એકસ્ટ્રા અફેર : ચેતેશ્વર પૂજારા ભારતીય ક્રિકેટનો અનસંગ હીરો | મુંબઈ સમાચાર
તરોતાઝા

એકસ્ટ્રા અફેર : ચેતેશ્વર પૂજારા ભારતીય ક્રિકેટનો અનસંગ હીરો

  • ભરત ભારદ્વાજ

લાંબા સમયથી ઉપેક્ષિત ચેતેશ્વર પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત આધારભૂત બેટ્સમેન મનાતા આપણા ગુજરાતી પૂજારાને લગભગ છેલ્લાં બે વર્ષથી પસંદગીકારો ધ્યાનમાં જ નહોતા લેતા. પૂજારા જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રૂપમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા પછી તક જ નહોતી મળતી. પૂજારા ભારત માટે 5 વન ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા અને તેમાં દેખાવ બહુ સારો નહોતો. વન-ડે મેચોમાં પૂજારાએ 10.20ની સરેરાશથી કુલ 51 રન બનાવ્યા હતા. પૂજારા ભારત માટે કોઈ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નહોતા તેથી વન ડે કે ટી-20માં તક મળે એવી આશા પૂજારાને પણ નહોતી પણ ટેસ્ટમાં પૂજારા ચોક્કસ ટીમમાં સ્થાનના હકદાર હતા છતાં અવગણના થતી હતી. ચેતેશ્વર પૂજારાની ઉંમર 37 વર્ષ છે તેથી હવે તક ના મળે તો બહુ રાહ જોવાનો મતલબ નથી એમ સમજીને પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ઝાઝા જુહાર કરી દીધા.

cheteshwar pujara best test innings
ICC

પસંદગીકારો વન ડાઉન બેટ્સમેન માટે પ્રયોગો પર પ્રયોગો કર્યા કરતા હતા પણ પોતાની ક્ષમતા સાબિત કરી ચૂકેલા પૂજારાને તક નહોતી મળતી. ચેતેશ્વર જૂન 2023માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા પછી લગભગ સવા બે વર્ષમાં રમાયેલી 24 ટેસ્ટમાં બોર્ડના પસંદગીકારોએ વન ડાઉન તરીકે શુભમન ગિલ, સાઈ સુદર્શન, કણ નાયર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ અને કે.એલ. રાહુલને અજમાવ્યા છે. આ 6 ધુરંધરોએ મળીને 24 ટેસ્ટની 45 ઇનિંગ્સમાં માત્ર 31 રનની સરેરાશથી રન કર્યા જ્યારે પૂજારાની ટેસ્ટ કરીયરની એવરેજ જ 44 રનની છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારા આંકડાની રીતે બધા કરતાં ચડિયાતા સાબિત થયા છે છતાં પસંદગીકારોએ તેમને ફરી તક ના આપી.

ચેતેશ્વર પૂજારાએ 2010માં બેંગ્લૂમાં ઓસ્ટે્રલિયા સામે ટેસ્ટ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો એ જોતાં તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 15 વર્ષ ચાલી. આ 15 વર્ષની કારકિર્દીમાં પૂજારા દિલથી દેશ માટે રમ્યા અને ભારતીય ટીમને કલ્પના ના કરી હોય એવા વિજયો અપાવ્યા પણ રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવા પોતાના સમકાલીનો જેટલો જશ પૂજારાને કદી ના મળ્યો એ જોતાં પૂજારા ભારતના અનસંગ હીરો છે.

ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ 103 મેચની 176 ઇનિંગ્સમાં 43.60ની સરેરાશથી કુલ 7,195 રન બનાવ્યા. પૂજારાએ ટેસ્ટમાં 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે. અને શ્રેષ્ઠ સ્કોર 206* રન છે. આંકડાની રીતે ઘણા ક્રિકેટરોનો દેખાવ પૂજારા કરતાં બહેતર લાગે પણ પૂજારાએ ભારતને જે વિજયો અપાવ્યા એવા વિજય કોઈએ અપાવ્યા નથી. આપણા કહેવાતા મહારથીઓ ચાલ્યા ના હોય ત્યારે પૂજારા ક્રિઝ પર અડીખમ ઊભા રહી જતા. પૂજારાની આ તાકાતની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. પૂજારાની બેટિગનું મહત્ત્વ એ વાત પરથી સમજાય કે પૂજારાએ ફટકારેલી 19 ટેસ્ટ સદી વખતે માત્ર 2 ટેસ્ટમાં જ ભારત હાર્યું છે જ્યારે બાકીની મેચો ભારત જીત્યું કે પછી ડ્રો થઈ છે. પૂજારા વિદેશની ધરતી પર પણ સફળ હતા. પૂજારાની 19 ટેસ્ટ સદીમાંથી 9 ટેસ્ટ સદી વિદેશની ધરતી પર છે.

પૂજારાએ પોતાની કારકિર્દીની શરૂઆત જ ભારતને જીત અપાવીને કરેલી. પોતાની પહેલી ટેસ્ટ ઇનિંગમાં પૂજારાએ માત્ર 4 રન બનાવ્યા હતા અને ત્રીજા જ બોલે મિશેલ જોહનસનને એલબીડબલ્યુ કરતાં શરૂઆત નિરાશાજનક રહી હતી પણ પૂજારાએ બીજી ઈનિંગમાં આ નિરાશા ખંખેરાય જાય એવી ઈનિંગ રમી બતાવી હતી. બીજી ઇનિંગમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પૂજારાને રાહુલ દ્રવિડની જગ્યાએ ત્રીજા નંબરે મોકલીને આશ્ચર્ય સર્જેલું. પૂજારાની પહેલી ઈનિંગની બેટિગના કારણે કોઈને સારા દેખાવની આશા નહોતી પણ પૂજારાએ સૌને ખોટા પાડેલા. ભારતને જીતવા માટે 207 રનની જરૂર હતી ત્યારે પૂજારાએ 72 રનની યાદગાર ઈનિંગ રમીને ભારતને જીતાડ્યું હતું.

આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ: રોગ-વિકાર -સિન્ડ્રોમ વચ્ચે તફાવત શું…?

પૂજારાની કારકિર્દીનું સુવર્ણ પ્રકરણ ઓસ્ટે્રલિયા સામેની 2018-19ની સિરીઝ છે. 2018 પહેલાં ભારતે ઓસ્ટે્રલિયામાં ક્યારેય સિરીઝ જીતી ન હતી પણ 2019માં ભારતે પહેલી વાર સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ ઈતિહાસ સર્જવામાં પૂજારા કેન્દ્રસ્થાને હતા. 2018ની સિરીઝમાં પૂજારાએ 4 ટેસ્ટમાં 3 સદી સાથે 500થી વધુ રન બનાવ્યા હતા. પૂજારાએ એડીલેઈડ, મેલબોર્ન અને સીડનીમાં સદી ફટકારી હતી ને આ ત્રણ ટેસ્ટમાંથી બે ટેસ્ટ ભારતે જીતી હતી જ્યારે એક ટેસ્ટ ડ્રો ગઈ હતી. આ સિરીઝમાં પૂજારા રન બનાવવામાં જ નહીં પણ બોલ રમવામાં પણ બંને ટીમમાં સૌથી આગળ હતા. બીજો કોઈ બેટ્સમેન 700 બોલ પણ રમી શક્યો ન હતો ત્યારે પૂજારાએ 1200થી વધુ બોલ રમીને. સાબિત કરેલું કે, ટેસ્ટ ક્રિકેટ રમવા માટે જરૂરી ધીરજ અને ટેમ્પરમેન્ટ તેમની પાસે છે એવો બીજો કોઈ પાસે નથી. આવા જોરદાર દેખાવ છતાં રિષભ પંત કે વિરાટ કોહલીની જેમ ચેતેશ્વરનાં કદી ગુણગાન ના ગવાયાં.

પૂજારાને વન ડે મેચોમાં પૂરતી તક ના મળી, બાકી પૂજારા વન ડેમાં પણ ચાલે એવા ખેલાડી હતા. ભારતમાં કોઈ પણ ક્રિકેટર પર એક ફોર્મેટના ખેલાડીનો સિક્કો વાગી જાય પછી તેને બીજા ફોર્મેટમાં તક જ નથી મળતી ને પૂજારા સાથે એવું જ થયું. આ માન્યતા સાવ ખોટી છે એ વાત વિરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડે સાબિત કરેલી. સેહવાગ પર વન ડે મેચોના ખેલાડીનો સિક્કો વાગી ગયેલો તેથી ટેસ્ટમાં તક જ નહોતી મળતી પણ તક મળી પછી સેહવાગે ટેસ્ટમાં પણ પોતે ઉપયોગી છે એ સાબિત કર્યું.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી ગણીને ત્રણ ત્રેવડી સદી થઈ છે ને તેમાંથી બે તો સેહવાગે ફટકારી છે. સુનિલ ગાવસકર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિતના મહાન બેટ્સમેન ના કરી શક્યા એ પરાક્રમ સેહવાગે બે વાર કરી બતાવ્યું. રાહુલ દ્રવિડ પર પણ ટેસ્ટના ખેલાડી હોવાનો સિક્કો વાગી ગયો પછી વન ડે મેચોમાં તક નહોતી મળતી. તક મળી પછી દ્રવિડે વન ડેમાં પણ પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી. કમનસીબે ચેતેશ્વર પૂજારાના કેસમાં એવું ના થયું પણ તેના કારણે ચેતેશ્વરનું યોગદાન ઘટતું નથી. પૂજારાને ક્રિકેટ ચાહકો ભારતના એક મહાન ટેસ્ટ ક્રિકેટર તરીકે હંમેશાં યાદ રાખશે. જબરદસ્ત ધીરજ અને ગજબનાક ટેમ્પરામેન્ટ ધરાવતા બેટ્સમેન તરીકે પૂજારા હંમેશાં ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button