તરોતાઝા

ફાઈનાન્સના ફંડા : સંક કોસ્ટ ફેલસી એટલે શું?

-મિતાલી મહેતા

આપણે આ કોલમમાં બિહેવિયરલ ફાઇનાન્સનો અભ્યાસ કરતાં અનેક પૂર્વગ્રહોની વાત કરી ચૂક્યા છીએ. આજે હવે સંક કોસ્ટ ફેલસીનો વારો છે. આપણે જે ખર્ચ કે રોકાણ કરી ચૂક્યા હોઈએ અને એ પાછું મળવાની શક્યતા હોય નહીં એને ‘સંક કોસ્ટ’ કહે છે. ‘ફેલસી ’એટલે ભ્રામક માન્યતા. ભવિષ્યમાં એ વસ્તુ ક્યારેય પાછી નહીં મળે એ હકીકત હોવા છતાં લોકો એવા ભ્રમમાં રહે કે એ પાછી મળશે ત્યારે એ ‘સંક કોસ્ટ ફેલસી’ કહેવાય છે.

પોતે ખર્ચી કાઢેલાં નાણાં પાછાં નહીં મળે એ હકીકત જાણતાં હોવા છતાં નાણાં ડૂબી ગયાં હોવાનો સ્વીકાર કરવો નહીં એને સંક કોસ્ટ ફેલસી કહે છે. લોકો એને ભૂલે નહીં એ તો સમજ્યા, પણ પછી એ રકમ પાછી આવે એ માટે હાથ ધોઈને પાછળ પડી જાય છે. હકીકતમાં એ રકમ કે રોકાણ પાછું મેળવવાનો પ્રયત્ન-પ્રયાસ છોડી દેવાનું પોતાના હિતમાં હોવા છતાં લોકો એની પાછળ પડે છે પરિણામે વધુ ને વધુ નુકસાન થતું જાય છે.

પોતે ખર્ચી કાઢેલાં નાણાં અને સમય કોઈ પણ હિસાબે નિરર્થક જવાં જોઈએ નહીં એવી માન્યતા સંક કોસ્ટ ફેલસી પાછળનું કારણ હોય છે. ઉદાહરણ તરીકે, તમે ઘણી વાર સુધી લાઇનમાં ઊભા રહીને મોંઘા ભાવે કોઈ ફિલ્મની ટિકિટ લઈને આવ્યા અને એ ફિલ્મ જોવા ગયા. ફિલ્મ સાવ ફાલતુ હોવા છતાં પોતાનાં સમય, શક્તિ અને નાણાં ફાજલ જવાં જોઈએ નહીં એટલે આખેઆખી ફિલ્મ જોઈને વધુ સમય અને શક્તિ બગાડી નાખો છે..

સંક કોસ્ટ ફેલસીનું આ એક જ્વલંત ઉદાહરણ છે. શક્ય છે કે તમે ફિલ્મ અડધી મૂકીને ઘરે આવી જાઓ અને બચેલા સમયમાં સરસ મજાની ઊંઘ ખેંચી કાઢો અથવા તો અધૂરાં રહી ગયેલાં કામ પૂરાં કરી નાખો અથવા વધારાની કમાણી થાય એવી કોઈ પ્રવૃત્તિ કરી દો તો સમયનો સદુપયોગ થયો કહેવાય. પોતે પૈસા અને સમય ખર્ચી કાઢ્યાં છે તેથી કંટાળો આવવા છતાં ફિલ્મ જોઈ જ કાઢવી એવી વૃત્તિ એટલે સંક કોસ્ટ ફેલસી.

રોકાણની બાબતે પણ આવું જ થાય છે. તમે લિસ્ટિંગના દિવસે થનારી કમાણી માટે કોઈ આઇપીઓમાં નાણાં રોક્યાં. ધારો કે એ કંપનીના ઇસ્યૂને નબળો પ્રતિસાદ મળ્યો અને લિસ્ટિંગના દિવસે તેનો ભાવ વીસેક ટકા ઘટી ગયો. હવે સમગ્ર બજારમાં એવી ચર્ચા છે કે આ શેરનો ભાવ હજી ઘટશે અને અડધો થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો…ફાઈનાન્સના ફંડા : હાઇન્ડસાઇટ બાયસ `મેં તો પહેલેથી જ કહ્યું હતું કે…

આમ છતાં, તમે આઇપીઓમાં રોકાણ કરી લીધું હોવાથી લિસ્ટિંગના દિવસે ગયેલી ખોટને ભૂલીને શેર વેચવાને બદલે એને રહેવા દો છો ને જતે દિવસે એ શેરના ભાવ અડધા થઈ જાય છે અને તમારી ખોટ વધી જાય છે. આમ બધા લોકો એ શેરના ભાવ ઘટવાની વાત કરી રહ્યા હતા ત્યારે તમે વાસ્તવિકતાને સ્વીકારવાને બદલે પોતાના ભ્રમમાં રહો છો કે ભાવ ચોક્કસ વધશે. અહીં તમે સંક કોસ્ટ ફેલસીનો શિકાર થઈ ગયા ગણાવ.

શક્ય છે કે તમે લિસ્ટિંગના દિવસે ગયેલી ખોટ સહન કરીને એ શેર વેચી નાખો અને એ જ નાણાંમાંથી બીજી કોઈ સારી કંપનીના શેર ખરીદી લો તો જતે દિવસે બીજી કંપનીના શેરમાં નફો થઈ શકે એવી પૂરતી શકયતા હોઈ શકે. લોકો ઘણી વાર બહારથી મગાવેલું ખાવાનું ભાવ્યું ન હોય તો પણ ફક્ત પૈસા ખર્ચ્યા હોવાથી એ ખાવાનું પૂરું કરી દેતા હોય છે. સંક કોસ્ટ ફેલસીને લીધે આવું થાય છે.

આ જ રીતે ક્યારેય પહેરવાનાં ન હોય એવાં કપડાં કબાટમાં ભરીને રાખવામાં આવે છે અને નબળાં રોકાણો પણ કાઢી મૂકવાને બદલે પોર્ટફોલિયોમાં રહેવા દેવાતાં હોય છે. પોતાની ઈચ્છા ન હોવા છતાં ફક્ત પૈસા અને સમયનો ખર્ચ થયો હોવાથી એને એળે જવા ન દેવાય એટલા ખાતર લોકો આવાં કામ કરતા રહે છે. બસ, આને જ કહેવાય સંક કોસ્ટ ફેલસી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button