તમે ક્યારેય My CEOનો વિચાર કર્યો છે?

ગૌરવ મશરૂવાળા
1990ના દાયકાના ઉત્તરાર્ધમાં તત્કાલીન ANZ ગ્રીન્ડલેઝ બેન્કે એના સિલ્વર કાર્ડના પ્રચાર માટે એક સરસ મજાની જાહેરખબર બનાવી હતી. એ જાહેરખબરના કેમ્પેનને ઍવોર્ડ પણ મળ્યો હતો. જાહેરખબરમાં એક યુવતી હોસ્પિટલમાં પોતાનાં દાદીમાની બાજુમાં બેઠેલી દેખાય છે. દાદીમા હોસ્પિટલમાં દાખલ કરાયાં છે એવું જયારે ખબર પડી હતી ત્યારે પોતે કેવી ગભરાઈ ગઈ હતી એના વિશે એ વાત કરતી હોય છે. રાતના સમયે પોલીસે એને એરપોર્ટ સુધી પહોંચવામાં મદદ કરી હતી. જો એના મિત્ર પાસેનું ક્રેડિટ કાર્ડ વાપરવા ન મળ્યું હોત તો એ યુવતી વિમાનની ટિકિટ ખરીદી શકી ન હોત…
આ જાહેરખબર તૈયાર કરવામાં આવી એ વર્ષોમાં લોકો ભાગ્યે જ ક્રેડિટ કાર્ડ વાપરતાં તેથી જ તેનો પ્રચાર કરવા માટે ઍડ બનાવવામાં આવી હતી. જાહેરખબરમાં જેવી પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે તેનો અનુભવ આપણને ક્યારેક થયો હોઈ શકે છે. ઓચિંતા જ બનેલી કોઈ ઘટનાને ઇમર્જન્સી એટલે કે સંકટવસ્થા-તાકીદની ઘટના કહી શકાય. તાકીદની ઘટનામાં આઘાત પણ હોય છે અને તેની સાથે સાથે ચિંતા, નિરાશા, ટેંશન એ બધું પણ અનુભવાતું હોય છે.
લોકો પોતાનાં સંતાનોના શિક્ષણ કે લગ્ન માટે, ઘરની ખરીદી માટે કે નિવૃત્તિકાળ માટે આયોજન કરતા હોય છે,પણ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કદાચ આવક બંધ પણ થઇ હોય અથવા તો ખર્ચ ઘણા વધી જાય કે પછી એ બંને પ્રકારની સ્થિતિ સર્જાય એવું બનતું હોય છે. દાખલા તરીકે નોકરી જતી રહે ત્યારે આવક બંધ થઇ જાય છે. ભૂકંપ કે દુકાળ જેવી કુદરતી આફત વખતે પણ સ્થળાંતર કરવું પડે ત્યારે આવક પણ બંધ થઇ જાય છે અને ખર્ચ પણ વધી જાય છે.
આવી તાકીદની પરિસ્થિતિમાં આવતી ભાવનાત્મક મુશ્કેલીઓનું આકલન કરવાનું મુશ્કેલ છે, પરંતુ તેની નાણાકીય અસરોને ઘટાડવાનું ચોક્કસપણે શક્ય છે. આપણે તાકીદની પરિસ્થિતિ માટે અમુક નિશ્ર્ચિત રકમ દર મહિને અલગ રાખી દઈએ તો જયારે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેની નાણાકીય ગંભીરતા આપણે ઓછી કરી શકીએ છીએ.
આ પણ વાંચો…લાંબા ગાળાના સંપત્તિસર્જનનો રસ્તો છે My SENSEX અર્થાત My Sensible Expense…
ખર્ચની ગણતરી
વણલખ્યો નિયમ છે કે સામાન્ય માણસ માટે એના ઓછામાં ઓછા ત્રણ મહિનાના ખર્ચ જેટલી રકમ તાકીદની પરિસ્થિતિમાં અલાયદી રખાયેલી હોવી જોઈએ. દર મહિને કેટલો ખર્ચ થાય છે એ જાણવા માટે મહિનાના દરેક ખર્ચની યાદી બનાવવી જોઈએ. જો My Budget બનેલું હોય તો આ કામ મુશ્કેલ નથી. My Budgetના આધારે ત્રણ મહિનાના ખર્ચ જેટલી રકમ અલગ રાખવી.
નિવૃત્ત માણસની જરૂર પાંચથી છ મહિનાના ખર્ચ જેટલી હોઈ શકે છે. જેમને દર મહિને બાંધી આવક ન હોય એ ચારથી પાંચ મહિનાના ખર્ચ જેટલી રકમ તાકીદની પરિસ્થિતિ માટે રાખી શકે છે.
અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે આપણે તાકીદની પરિસ્થિતિ માટે જોઈએ તેના કરતાં વધારે રકમ પણ અલાયદી રાખવા માંડીએ તો સંપત્તિસર્જન પર તેની પ્રતિકૂળ અસર થાય. વળી,એ રકમ ત્રણ મહિના કરતાં ઓછી હોય તો ક્યારેક તાકીદની પરિસ્થિતિમાં પ્રવાહિતા ધરાવતી અસેટનું પરાણે વેચાણ કરવું પડી શકે છે.
ભંડોળને સાચવવું
એક બીજી વાત જણાવવા જેવી છે. એક અઠવાડિયામાં જેટલો ખર્ચ થતો હોય એટલી રકમ ઘરમાં રોકડ સ્વરૂપે રખાયેલી હોવી જ જોઈએ. આ મહત્ત્વ જાણવા માટે એક કિસ્સો જણાવવાનું પૂરતું છે. વર્ષ 2005ની 26 જુલાઈએ અતિવર્ષા થતાં સમગ્ર મુંબઈ શહેરમાં પાણી ભરાયાં હતાં. ઘણા વિસ્તારોમાં તો અઝખ મશીન પણ પાણીમાં ડૂબી ગયાં હતાં. ઘણા લોકોને બીજા દિવસે દૂધ અને શાકભાજી ખરીદવા માટે પૈસાનાં ફાંફા પડ્યા હતા.
ત્રણ મહિનાના ભંડોળમાંથી એક અઠવાડિયાનો ખર્ચ કાઢી લીધા બાદ બાકીની રકમ સેવિંગ એકાઉન્ટમાં રાખી શકીએ છીએ, જે ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સાંકળી લેવામાં આવ્યું હોય. જો તાકીદની પરિસ્થિતિ માટેનું ભંડોળ એક લાખ રૂપિયા કરતાં વધારે હોય તો તેમાંથી અમુક હિસ્સો લિકવીડ /કેશ ફંડ તરીકે ઓળખાતી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રાખી શકાય છે.
તાકીદની પરિસ્થિતિ માટેના ભંડોળની વાત હોય ત્યારે તેના પરના કરવેરા, વળતર, ફુગાવો, વગેરે બાબતો તરફ ધ્યાન આપવું જોઈએ નહિ.
સંકટાવસ્થા ક્યારેક જ આવતી હોય છે, પરંતુ જયારે આવે છે ત્યારે માણસના જીવન પર ઘણી અસર કરી જાય છે. એનાથી જે માનસિક આઘાત લાગે છે તેનો કોઈ ઉપાય નથી, પરંતુ નાણાકીય આઘાત ઓછો કરી શકાય છે.
આમ, એના માટે રખાયેલું ભંડોળ એટલે My CEO અર્થાત My Contingency Emergency Options….
આ પણ વાંચો…MY BUDGET હોવું કેમ જરૂરી છે?