ફાઈનાન્સના ફંડા: આપવામાં આવેલા પાવર કરતાં એજન્ટ વધુ અધિકારનો ઉપયોગ કરી શકે નહીં…

- મિતાલી મહેતા
આપણે હાલ પાવર ઑફ એટર્ની વિશે વાત કરી રહ્યા છીએ. પોતાના તથા પરિવારજનોના હિતનું રક્ષણ કરવા માટે આ દસ્તાવેજ કેટલો મહત્ત્વપૂર્ણ છે એ આપણે જોયું. આજે આપણે એને લગતી કેટલીક કાનૂની જરૂરિયાતો વિશે તથા એટર્નીનાં અધિકારો અને મર્યાદાઓ વિશે વાત કરીશું.
પાવર ઑફ એટર્નીને લગતી કાનૂની જરૂરિયાત:
પાવર ઍાફ એટર્ની કરતી વખતે કેટલીક કાનૂની જરૂરિયાતોનું પાલન કરવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ પાવર ઑફ એટર્ની કોઈપણ વ્યક્તિને આપી શકતી નથી. જે વ્યક્તિ કોઈની સાથે કોન્ટ્રાક્ટ કરવા માટે કાનૂની દૃષ્ટિએ સક્ષમ હોય એ જ વ્યક્તિ બીજી વ્યક્તિને પાવર ઑફ એટર્ની આપી શકે છે. અહીં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, 1872ની કલમ 11લાગુ પડે છે. એ કલમ મુજબ જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય, જે વ્યક્તિ સાબૂત મગજ ધરાવતી અને અન્ય કોઈ કાયદાએ જેમને અપાત્ર ગણાવી નથી એ વ્યક્તિ કોન્ટ્રેક્ટ કરવા સક્ષમ ગણાય છે.
એજન્ટ ઇન ફેક્ટના અધિકારો
1) એજન્ટ પાવર ઑફ એટર્નીમાં લખ્યું હોય એ નિર્દેશ અનુસાર પગલાં ભરી શકે છે અને પ્રિન્સિપાલના ઉત્તમ હિતમાં કાર્ય કરી શકે છે.
2) પ્રિન્સિપાલ વતી કાનૂની પગલાં ભરવાનો અધિકાર તથા તમામ આવશ્યક કાનૂની દસ્તાવેજ ઉપર સહીકરવાનો અધિકાર એજન્ટ ધરાવે છે. એ પાવર ઑફ એટર્નીને લગતા તમામ મુદ્દા સંભાળવાનો, એના સંદર્ભે બાંધછોડ કરવાનો, એનો ઉકેલ લાવવાનો અને આવશ્યક ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે.
3) પ્રિન્સિપાલના વ્યક્તિગત વ્યવહારો બિઝનેસના કામકાજો તથા આર્થિક બાબતોમાં નિર્ણય લેવાનો અધિકાર એજન્ટ ધરાવે છે, જેમાં પ્રિન્સિપાલ માટે ભાડું ચૂકવવું, ઘરકામ માટે મજૂરોની નિમણૂક કરવી, પ્રિન્સિપાલ વતી રજૂઆત કરવા માટે વકીલ નિમણૂક કરવી, વગેરેનો સમાવેશ થાય છે.
4) એજન્ટ કોઈપણ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કે દસ્તાવેજ પર સહી કરવાનો, એ દસ્તાવેજ બનાવવાનો તથા ડિલિવર કરવાનો પણ અધિકાર ધરાવે છે. એ કોઈ કોન્ટ્રાક્ટ કે એગ્રીમેન્ટની પહોંચ આપવાનો અધિકાર પણ ધરાવે છે.
એટર્ની ઈન ફેક્ટની મર્યાદા
1) જેમને પાવર ઑફ એટર્ની આપવામાં આવી હોય એ વ્યક્તિ એટલે કે એજન્ટ એમને આપવામાં આવેલા પાવર કરતાં વધુ અધિકારનો ઉપયોગ કરી શકે નહીં. જો પોતાને આપવામાં આવેલા અધિકારની ઉપરવટ એજન્ટ જાય તો તેના તમામ પરિણામ માટે એ પોતે અંગત રીતે જવાબદાર ગણાય છે. પ્રિન્સિપાલના ઉત્તમ હિતમાં ના હોય એવી કોઈ પ્રવૃત્તિ એજન્ટ કરી શકતા નથી.
2) એજન્ટ પોતાની મન મરજી મુજબ કામ કરી શકે નહીં. વળી પોતાને આપવામાં આવેલા અધિકાર એ બીજા કોઈ એજન્ટને ટ્રાન્સફર કરી શકે નહીં.
3) એજન્ટ પોતાના પ્રિન્સિપાલના અવસાન બાદ કોઈપણ સંબંધે નિર્ણય લઈ શકે નહીં. પ્રિન્સિપાલના અવસાન પછી તમામ નિયંત્રણ એક્ઝિક્યુટિવ ઑફ એસ્ટેટના હાથમાં આવે છે. એજન્ટ પ્રિન્સિપાલના વસિયતનામામાં તથા એસ્ટેટ પ્લાનિંગને લગતી બાબતોમાં અન્ય કોઈપણ કાનૂની દસ્તાવેજોમાં ફેરફાર કરી શકતા નથી અથવા એને રદ કરી શકતા નથી. જો એ એવું કંઈ પણ કરે તો એમની સામે દગાફટકા માટે અને દુર્લક્ષ માટે જવાબદાર ગણવામાં આવી શકે છે
4) એજન્ટ પોતાના પ્રિન્સિપાલના પૈસાનો ઉપયોગ પોતાની મિલકત તરીકે કરી શકે નહીં. જો પ્રિન્સિપાલ અને એજન્ટ પાવર ઑફ એટર્ની બનાવતાં પહેલાં આપસમાં મિલકત ધરાવતા હોય તો એજન્ટ પોતાની પ્રોપર્ટીને પ્રિન્સિપાલની પ્રોપર્ટી સાથે ભેળવી શકતા નથી.
પાવર ઑફ એટર્ની સંબંધી ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દા
1) તમામ નાણાકીય નિર્ણયોની વ્યવહારોની પાવર ઑફ એટર્નીના બુક્સ અને રેકર્ડ્સમાં ચોકસાઈભરી નોંધ કરવામાં આવવી જોઈએ. ચોકસાઈભરી નોંધનો અર્થ એ છે કે ફક્ત આવકની નહીં, પરંતુ આવક અને જાવકના તમામ વ્યવહારોની સંપૂર્ણ વિગતવાર નોંધ કરવામાં આવવી જોઈએ.
2) આરોગ્યની દેખભાળનો સવાલ છે ત્યાં સુધી એજન્ટે પ્રિન્સિપાલના આરોગ્યની દેખરેખ માટે જવાબદારીભરી રીતે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. પ્રિન્સિપાલ અને એજન્ટ ભલે અલગ અલગ મત ધરાવતા હોય અને નૈતિક દ્રષ્ટિએ બંનેના વિચારો અલગ હોય, તો પણ એજન્ટે પ્રિન્સિપાલની ઈચ્છાઓ અને ઇરાદાઓને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું હોય છે
3) પાવર ઑફ એટર્નીને લગતી કોઈપણ કલમ સંબંધે અથવા ભાષાની બાબતે કોઈ અસ્પષ્ટતા કે મૂંઝવણ હોય તો હંમેશાં કાનૂની પ્રોફેશનલની સલાહ લેવી જોઈએ.
4) એજન્ટે હિતોનો ટકરાવ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં.
પાવર ઑફ એટર્ની કર્યા બાદ એનું કોઈ નકારાત્મક પરિણામ આવે નહીં એ માટે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
હવે પછી આપણે બિન રહીશ ભારતીયો માટે પાવર ઑફ એટર્ની કેવી રીતે ઉપયોગી થાય છે એના વિશે અને પાવર ઑફ એટર્ની કેવી રીતે રદ કરી શકાય છે એના વિશે વાત કરીશું.
આપણ વાંચો: My WPI- My Wealth Passing Instruments



