક વાનગીનો ડંકો વગાડયો છે. બાટી-ચોખા, દાલ–બાટી-ચુરમા જેવી વાનગી ખાવાની પ્રથા ભારતના વિવિધ રાજ્યોમાં જોવા મળે છે. બલિયાના લિટ્ટી-ચોખાની ખાસ વાત એટલે લિટ્ટીની અંદર ચણાના સત્તૂનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં વિશિષ્ટ મસાલા જેવા કે અજમો, હીંગ, આદું-મરચાં-લસણ, સિંધવ, સરસિયાનું તેલ કે તલના તેલનો ઉપયોગ કરીને ખાસ ભરવાનો મસાલો તૈયાર કરવામાં આવે છે. બાટી બિહાર તથા તેની આસપાસ જોડાયેલાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, નેપાળની સાથે મગધ પ્રદેશની લોકપ્રિય વાનગી ગણાય છે. લિટ્ટી-ચોખા માટે એવું કહેવાય છેે કે ‘તે ફક્ત પાકકલાનો આનંદ આપતી વાનગી નથી પરંતુ ભોજપુરી ખાનપાનની ઓળખ ગણાય છે.’ ગ્રામ્ય વિસ્તારની સાદગીની સાથે તેના આતિથ્યનો સંદેશ આ વિશિષ્ટ વ્યંજનમાં છુપાયેલો છે.
લિટ્ટી-ચોખા એક પ્રાચીન વાનગી ગણાય છે. ભગવાન રામે બક્સરના ચરિત્રવનની યાત્રા દરમિયાન મહર્ષિ વિશ્ર્વામિત્રના આશ્રમમાં લિટ્ટી-ચોખાનું ભોજન ગ્રહણ ર્ક્યું હતું. પંચકોસી યાત્રા દરમિયાન પાંચ પવિત્ર સ્થળની પરિક્રમા બાદ અંતિમ દિને ભગવાન રામને નૈવેદ્યમાં લિટ્ટી-ચોખા ધરાવવાની પરંપરા જોવા મળે છે. સૌ પ્રથમ મગધ સામ્રાજ્યના રસોઈ-ઘરમાં બનતી હતી તેવું ઈતિહાસકારો દ્વારા જાણવા મળે છે. મગધની રાજધાની પાટલિપુત્ર હતી. જે હાલનું પટના ગણાય છે. લિટ્ટીનો ઉપયોગ મુખ્યત્વે સૈનિકો, યાત્રિકો, ખેડૂતો તથા મજૂરવર્ગ માટે ખાસ થતો હતો. વિશિષ્ટ પ્રકારે બનાવવામાં આવતાં હોવાથી તે લાંબો સમય સુધી ઉપયોગમાં લઈ શકાતા હતા. યુદ્ધમાં જતાં વીર સૈનિકોની ભાવતી વાનગી ગણાતી હતી. પહેલાંના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં લિટ્ટીને ખાસ ગાયના સૂકા છાણામાં શેકવામાં આવતી. સમયની સાથે લિટ્ટીની સાથે સ્વાદમાં વિવિધતા લાવવા માટે ચોખાનો સમાવેશ થવા લાગ્યો. પહેલાંના સમયમાં તો કોઈપણ શાક સાથે આગમાં શેકેલી ગરમાગરમ લિટ્ટીને ઘીમાં બોળીને પીરસવામાં આવતી.
એવી માહિતી જાણવા મળે છે કે એક સમયે મુહમ્મદ ગઝની સૌરાષ્ટ્ર સ્થિત સોમનાથ મંદિરને લૂંટીને પાછો જઈ રહ્યો હતો તે સમયે ગઝનીની સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, અચાનક થયેલાં હુમલાથી જરાપણ ગભરાયા વગર રાજપૂતની સેનાએ તેમની ઉપર વળતું આક્રમણ ક્યુર્ં. તે સમયે રાજપૂતની સેનાના કેટલાંક સૈનિકો સેના માટે ભોજન બનાવી રહ્યા હતા. ભોજન બનાવી રહેલાં સૈનિકોએ પોતાની હોશિયારીથી લોટના નાના ગોળા બનાવીને કચ્છના રણની રેતીમાં ચોક્કસ સ્થળે ગોઠવી દીધા. રાત્રે જ્યારે સૈનિકો યુદ્ધમાં જીતીને પાછા ફર્યા ત્યારે કચ્છના રણની ગરમ રેતીમાં સ્વાદિષ્ટ લિટ્ટી શેકાઈને તૈયાર થઈ ગઈ હતી. બિહારમાં બલિયાવાસીઓએ ગંગા-સરયૂ નદીને કિનારે રેતીમાં લિટ્ટી બનાવીને શેકવાની શરૂઆત કરી. ધીમે ધીમે ગાયના ગોબરના છાણા બનાવીને તેમાં શેકવાની શરૂઆત થઈ. હાલમાં લિટ્ટી વિવિધ રીતે બનાવી શકાય છે. જેમ કે પ્રેશર કુકરમાં સિટી-રિંગ કાઢીને, અપ્પમ પાત્રમાં, ઈલેક્ટ્રોનિક ઓવનમાં કે ગ્રીલ મશીનમાં કે કોલસાને પ્રગટાવીને તેની ઉપર બનાવી શકાય છે. અનાજ કે બ્રેડ શેકવાની મોટી ભટ્ટીમાં કે ઈંટોની ભઠ્ઠીમાં તેને પકાવવાની શરૂઆત કરવામાં આવી. એક સરખી આગ મળતી હોવાથી ભઠ્ઠીમાં પકાવેલી લિટ્ટીનો સ્વાદ અત્યંત મધુર આવતો હોય છે.
લિટ્ટી-ચોખાને પોષ્ટિક વાનગી ગણવામાં આવે છે કેમ કે તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર વગેરે સ્વાસ્થ્યવર્ધક ગુણો સમાયેલાં જોવા મળે છે. શુદ્ધ દેશી ઘીમાં ડૂબાવેલી લિટ્ટી તથા તેની સાથે ચટણી, રિંગણને શેકીને તેમાં બટાકા-ટામેટાના મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવતું ભડથું એટલે જ ચોખા. તેનો સ્વાદ એકવખત અવશ્ય માણવા જેવો છે. કેમ કે તેમાં વધુ પડતાં તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી. રેસ્ટોરાંના ભોજનની સરખામણીમાં તેમાં મર્યાદિત માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.
લિટ્ટી-ચોખાના સ્વાસ્થ્ય લાભ જાણી લઈએ
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી
ડાયાબિટીસના દર્દીઓએ લિટ્ટી-ચોખાનો આહારમાં ઉપયોગ વારંવાર કરવો આવશ્યક ગણાય છે. લિટ્ટીમાં સત્તૂના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કૅલ્શ્યિમ, પ્રોટીન જેવાં મિનરલ્સના ગુણો જોવા મળે છે. પેટની સાથે સંકળાયેલી સર્વે સમસ્યાના નિવારણ માટે જરૂરી ગણાય છે. લિટ્ટીનો ભોજનમાં ઉપયોગ કરવાથી લિવર મજબૂત બને છે. એસિડીટીની તકલીફમાં રાહત મળે છે.
કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી
લિટ્ટી સાથે ખાસ પીરસવામાં આવતું શાક અથવા ચોખા કે જે ભડથાનાં રિંગણને શેકીને કરવામાં આવે છે. જે તેના સ્વાદને વધારવામાં મદદ કરે છે. વળી બ્લડપ્રેશર, ડાયાબિટીસ તેમ જ દિલની સાથે સંકળાયેલી સમસ્યામાં રાહત આપે છે. કેમ કે રિંગણ પોટેશ્યિમ, મેગ્નેશ્યિમ હૃદયની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
સત્તૂના લોટમાંથી બનતી લિટ્ટીને શેકીને તૈયાર કરવામાં આવે છે. રિંગણને શેકીને તેમાં ટામેટાની સાથે ચોખાની મીઠાશ જળવાઈ રહે તે માટે મર્યાદિત માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તે એક પ્લેટ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પૌષ્ટિક હોવાની સાથે વારંવાર ખાવાની ઈચ્છાથી બચી શકાય છે. જે લાંબેગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. રિંગણ તથા ટામેટામાં વિટામિન એ તથા વિટામિન સીના પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. જે શરીરને માટે શક્તિવર્ધક ગણાય છે.
ઘીનો ઉપયોગ શરીરને મજબૂત બનાવવામાં ઉપયોગી
ગરમાગરમ લિટ્ટીને ઘીમાં બોળીને પીરસવા આવે છે. ઘીમાં ઍન્ટિ-વાયરલ, ઍન્ટિ-ઓક્સિડન્ટ, ઍન્ટિ-ફંગલ ગુણો સમાયેલાં છે. વળી શરીરની તંદુરસ્તી માટે આવશ્યક પોષક ગુણોનો ભંડાર ગણાય છે. લિટ્ટી-ચોખાનું સેવન કરવાથી ઘીની માત્રા સંપૂર્ણ શરીર માટે અગત્યની ગણાય છે. ઘીનો ભોજનમાં સમાવેશ કરવાથી લોહીની સાથે આંતરડામાં જમા થયેલાં કૉલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
લિટ્ટી-ચોખા બનાવવાની રીત
સામગ્રી : 1 કપ ઘઉંનો ઝીણો લોટ, 1 કપ ઘઉંનો જાડો લોટ, દોઢ કપ શેકેલાં ચણાનો(સત્તૂનો) લોટ, 8 મોટી ચમચી તેલ, 6 ચમચી શુદ્ધ ઘી, 1 નાની ચમચી અજમો, ચપટી મીઠું, લોટ બાંધવા પાણી. ભરવાનો મસાલો બનાવવા માટે : દોઢ કપ સત્તૂનો લોટ, 1 ચમચી કોથમીર ઝીણી સમારેલી, 1 નંગ લીલું મરચું ઝીણું સમારેલું, 1 નાની ચમચી જીરું, અડધી ચમચી કલોંજીના બી, 1 ચમચી કેરીનું અથાણું, સ્વાદપ્રમાણે મીઠું, 1 ચમચી દળેલી ખાંડ, 1 નાની ચમચી ધાણાજીરું, 1 નાની ચમચી લીંબુનો રસ, 2 ચમચી સરસિયાનું કે તલનું તેલ. ચોખા બનાવવા માટે : 1 મોટું રિંગણ, 2 નંગ ટામેટા, 1 નંગ બાફેલું બટાકું, 1 મોટી ચમચી આદું-મરચાં-લસણને ઝીણાં સમારેલાં, 3 કળી આખું લસણ, સજાવટ માટે કોથમીર.
બનાવવાની રીત : સૌ પ્રથમ ભડથાના રીંગણની ઉપર તેલ લગાવી લેવું. તેમાં નાના કાપા પાડીને વચ્ચે લસણની કળી ગોઠવી દેવી. રીંગણને ગેસ ઉપર શેકી લેવું. તેજ પ્રમાણે ર નંગ ટામેટા તથા બટાકાને થોડું તેલ લગાવીને ગેસ ઉપર શેકી લેવું. બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેને આંચ ઉપરથી ઉતારીને ઢાંકીને ઠંડું કરવા મૂકવું. થોડું ઠંડું થાય ત્યારબાદ તેની છાલ કાઢીને તેને બરાબર એકરસ કરી લેવું. તેમાં ઝીણાં સમારેલાં મરચાં, આદું તથા લસણ ભેળવી દેવાં. સ્વાદાનુસાર મીઠું નાખી કોથમીરથી સજાવવું. ઉપરથી 1 ચમચો સરસિયું કે તલનું તેલ ગરમ કરીને હિંગથી વઘાર કરીને ભેળવવું.
લિટ્ટી બનાવવાની રીત : સૌ પ્રથમ ઘઉંનો જાડો તથા ઝીણો બંને લોટ ભેળવવાં. તેમાં 3 ચમચી ઘીનું મોણ તથા ચપટી મીઠું નાખીને ઘઉંનો લોટ પરાઠાથી થોડો કડક બાંધી લેવો. તેને ઢાંકીને રાખવો. અન્ય મોટા બાઉલમાં સત્તૂનું મિશ્રણ તૈયાર કરવા માટે દોઢ કપ સત્તૂનો લોટ લેવો. તેમાં મુઠ્ઠી પડતું તેલનું મોણ નાખવું. સ્વાદાનુસાર ઉપરોક્ત દર્શાવેલાં મસાલા ભેળવવા. આદું-મરચાં-કોથમીંર ઝીણાં સમારીને ઉમેરવાં. ચપટી ખાંડ તથા અથાણાનો મસાલો એકરસ કરીને ભેળવવો. મિશ્રણને બરાબર તૈયાર કરીને ઘઉંના લોટના એકસરખાં લુવા પાડીને તેમાં સત્તૂનું મિશ્રણ ભરવું. લિટ્ટીને કુકરમાં ગોઠવવી. કુકરની સિટી તથા રીંગ કાઢી લેવી. 1 નાની ચમચી ઘી તથા 1 નાની ચમચી તેલ ઉમેરીને ધીમા તાપે બધી જ બાજુ બરાબર શેકી લેવી. તૈયાર કરેલી ગરમાગરમ લિટ્ટીની ઉપર 1 ચમચી શુદ્ધ ઘી રેડવું. લિટ્ટીને ચોખા સાથે પીરસવી.
ગરમીમાં લૂથી બચાવે છે
ગરમીના દિવસોમાં શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે સત્તૂનું સેવન કરવું જરૂરી ગણાય છે. પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે.
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: ધારણા અંતરંગયોગનું પ્રથમ સોપાન…



