તંદુરસ્તી-મનદુરસ્તીઃ હરીફાઈના ભાવથી કે દેખાવ કરવા માટે યૌગિક ક્રિયાઓ ન કરવી

- ભાણદેવ
- યોગાભ્યાસ કષ્ટપ્રદ લાગે, વધુ પડતો થાક લાગે કે શરીરમાં કોઈ વિકૃતિ જણાય તો યોગાભ્યાસમાં કોઈ ભૂલ હોવાનો સંભવ છે અથવા શરીરનું સ્વાસ્થ્ય બરાબર નથી તેમ સમજવું. આવી સ્થિતિમાં જાણકારની સલાહ લેવી. જરૂર પડે તો થોડા સમય માટે યોગાભ્યાસ મુલતવી રાખવો.
- ઘણીવાર શારીરિક વિકારોને સાધક કુંડલિની જાગરણનાં ચિહ્નો કે યૌગિક રૂપાંતરનાં ચિહ્નો ગણીને યોગાભ્યાસ હઠપૂર્વક ચાલુ રાખે છે અને અસાધ્ય રોગનો ભોગ બની જાય છે. આવી ગફલતમાં રહેવું નહિ.
- પ્રત્યેક યૌગિક ક્રિયાઓને તેની પોતાની મૂળભૂત લાક્ષણિકતાઓ અને કેટલીક વિશિષ્ટ સાવચેતીઓ હોય છે. સાધકે ધીરજપૂર્વક આ બધું સમજી લેવું જોઈએ; અને તેમનો પોતાના યોગાભ્યાસમાં વિનિયોગ કરવો જોઈએ.
- કેટલાક યોગશિક્ષકો અને લેખકો અવનવી યૌગિક ક્રિયાઓ શોધી કાઢીને તેનો અભ્યાસ કરતા અને કરાવતા હોય છે. સાધકે આવા નવતર પ્રયોગોને રવાડે ચડવું નહિ. કહેવાનો અર્થ એવો નથી કે યોગના ક્ષેત્રમાં નવા વિકાસને સ્થાન નથી, પરંતુ તે કાર્ય તે વિષયના તજ્જ્ઞ આચાર્યોનું છે. સાધકે તેમાં પડવું નહિ.
- પ્રત્યેક યૌગિક ક્રિયા તેના પૂર્ણરૂપમાં પ્રથમ દિવસે જ સિદ્ધ થતી નથી. તેવો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. ધીમે ધીમે અભ્યાસ કરતાં સાધક તે યૌગિક ક્રિયાના આખરી તબક્કામાં પહોંચે છે.
- યૌગિક ક્રિયાઓ શીખવામાં અને નવી ક્રિયાઓ ઉમેરવામાં એક ક્રમિકતા રહેલી છે. આ ક્રમિકતાનું પાલન કરવું જરૂરી છે. દા.ત. કુંભક વિના રેચક-પૂરકનો લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી જ કુંભક ઉમેરવો જોઈએ. તે જ રીતે વિપરીતકરણીનો પ્રયાપ્ત અભ્યાસ કર્યા પછી જ સર્વાંગાસન અને સર્વાંગાસનનો પર્યાપ્ત અભ્યાસ કર્યા પછી જ શીર્ષાસનનો પ્રારંભ કરવો જોઈએ. યોગની અનેક ક્રિયાઓમાં આવી ક્રમિકતા રહેલી છે અને તે જાણકાર પાસેથી સમજી લેવી જોઈએ.
- હરીફાઈના ભાવથી કે દેખાવ કરવા માટે યૌગિક ક્રિયાઓ ન કરવી. તે સ્વરૂપનું મનોવલણ યોગને ઉપકારક નથી. સાધકે સરકસના ખેલાડી કદી ન બનવું.
- યોગને નામે ચાલતું હોય છે, તે બધું જ યોગ છે; તેમ માની લેવું નહિ. સસ્તા અને ટૂંકા માર્ગના લોભમાં ફસાવું નહિ. એક સપ્તાહમાં સમાધિ પ્રાપ્ત કરાવી દેવાના વચનોમાં લોભાવું નહિ.
- યોગાભ્યાસ માટે પવિત્ર, સ્વચ્છ, એકાંત, શાંત અને પૂરતાં. હવા-પ્રકાશયુક્ત સ્થાનનો ઉપયોગ કરવો જોઈએ. પવનનો સીધો સપાટો શરીર પર ન લાગે તે જોવું જોઈએ. યોગાભ્યાસ માટે અલગ સ્થાનની વ્યવસ્થા હોય તો ઉત્તમ ગણાય, કારણ કે લોકોની અવરજવર એકાગ્રતામાં બાધા ઉત્પન્ન કરે છે.
- સમતલ સ્થાન પર પૂરા કદની જાડી શેતરંજી કે રજાઈ પાથરી, તેના પર સ્વચ્છ સફેદ વસ્ત્ર બિછાવીને યોગાસનોના અભ્યાસ માટે આસન તૈયાર કરવું જોઈએ ગાદલા પર કે પલંગ પર યોગાસનોનો અભ્યાસ કરવો નહિ. પ્રાણાયામ, જપ કે ધ્યાનમાં બેસવા માટે દર્ભાસન પર મૃગચર્મ અને તેના પર સફેદ વસ્ત્ર બિછાવીને આસન તૈયાર કરી શકાય અથવા ઊનનું આસન કે કામળાને ગડી કરીને આસન તૈયાર કરી શકાય. આસન બહુ પોચું કે બહુ કઠણ ન હોય તેવી કાળજી રાખવી જોઈએ.
- યોગાસનોનો અભ્યાસ સામાન્યત: દિવસમાં એક વાર કરવો જોઈએ. આ માટે સવારે શૌચ સ્નાનાદિ પછીનો સમય અનુકૂળ છે. અથવા સાંજે ભોજન પહેલા પણ આ અભ્યાસ કરી શકાય. પ્રાણાયામ, જપ અને ધ્યાનનો અભ્યાસ અનુકૂળતા પ્રમાણે સવાર-સાંજ એમ બે વાર કે સવાર-બપોર-સાંજ એમ ત્રણવાર કરી શકાય.
- સાધારણ રીતે અભ્યાસ પહેલા સ્નાન કરવું સારું છે, પરંતુ ઋતુ, શરીરની અવસ્થા, હવામાન વગેરે પરિબળોને ખ્યાલમાં રાખીને નિર્ણય કરવો જોઈએ. આ વિશે દુરાગ્રહ રાખવો નહિ.
- પોતાના શરીરને અનુકૂળ એવો ખોરાક સાધકે જીભના ચટકાને વશ થયા વિના શોધી કાઢવો જોઈએ. આમ છતાં કેટલીક મહત્ત્વની હકીકતો અહીં પ્રસ્તુત છે, જે સાધકને ખોરાક વિષયક નિર્ણય કરવામાં સહાયભૂત થશે.
સાદો ગુજરાતી ખોરાક યોગાભ્યાસી માટે બરાબર છે. માત્ર થોડા ફેરફાર આવશ્યક છે: -મરચાં, મસાલા અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. મિષ્ટાન્ન અને તળેલા પદાર્થો ઓછાં લેવા જોઈએ. લસણ અને ડુંગળી વર્જ્ય ગણવાં જોઈએ.
ખોરાક પ્રમાણસર લેવો જોઈએ.
સામાન્ય રીતે આપણે આવશ્યક્તા કરતાં વધારે ખોરાક લેતા હોઈએ છીએ. અધ્યાત્મપથના પથિક માટે જ નહિં સૌ માટે મિતાહાર જ ઉચિત છે.
મંદાગ્નિવાળા લોકોએ બહુ પ્રોટીનવાળા ખોરાક ઓછા લેવા.
બધા જ પ્રકારનાં માદક દ્રવ્યો વર્જ્ય છે.
ચા-કૉફી ન લેવાય તો ઉત્તમ. લેવાં જ પડે તો બહુ ન લેવાય તેની કાળજી રાખવી. ધૂમ્રપાન તથા તમાકુનું સેવન વર્જ્ય છે.
અતિ અલ્પ પ્રમાણમાં ખોરાક લેવાની પદ્ધતિ યોગાભ્યાસી માટે બરાબર નથી. માત્ર દૂધ કે માત્ર ખીચડી કે એવા પ્રયોગો યોગાભ્યાસીએ કરવા નહિ, સમતોલ, સાત્ત્વિક અને સાદો આહાર પ્રમાણસર લેવો જોઈએ.
યોગાભ્યાસની અમુક વિશિષ્ટ અવસ્થામાં માત્ર દૂધ લેવાનું સૂચવાયું છે, પરંતુ તે અપવાદરૂપ સજોગોમાં, વિશિષ્ટ અભ્યાસ વખતે અને થોડા કાળ માટે જ છે. તે યૌગિક આહારની સર્વમાન્ય પદ્ધતિ નથી.
- યૌગિક ક્રિયાઓના અભ્યાસ વખતે પેટ ખાલી હોય તે આવશ્યક છે. થોડું દૂધ લીધા પછી અડધા કલાકે, હળવો નાસ્તો લીધા પછી દોઢ કલાકે અને ભોજન કર્યા પછી સાડાચાર કલાકે યોગાભ્યાસ કરી શકાય. યોગાભ્યાસ પછી અડધા કલાક બાદ ભોજન કરી શકાય.
- યોગાભ્યાસ પહેલાં, દરમિયાન કે પછી મલમૂત્રના વેગ રોકવા નહિ.
- સામાન્ય રીતે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ યોગાભ્યાસ કરી શકે. માસિક ધર્મ દરમિયાન કઠિન આસનો ન કરવા. સગર્ભાવસ્થા દરમિયાન જાણકારના માર્ગદર્શન વિના યોગાભ્યાસ ન કરવો. સામાન્ય રીતે મયૂરાસન, શલભાસન અને કુકુટ્ટાસન કે જેમાં ખભાના સાંધા પર ખૂબ દબાણ આવતું હોય તેવા આસનો સ્ત્રીઓએ ન કરવા.
- બહુ નાની વયના બાળકોને યોગાભ્યાસ ન કરાવવો. યૌગિક ક્રિયાઓને ખૂબ સરળ સ્વરૂપ આપીને તેમને બાળકોને અનુરૂપ રચવામાં આવે તો તેમનો અભ્યાસ નાના બાળકો પણ કરી શકે છે.
બાળકો રમત ખાતર કે દેખાદેખીથી યોગાભ્યાસ ન કરે તેની કાળજી રાખવી. બાળકોને શીર્ષાસન, મયૂરાસન, શલભાસન, શોધન કર્મો કે પ્રાણાયામ આપવામાં ઉતાવળ ન કરવી. - યોગાભ્યાસને અંતે થાક ન લાગવો જોઈએ, પરંતુ સ્ફૂર્તિ અનુભવાવી જોઈએ. યોગાભ્યાસ સુખપ્રદ હોવો જોઈએ, કષ્ટપ્રદ નહિ. પ્રારંભમાં થોડો શ્રમ અનુભવાય, તે સ્વાભાવિક છે.
- માંદગી કે અશક્ત અવસ્થા દરમિયાન યોગાભ્યાસ બંધ રાખવો.
- કેટલીક બીમારીઓની સારવારમાં યૌગિક ક્રિયાઓનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ તેમ કરી શકાય.
- યોગાભ્યાસમાં બહુ ચોકસાઈ, નિયમિતતા, ધૈર્ય અને હિંમતની જરૂર છે. ‘ઉતાવળે આંબા ન પાકે’ અને છજ્ઞળફ ૂફત ક્ષજ્ઞિં બીશહિં ૂશવિંશક્ષ ફ મફુ આ કહેવતો યાદ રાખવી.
યોગાભ્યાસની શરીર-મન પર અસર બહુ ધીમે અને લાંબા ગાળે જોવા મળે છે. આમ હોવાથી ત્વરિત પરિણામોની આશા ન રાખવી.
યોગાભ્યાસ નિયમિત થાય તે આવશ્યક છે. બહુ અનિયમિત યોગાભ્યાસ નુકસાન કરી શકે છે. - યોગાસનોના અભ્યાસ દરમિયાન વચ્ચે વચ્ચે શવાસન કરવું અને અંતે પણ શવાસન કરવું.
- પ્રારંભમાં ખૂબ સરળ યૌગિક ક્રિયાઓ ઓછી સંખ્યામાં અને અલ્પ પ્રમાણમાં કરવી. સંખ્યા અને સમયનું પ્રમાણ ધીમે ધીમે વધારવા. સરળ ક્રિયાઓથી કઠિન ક્રિયાઓ તરફ જવું.
- કોઈ કારણસર લાંબા સમય સુધી યોગાભ્યાસ બંધ રહ્યો હોય તો ફરી પ્રારંભ કરતી વખતે હળવી શરૂઆત કરવી અને ધીમેધીમે અભ્યાસ વધારવો.
આપણ વાંચો: My NPA એટલે શું?