ભારતમાં વીમા ક્ષેત્રે એફડીઆઇની મર્યાદા વધી…આનાથી થશે લાંબા ગાળાના અનેક લાભ

નિશા સંઘવી
દેશમાં વીમા ક્ષેત્રે FDI (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ- વિદેશી પ્રત્યક્ષ રોકાણ) માટે પહેલી વાર વર્ષ 2000માં પરવાનગી આપવામાં આવી હતી. એ સમયે રોકાણની મર્યાદા 26 ટકા હતી. વર્ષ 2015માં ઑટોમેટિક રૂટથી આવનારા એફડીઆઇની મર્યાદા વધારીને 49 ટકા કરવામાં આવી. ઑટોમેટિક રૂટનું રોકાણ એટલે સરકારની આગોતરી મંજૂરી વગર લાવી શકાતું રોકાણ. વર્ષ 2021માં આ મર્યાદા ઑટોમેટિક રૂટમાં 74 ટકા કરવામાં આવી અને વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓમાં માલિકી લઈ શકે એવી પરવાનગી આપવામાં આવી હતી. વર્તમાન નાણાકીય વર્ષથી આ મર્યાદા વધારીને 100 ટકા કરવામાં આવી છે.
નોંધનીય છે કે ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન `ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા’ (ઇરડાઇ) કરે છે. વીમા ક્ષેત્રમાં જીવન વીમો, જનરલ ઇન્સ્યોરન્સ, રિ-ઇન્સ્યોરન્સ, આરોગ્ય વીમો અને વીમા ક્ષેત્રે કામ કરતી ઇન્ટરમીડિયટરી સંસ્થાઓનો સમાવેશ થાય છે. જે કંપનીઓમાં એફડીઆઇનું પ્રમાણ 49 ટકા કરતાં વધારે હોય એમાં વહીવટી નિયંત્રણ ઇરડાઇએ નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ ભારતીય વ્યક્તિ પાસે હોવું જરૂરી છે.
દેશમાં વીમા ક્ષેત્રનો વિસ્તાર
ભારત માટે અગત્યનો મુદ્દો એ છે કે FDI વધારે પ્રમાણમાં આવે તો વીમા કંપનીઓ પોતાના કામકાજનો વિસ્તાર કરી શકે છે અને વધુ પ્રમાણમાં દેશવાસીઓ સુધી વીમો પહોંચાડી શકે છે. વીમામાં અંડરરાઇટિગનાં ધોરણો વધુ સારા બનાવવામાં વિદેશી કંપનીઓ મોટું યોગદાન આપી શકે છે. અંડરરાઇટિગ એ એક પ્રક્રિયા છે, જેમાં વીમા કંપની કોઈ વ્યક્તિ અથવા સંપત્તિનો વીમા આપતાં પહેલાં એને લાગુ પડતાં જોખમોનું મૂલ્યાંકન કરે છે.
વધુ કંપનીઓ આવવાથી સ્પર્ધા વધે છે અને એને લીધે વધુ સારી પ્રોડક્ટ્સ તૈયાર થઈ શકે છે અને ગ્રાહકોને ઓછા પ્રીમિયમમાં વધુ સારી પ્રોડક્ટ્સ મળી શકે છે.
મૂડીની જરૂરિયાત પૂરી થાય છે
અહીં જાણવું જરૂરી છે કે વીમા કંપનીઓને હંમેશાં વધારે અને લાંબા ગાળા માટે મૂડીની જરૂર હોય છે.આ જરૂરિયાત FDI દ્વારા પૂરી કરી શકાય છે. વિદેશની તુલનાએ ભારતમાં વીમાધારકોની સંખ્યા ઘણી ઓછી છે. જેઓ વીમો કઢાવે છે તેઓ પણ એમના માટે હોવું જોઈએ એના કરતાં ઓછું કવચ લેતા હોય છે.પ્રત્યક્ષ વિદેશી રોકાણની મદદથી વીમા કંપનીઓ પોતાના વિસ્તરણનું અને વધુ લોકો સુધી પહોંચવાનું આયોજન કરી શકે છે. આ રીતે, ગામડામાં વસતા ભારતીયોને પણ વીમાનો લાભ મળવાની શક્યતા વધી જાય છે.
વિદેશી નિપુણતાનો લાભ
વિદેશી રોકાણની સાથે સાથે વીમાને લગતી એમની નિપુણતાનો લાભ પણ મળી શકે છે. વિદેશી રોકાણકારો પાસે અદ્યતન તંત્રજ્ઞાન અને વીમા ક્ષેત્રે આવશ્યક એવાં જોખમોનું આકલન કરવાનાં મોડેલ ઉપલબ્ધ હોય છે. તેઓ ભારતમાં અંડરરાઇટિગને લગતાં ધોરણો સુધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત, તેઓ ક્લેમને લગતી પ્રક્રિયા યોગ્ય રીતે પાર પાડવાનો અનુભવ ધરાવે છે, જેનો ઉપયોગ ભારતીય કંપનીઓ કરી શકે છે.
રોજગાર સર્જનની સાથે આર્થિક વિકાસ
વીમા ક્ષેત્રનો વિસ્તાર થવાની સાથે રોજગારની નવી તકો સર્જાઈ શકે છે. આ રીતે વ્યક્તિઓ તથા બિઝનેસની આવક વધી જાય છે, જે દેશના આર્થિક વિકાસ માટે ઉપયોગી હોય છે.
નાણાકીય ક્ષેત્રને મદદ
વીમા ક્ષેત્ર વિકસે તો એનો લાભ બૅન્કિંગ અને રોકાણને લગતી નાણાકીય સેવાના ક્ષેત્રને પણ મળે છે. વધારે પ્રમાણમાં FDI આવવાથી કંપનીઓની નાણાકીય સ્થિરતા વધે છે અને એ વધુ સારી રીતે નિયમોનું પાલન કરી શકે છે. અત્યાર સુધી આવેલા વધુ FDI ને પગલે વીમા કંપનીઓના વિસ્તરણ માટે વધારે મૂડી ઉપલબ્ધ થઈ છે.
ઘણી વીમા કંપનીઓએ ભારતીયોની જરૂરિયાતોને અનુરૂપ પ્રોડક્ટ્સ તૈયાર કરી છે. આ વીમા કંપનીઓ ડિજિટલ માધ્યમનો ઘણો અસરદાર ઉપયોગ કરે છે. પૉલિસી ખરીદવી હોય કે ક્લેમ સરળતાથી કરવો હોય, દરેક કામમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
અહીં જણાવવું રહ્યું કે કોવિડના રોગચાળા બાદ વધુ FDI ને કારણે કેટલીક કંપનીઓમાં વધુ વિદેશી રોકાણ આવ્યું છે. વિદેશી કંપનીઓએ અત્યાધુનિક હેલ્થ પ્લાન લાવવા ઉપરાંત ટેલિમેડિસિન સર્વિસીસ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ક્લેમ પ્રોસેસિંગની શરૂઆત કરી છે.
બીજી તરફ, વીમા ક્ષેત્રે રિ-ઇન્સ્યોરન્સનું ખૂબ જ મહત્ત્વ હોય છે. નોંધનીય છે કે FDI ની મર્યાદા વધવાને પગલે સ્વિસ રિ, મ્યુનિક રિ અને લોઇડ્સ જેવી રિ-ઇન્સ્યોરન્સ કંપનીઓ ભારતમાં કામકાજ શરૂ કરવા સક્રિય થઈ છે. આ કંપનીઓ ભારતની વીમા કંપનીઓને આર્થિક ટેકો પૂરો પાડે છે, જેથી એ મોટા ક્લેમ સરળતાથી સંભાળી શકે છે.
આ પણ વાંચો…આરોગ્ય વીમાનું પ્રીમિયમ EMIથી ચૂકવવાના છો?



