આરોગ્ય વીમા પૉલિસીનું પોર્ટિંગ વખતે નો- ક્લેમ બોનસ પણ ટ્રાન્સફર થાય ખરું? | મુંબઈ સમાચાર
તરોતાઝા

આરોગ્ય વીમા પૉલિસીનું પોર્ટિંગ વખતે નો- ક્લેમ બોનસ પણ ટ્રાન્સફર થાય ખરું?

  • નિશા સંઘવી

તમે લીધેલી આરોગ્ય વીમા પોલિસી તમારી આવશ્યકતાઓ સંતોષતી ન હોય તો તમે વધુ સારાં ફીચર્સ અને ઓછું પ્રીમિયમ તથા વધુ હોસ્પિટલોનું નેટવર્ક ધરાવતી પોલિસીમાં પોર્ટિંગ કરાવી શકો છો. તમારી અગાઉની કંપનીની પોલિસીમાં ભેગી થયેલી નો- ક્લેમ બોનસ પણ પોર્ટિંગમાં ટ્રાન્સફર થઈ શકે છે. જો કે, નો -ક્લેમ બોનસના પોર્ટિંગને ‘ઇરડાઈ’ (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા)નાં નિયમો અને શરતો લાગુ પડે છે.

નો- ક્લેમ બોનસ:

સૌથી પહેલાં નો- ક્લેમ બોનસ વિશે થોડી જાણકારી મેળવી લો…
જો કોઈ વર્ષમાં તમારો ક્લેમ આવ્યો ન હોય તો વીમા કંપની ઈનામમાં તમને નો- ક્લેમ બોનસ આપે છે. સામાન્ય રીતે આ બોનસ બે સ્વરૂપે આપવામાં આવે છે:

1) સમ ઇન્સ્યોર્ડ વધારી આપવામાં આવે છે (મોટાભાગે આ જ સ્વરૂપમાં બોનસ આપવામાં આવતું હોય છે)
2) પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે (સામાન્ય રીતે મોટર ઇન્સ્યોરન્સમાં આવું થતું હોય છે, આરોગ્ય વીમામાં નહીં)

દાખલા તરીકે: જો તમારી પાસે પાંચ લાખ રૂપિયાનું કવર હોય અને વર્ષ દરમિયાન તમારો એકપણ ક્લેમ આવ્યો ન હોય તો વીમા કંપની તમને ઉદાહરણરૂપે, દસ ટકાની નો- ક્લેમ બોનસ આપીને તમારું કવર વધારીને 5.5 લાખ રૂપિયા કરી દે છે.

નો- ક્લેમ બોનસ વિશે ‘ઇરડાઈ’ની માર્ગદર્શિકા: આ માર્ગદર્શિકા કહે છે કે તમારા કન્ટિન્યુઇટી બેનિફિટના ભાગરૂપે તમને કવર વધારી આપવામાં આવવું જરૂરી છે.

પોર્ટિંગ કરાવવામાં આવે ત્યારે નવી વીમા કંપનીએ તમને નો ક્લેમ બોનસ સાથેનું કવર આપે એવું પણ કંપનીઓને જણાવાયું છે. એ ઉપરાંત પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસિઝિસને લગતી જે શરતોનું પાલન થઈ ગયું હોય એને પણ નવી પોલિસીમાં આવરી લેવાય છે, અર્થાત્ તમારો વેઇટિંગ પિરિયડ પૂરો થઈ ગયો હોય તો એ નવેસરથી લાગુ થતો નથી.

એના સિવાય, તમે એક પણ દિવસ કવર વગર રહી ન જાઓ એ રીતે તમને અખંડ કવર આપવામાં આવે છે. દા.ત. જો તમે 10 લાખના બેઝ કવરની પોલિસીમાં ત્રણ ક્લેમ વગરનાં વર્ષ પસાર કરી લીધાં હોય અને તમારી નો ક્લેમ બોનસ 3 લાખ રૂપિયા થઈ ગઈ હોય તો તમારી હાલની પોલિસીનું કવર 13 લાખ રૂપિયાનું થઈ જાય છે. ઉક્ત નિયમને કારણે પોર્ટિંગમાં પણ તમને કુલ 13 લાખના કવરવાળી પોલિસી મળે છે.

અન્ય અગત્યના મુદ્દા :

  • તમારે અગાઉની પોલિસીના નવીનીકરણની તારીખના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં પોર્ટિંગ માટેની પ્રક્રિયા શરૂ કરાવી દેવી જરૂરી છે.
  • જૂની-નવી પોલિસી વચ્ચે કોઈ ખાડો પડવો જોઈએ નહીં (જો કે, 30 દિવસનો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે.
  • તમને સમાન પ્રકારની જ આરોગ્ય પોલિસી જ મળે છે, અર્થાત્ ઇન્ડિવિજ્યુઅલ હોય તો ઇન્ડિવિજ્યુઅલમાં અને ફ્લોટર હોય તો ફ્લોટરમાં જ પોર્ટિંગ થાય છે.
  • અગાઉની પોલિસીમાં નો ક્લેમ બોનસ જમા થઈ છે એ દર્શાવતું પોલિસી સર્ટિફિકેટ અથવા તો રિન્યુઅલ નોટિસ નવી કંપનીને સુપરત કરવાનાં હોય છે.
    નો- ક્લેમ બોનસ સહેલાઈથી ટ્રાન્સફર થાય એ માટે આટલું કરો:

પ્રક્રિયાનું ચરણ

1 ) પોલિસી પોર્ટ કરાવવી છે એવી જાણ અગાઉની કંપનીને કરવી
2 ) રિન્યુઅલના 45થી 60 દિવસ પહેલાં નવી વીમા કંપનીને અરજી કરવી
3) અગાઉનાં 3-4 વર્ષની પોલિસી કોપી અને ક્લેમ હિસ્ટરી નવી કંપનીને સુપરત કરવી
4) નો ક્લેમ બોનસ એકઠી થઈ છે એનો પુરાવો નવી કંપનીને સુપરત કરવો
5 ) નો ક્લેમ બોનસ નવી પોલિસીમાં સમાવી લેવાઈ છે કે કેમ એની ખાતરી કરી લેવી

પોર્ટિંગ સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી:

  • અમુક વીમા કંપનીઓ એકઠી થયેલી બોનસ નવી પોલિસીમાં પૂરેપૂરી લેતી નથી.એમણે એના માટે 50થી લઈને 100 ટકા જેટલી મર્યાદા રાખેલી હોય છે. આથી નવી કંપની પાસેથી નો- ક્લેમ બોનસ વિશે સ્પષ્ટતા કરી લેવી જરૂરી બને છે.
  • જો તમને પોર્ટિંગમાં હાલની પોલિસીમાં હોય એના કરતાં ઓછી રકમનું કવર મળવાનું હોય તો તમારી નો ક્લેમ બોનસમાં પણ સમપ્રમાણમાં ઘટાડો થાય છે.
  • જો તમને પોર્ટિંગમાં હાલની પોલિસીમાં હોય એના કરતાં વધુ રકમનું કવર મળવાનું હોય તો એમાં કવરની વધારાની રકમ પર નવો વેઇટિંગ પિરિયડ લાગુ થઈ શકે છે.
  • નો- ક્લેમ બોનસ સામાન્ય રીતે બેઝ કવરને જ લાગુ પડે છે, ટોપ અપ કે સુપર ટોપ અપ પ્લાનને નહીં.

અને છેલ્લે….

પોર્ટિંગ બાદ પણ નો-ક્લેમ બોનસ યથાવત્ રહે એ ખૂબ જ સારી બાબત કહેવાય. આથી, તમારે પોર્ટિંગ માટેની પ્રક્રિયા વેળાસર શરૂ કરી દેવી, પોલિસીને અખંડ રાખવી, તમામ આવશ્યક દસ્તાવેજો જોઈએ ત્યારે સુપરત કરવા અને નવી પોલિસીમાં નો ક્લેમ બોનસ ટ્રાન્સફરનો મુદ્દો સ્પષ્ટપણે લખાવી લેવો.

આપણ વાંચો:  MY EPS અને MY PE- My Enough Past Saving અને My Present Expenses

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button