મોજની ખોજ : બોલો, પોતે બનાવેલી જેલમાં પોતે જ પુરાયો…

- સુભાષ ઠાકર
‘ચંબુડા, ખુદ દુ:ખને તારા ઘરમાં આવતા દૂર દૂર સુધી ડર લાગે એટલું અઢળક સુખ પ્રભુએ આપ્યું છે છતાં કેમ ઊતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને બેઠો છે?’ મેં પૂછ્યું
‘અલ્યા. આમ જ ચાલ્યું તો ઊતરી ગયેલી કઢી જ નઈ પણ ઊતરી ગયેલી દાળઢોકળી, ઊતરી ગયેલી ખાંડવી રોટલી મગ-ચોળા (કેટલું ઉતારું)જેવું થઇ જશે’ આટલું બોલતા તો ચંબુનો ચહેરો બારણામાં આંગળી ભેરવાઈ ગઈ હોય એવો થઇ ગયો:.
‘ઠાકર, રોઈ રોઈ કોને રે સંભળાવું મારા દિલડાની વાતો…’
‘મને… એવા તો કેવા દુ:ખના ડુંગર તૂટી પડ્યા…’
‘ડુંગર? અરે ડુંગર નઈ ટોપા, પહાડના પહાડ તૂટી પડ્યા છે, ન રહેવાય, ન કહેવાય, ન સહેવાય આવું અકલ્પનીય દુખ પ્રભુ કોઈને ન આપે… સાંભળ, શરીરમાં ખૂ..ખૂ..ખૂ ઉધરસ અને ઝાડા એક સાથે ઉપાડો લે ત્યારે ખબર પડે કે ખૂ..ખૂ..ખૂ દ:ુખ કોને કહેવાય. મને બંને સાથે ખૂ..ખૂ..ખૂ.’
ચંબુએ દુ:ખની દાસ્તાન રજૂ કરી.
‘વાઉ ….ઇટ્સ યુનિક. ઉધરસ વિથ ઝાડા ટુ ઇન.’
‘યુનિકની હમણાં કઉ એ…. સગા સૌ સ્વાર્થના. કોઈનો સાથ નથી.’ ચંબુના ચહેરા પર ખારેક જેવી કરચલી પથરાઈ ગઈ.
‘પણ આમાં તો કોણ સાથ આપે? તારી સાથે ઉધરસ ખાય? તારી ઉધરસમાં કોને રસ હોય? તું ટોયલેટ બાજુ ઊપડે તો તારી પાછળ ‘અકેલે એકેલે કહાં જા રહે હો હમે સાથે લેલો જહાં…’ ગાવા લાગે? ચંબુ, તું ગમે તેટલા બરાડા પાડી ગાય ‘એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના’ તો પણ આવી બીમારીમાં યુદ્ધ જાતે જ લડવા પડે. આમાં કોણ મદદ કરે?’
‘હું છું ને’ રસોડામાંથી ચંપા પ્રગટ થઇ ને ચાલતી ગાડીએ ચડી બેઠી,
‘અરે ઠાકરભાઈ, એને પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે’
‘જુઓ ભાભી, એ તો ઘાયલકી ગત ઘાયલ જાને. તેને ઉધરસ ખાતી વખતે પેટને કેટલું સંભાળવું પડશે એ તો રામબાણ વાગ્યા હોય એ જાણે.’
‘અરે રામબાણ વાગે કે રાવણબાણ. પણ તે કર્યા ભોગવે છે. બધું અહીંનું અહીં છે’ ચંપા વિફરી : ‘પૂછો એને આમ થવાનું કારણ. ભેદ યે હૈ કી એ ભોજનમાં ચણાના લોટના ભજિયા આઇસક્રીમમાં બોળી ખાય તો ઉધરસ કે ઝાડા ન થાય તો શું બ્રેન હેમરેજ થાય? સ્વાઈન ફ્લુ થાય? ઘૂંટણમાં સણકા ઊપડે? ગાલ પર ગુમડા પ્રગટે? ભજિયા ને આઈસક્રીમ સાથે પેટમાં ગયા પછી બંને પોતપોતાની રીતે પરચો દેખાડે. સાચું કઉ? એનું વારંવાર ટોયલેટ જવાનું અમારાથી ટોલરેટ થતું નથી.’
‘કબૂલ મારી મા’ ચંબુ હાથ જોડતા બોલ્યો : ‘પણ આ બધું આપ્યુ કોણે? તે જ તો આપ્યું’
‘અરે, હું તો ઝેર આપું તો શું પી જઈશ? અરે ઠાકરભાઈ, હમણાં બેસતા વર્ષે તો પિસ્તાલીસ મરચાના ભજિયા, સિત્તેર બટેટાવડા, એક કિલો કાંદાના ભજિયા તો બાઇટિંગમાં ખાધા પછી બોલ્યો ‘હવે ખરેખર ભૂખ ઉઘડશે’ હું અંદરથી હચમચી ગઈ. ત્યાં તો 500 ગ્રામ મેથીના ગોટા આઇસક્રીમના લાટામાં બોળી-બોળી ખાઈ ગયો. મેં સમજાવ્યો ‘બકા, આ સ્ટાર્ટર છે એન્ડ સુધી ન ખવાય, પણ પેલા હવનમાં ‘સ્વાહા…સ્વાહા કરી જવ-તલ હોમાતા હોય એમ ‘ઓઈયા ઓઈયા કરતા બધુ પેટમાં પધરાવતો ગયો. મેં કાનમાં કીધું ‘આપણે ખાવા આવ્યા છીએ ખાતર પાડવા નઈ’ ઈશ્વર જાણે આ બધું પેટના કયા ખૂણામાં આ બધું જતું હશે. ત્યાં તો મુખ વાસ ન મારે એટલે મુખવાસમાં દસ એલચી સાથે પચાસ ગ્રામ હરડેની ફાકી ફાકી ગયો… જવા દો ઠાકરભાઈ, આખો ઘાણ જ ખરાબ છે.’
મૂળથી જ આ માલ ફેકટરીમાંથી જ બુદ્ધિની નુકસાની બહાર પડ્યો છે. જીભ તો સ્વાદની લાલચૂડીપણ સજા પેટને આપવાની? તેની આ અઢી ઈંચની જીભ સાડાપાંચ ફૂટના શરીરની પથારી ને ગોદડા બધું ફેરવી નાખે છે. મારા મા-બાપે ભીડાવી દીધી ત્યારે ખબર ન પડી કે આ ગગાને નથી સંસારના મેચિંગની ખબર કે નથી ખાવાના મેચિંગની ખબર. બધા માટે પતિ કદાચ પરમેશ્વર બનીને આવતો હશે પણ મારા તો પ્રેતાત્મા બનીને આવ્યો છે, એક સફરજન વૃક્ષ પરથી ભાઈ ન્યુટનના માથા પર પડ્યું ને ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધ્યો પણ મારા તો એવરત-જેવરત, સોળ સોમવાર, વડસાવીત્રીના વ્રત કેટલું બધું માથે પડ્યું. ને મળ્યું શું? તો આ ગગો…! આ તો વિધવા બનવાના ડરથી અને વડીલોએ આપેલા આશીર્વાદ ફેલ ન જાય એટલે આડુંઅવળું પગલું ભરતી નથી બાકી હમણાં છૂટાછેડા આપી સંસારની બાજી ફીટાઉસ કરી દઉ…’
‘તો કરને. કોણે રોકી?’ ચંબુ ભડક્યો ‘આવું બોલીને તે મને કેટલીવાર લલચાવ્યો છે પણ બોલેલું તું પાળતી નથી યુ આર ચિટર એન્ડ વચનભંગી.’
‘કેમ? સત્ય જીરવાતું નથીને?’ ચંપા બોલી : ‘ઠાકરભાઈ હમણાં ડોક્ટર પાસે દવા લીધા પછી પૂછ્યું ‘આની આડઅસર તો નઈ થાયને? પણ પૂછો એને કે માવા-ગુટકા ખાતા પહેલાં પાનના ગલ્લાવાળાને આની આડઅસર વિષે પૂછ્યું? ચંબુ, કેમ હવે બોબડી બંધ થઇ ગઈ.?’
ઠાકરજી કરોળિયા જાળું બનાવે તો કરોળિયા સિવાય બધા જીવજંતુ ફસાય પણ આ માણસની બનાવેલી જાળમાં પોતેજ ફસાય છે. પોતે બનાવેલી જેલમાં પોતે જ પુરાય છે…’
એટલામાં ચંબુએ ટોયલેટ તરફ પ્રયાણ કર્યું. ‘ઓફિસમાં લેટ પડો એ ચાલે પણ ટોયલેટમાં લેટ પડ્યા તો…’
શું કહો છો?
આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ: શું છે આ ‘રેય’ સિન્ડ્રોમ?



