તંદુરસ્તી-મનદુરસ્તીઃ યોગાભ્યાસનું ધ્યેય આધ્યાત્મિક વિકાસ છે | મુંબઈ સમાચાર
તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ યોગાભ્યાસનું ધ્યેય આધ્યાત્મિક વિકાસ છે

  • ભાણદેવ

ગુણોની પ્રવૃતિનો હેતુ પુરુષનો ભોગ અને અપવર્ગ બને છે. પુરુષ ભોગમાંથી મુક્ત થયો છે અને તેની મુક્તિ પણ સિદ્ધ થઈ છે. તેથી ગુણો માટે કોઈ પુરુષાર્થ કરવાનો બાકી રહેતો નથી. આમ હોવાથી ગુણો પ્રતિપ્રસવ દ્વારા પોતાના કારણમાં-અવ્યક્ત પ્રકૃતિમાં લીન બને છે. અને ચિતિશક્તિ એટલે કે પુરુષ પોતાના નિજસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે.

6.સમાપન:

અધ્યાત્મનાં અનેક સ્વરૂપો છે. તે પ્રમાણે અંતરંગ અધ્યાત્મનાં પણ અનેક સ્વરૂપો છે.
સત્ય તો એક અને અદ્વિતીય છે. અધ્યાત્મપથની કેન્દ્રસ્થ હકીકત પણ એક જ છે, પરંતુ અભિવ્યક્તિના સ્વરૂપમાં ભિન્નતા છે. પ્રત્યેકમાં વર્ગીકરણ, સોપાનશ્રેણી, પરિભાષા ભિન્ન ભિન્ન છે. જે સૂચવવું છે, તે તો સર્વત્ર એક જ છે; પરંતુ સૂચવવાની પદ્ધતિઓ ભિન્ન ભિન્ન છે. યૌગિક અંતરંગ અધ્યાત્મ અર્થાત્‌‍ અંતરંગ યોગનું સ્વરૂપ આ પ્રમાણે છે.

અધ્યાત્મના વેદાંત, ભક્તિ આદિ અન્ય અનેક સ્વરૂપો છે. તેમની અભિવ્યક્તિની પદ્ધતિ ભિન્ન હોય તે સ્વાભાવિક છે. આ ભિન્નતા જોઈને દ્વિધામાં પડી જવું આવશ્યક નથી અને વિવાદમાં ઊતરવું પણ આવશ્યક નથી. એક સાચું અને અન્ય ખોટું, એવું પણ નથી. અધ્યાત્મપથનાં અનેક સ્વરૂપો છે. અભિવ્યક્તિની અનેક પદ્ધતિઓ છે. સૌ પોતપોતાના સ્થાને બરાબર છે, તેમ માનીને તેમ સમજીને અન્યોન્ય સદ્ભાવ જાળવી રાખવો તે જ ડહાપણનો માર્ગ છે.

એક જ પર્વતની ટોચ પર પહોંચવાના અનેક માર્ગો હોઈ શકે છે. પ્રત્યેક માર્ગ ટોચ પર જ પહોંચાડે છે. આમ છતાં પ્રત્યેક માર્ગના સ્વરૂપમાં થોડી ભિન્નતા પણ હોવાની જ. ભિન્નતા પ્રત્યે જ ધ્યાન આપવા કરતાં સમાનતા પ્રત્યે ધ્યાન રાખવું અને સમાન ઉદ્દેશને આત્મસાત્ કરવો તે જ યથાર્થ દૃષ્ટિકોણ છે. આમ છતાં નોંધનીય છે કે યોગપથમાં શાસ્ત્રીયતા, પદ્ધતિસરતા અને નિશ્ચિત સોપાન શ્રેણીનું વિશદ્ વર્ણન અન્ય પથની તુલનાએ વધુ સ્પષ્ટ અને વધુ ચોક્કસ છે, એ તો સર્વસ્વીકૃત સત્ય છે.

યોગાભ્યાસ

પ્રત્યેક અધ્યાત્મપથને પોતાની શિસ્ત હોય છે; પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હોય છે અને તદ્નુરૂપ સાધનપદ્ધતિ હોય છે, જે અધ્યાત્મપથનું અનુસરણ કરીએ તેની શિસ્ત અને તેની સાધન-પદ્ધતિને તદનુરૂપ જીવનપદ્ધતિ અને સાધન-પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ. જે ઘડામાં કાણું હોય તે ઘડામાં સતત પાણી રેડવામાં આવે તો પણ ઘડો ભરી શકાતો નથી; તે જ રીતે જે તે સાધન પદ્ધતિની શિસ્ત અને સાધનપદ્ધતિનું યથાયોગ્ય પાલન ન કરવામાં આવે તો તે સાધન-પદ્ધતિ ફળીભૂત થતી નથી.

યોગમાર્ગ પણ એક અધ્યાત્મપથ છે. યોગમાર્ગના પથિકે અનેક રીતે જાગૃત રહેવાનું હોય છે. પૂરી સમજના અભાવમાં સાધક ખોટા માર્ગે ચડી જાય, રોગનો ભોગ બની જાય કે પ્રગતિ ન કરી શકે અને પરિણામે વૈફલ્ય અનુભવે એવું ઘણીવાર જોવા મળે છે.

અહીં યોગપથના પથિક માટે આવશ્યક માર્ગદર્શન પ્રસ્તુત છે. અહીં યોગાભ્યાસની મૂળભૂત શિસ્ત આપવામાં આવે છે:

  1. યોગાભ્યાસનું ધ્યેય આધ્યાત્મિક વિકાસ છે. સાધકે પોતાનું આ ધ્યેય સતત દૃષ્ટિ સમક્ષ રાખવું જોઈએ. સાધકે સતત જાગૃત રહેવું જોઈએ કે યોગાભ્યાસ આ દિશા તરફ સતત આગળ વધી રહ્યો છે કે નહિ!
  2. સાધકે માત્ર યૌગિક ક્રિયાઓમાં જ રચ્યાપચ્યા રહેવું નહિ. ઈશ્વર પ્રણિધાન, નામજપ, મંત્રસાધન, પૂજા, હોમ, પાઠ, સ્વાધ્યાય આદિ સાધનોનો યથાયોગ્ય સહારો લેવો જોઈએ.
  3. કોઈ પણ સાધનપથના બે પ્રધાન વિભાગો હોય છે- બહિરંગ સાધન અને અંતરંગ સાધન. બહિરંગનો સર્વથા ત્યાગ કરી અંતરંગ સાધનથી જ પ્રારંભ કરવો તે અપવાદરૂપ કિસ્સાઓ સિવાય ઉચિત નથી. બહિરંગ સાધનના પર્યાપ્ત અભ્યાસથી જ અંતરંગ સાધનમાં પ્રવેશ થાય છે. જીવનભર માત્ર બહિરંગ સાધનમાં જ રમમાણ રહેવું અને અંતરંગ સાધનમાં પ્રવેશવું જ નહિ, તે પણ ઉચિત નથી. બંનેના પ્રમાણનો વિવેક જાળવવો જોઈએ.

આખરે તો બહિરંગ સાધન અંતરંગ સાધનમાં પ્રવેશ માટે છે. અંતરંગ સાધનમાં પ્રવેશ થાય પછી બહિરંગ સાધન ધીમે ધીમે ઘટતું જવું જોઈએ અને અંતરંગનો અભ્યાસ વધારવો જોઈએ. પ્રમાણભાન અને સાધ્ય-સાધન વિવેક જાળવવા જોઈએ.

  1. કોઈ પણ સાધના ગમે તેટલી સઘન, સંનિષ્ઠ અને સમર્થ હોય તો પણ ભગવત્‌‍ પ્રાપ્તિ માટે સ્વયં પર્યાપ્ત નથી. આખરે તો ભગવત્‌‍ કૃપાથી જ ભગવત્‌‍ પ્રાપ્તિ થાય છે. પોતાના અને પોતાની સાધનાના સામર્થ્યથી પરમને પામી શકાય નહિ. પોતાની સાધનાના બળ પર મુસ્તાક રહેવું તે ગંભીર ભૂલ છે.
    સાધકે ભગવત્‌‍ કૃપાના પ્રાર્થી અને ભગવત્-કૃપાભિમુખ રહેવું જોઈએ. જે કાંઈ સાધન કરીએ છીએ તે ભગવાનની કૃપાથી કરીએ છીએ અને ધ્યેયસિદ્ધિ પણ તેની કૃપાથી જ થશે એમ સમજવું.
  2. સમર્પણ રાજમાર્ગ છે. ભગવાન પ્રત્યે સમર્પણભાવ રાખવો; પરંતુ સમર્પણ શૈથિલ્ય નથી. ભગવત્-કૃપા કે સમર્પણભાવને નામે શૈથિલ્યમાં સરી પડવું નહિ.
  3. પુસ્તકો વાંચીને માત્ર તેના જ આધારે યોગાભ્યાસ ન કરવો. યોગ્ય ગુરુના માર્ગદર્શન પ્રમાણે યોગાભ્યાસ કરવો જોઈએ. પુસ્તકો ગમે તેટલાં સારાં હોય તો પણ ગુરુનો વિકલ્પ બની શકે નહિ. પુસ્તક દ્વારા બધી જ બાબતો સમજી શકાય તેમ નથી. એટલે જો માત્ર પુસ્તકોના આધારે જ યોગાભ્યાસ કરવામાં આવે તો ભૂલો થવાનો ઘણો સંભવ છે. ભૂલભરેલા યોગાભ્યાસથી ધ્યેય સિદ્ધ ન થાય અને વધારામાં શરીર-મનના સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવો સંભવ છે.
  4. સાધકે સ્વાધ્યાયપ્રિય રહેવું જોઈએ. વિદ્વતા માટે નહિ, પરંતુ સમજ, વિવેક અને પ્રેરણા માટે સ્વાધ્યાય ઉપયોગી સાધન છે. અધ્યાત્મ વિષયક ઉત્તમ અને પ્રમાણભૂત ગ્રંથોનો સ્વાધ્યાય સાધનામાં અનેક રીતે સહાયક બની શકે તેમ છે. સાધકે પુસ્તકિયા કીડા બનવાનું નથી કે વિદ્વતાને રવાડે ચડવાનું નથી, પરંતુ સ્વાધ્યાય માત્ર વિદ્વાનો માટે છે અને સાધકો માટે નથી, એમ પણ સમજવાનું નથી. અણઘડ, અભણ કે બાઘા રહેવું તે સાધનામાં કોઈ પણ રીતે ઉપકારક નથી.
  5. સાધકે અણઘડ ગુરુ કે અણઘડ લેખકોએ લખેલાં પુસ્તકોથી બચવું જોઈએ.
  6. અનેક આસનો, પ્રાણાયામ, શોધનકર્મો અને બંધમુદ્રાઓ શીખીને તેમાં કુશળતા પ્રાપ્ત કરવાથી યોગ સિદ્ધ થતો નથી. દીર્ઘકાળ પર્યંત, એકાગ્ર મનથી અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે તો યોગમાં પ્રગતિ થાય છે. યૌગિક ક્રિયાઓના નિષ્ણાત થવું તે સાધક માટે હેતુ નથી; આધ્યાત્મિક વિકાસ પ્રધાન લક્ષ્ય છે. સાધકે બધી જ ક્રિયાઓ શીખી લેવાનો આગ્રહ રાખવો નહિ.
  7. સાધકે યૌગિક ક્રિયાઓના કાર્યક્રમો યોજવા, પ્રદર્શનો કરવાં કે પ્રચાર કરવાના રવાડે ચડવું નહિ.
  8. આસન, પ્રાણાયામ, શોધનકર્મ, બંધ, મુદ્રા આદિ યૌગિક ક્રિયાઓ અનેકવિધ અને અનેક છે. બધું બધા માટે નથી. બધું બધા કરી શકે પણ નહિ. અને એમ કરવાની જરૂર પણ નથી. તેમાંથી ગુરુની સહાયથી સાધકે પોતાની આવશ્યકતા પ્રમાણે પસંદગી કરીને તેનો અભ્યાસ વધારતા રહેવું જોઈએ. વધારે પડતી યૌગિક ક્રિયાઓ પસંદ ન કરવી અને તેમનો વધારે પડતો અભ્યાસ ન કરવો.
  9. પ્રારંભમાં મુશ્કેલ લાગતી યૌગિક ક્રિયાઓ ધૈર્યપૂર્વક અભ્યાસ કરવાથી સિદ્ધ કરી શકાય છે. સાધકે ધૈર્ય અને હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ. સાથે સાથે સાવધાન પણ રહેવું જોઈએ. કોઈ પણ ક્રિયા અણઘડ રીતે કરવી નહિ અને કોઈ પણ ક્રિયા સિદ્ધ કરવા માટે શરીર પર અત્યાચાર કરવો નહિ. શરીર અને મનનાં સ્વાસ્થ્ય જાળવીને આગળ વધવાનું છે. (ક્રમશ:)

આપણ વાંચો:  આહારથી આરોગ્ય સુધીઃ ઊંચાઇ-હાઇટ વધારવાની મથામણ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button