તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ નાનાં ભૂલકાંઓને કનડતો કાવાસાકી રોગ

રાજેશ યાજ્ઞિક

નાના ને હજી શારીરિક-માનસિક રીતે વિકસિત થઇ રહેલાં બાળકોને નાની-મોટી તકલીફો થતી રહે છે, પણ ઘણીવાર નાની તકલીફ કોઈ મોટું રૂપ ધારણ ન કરી લે તે માટે આપણે સાવચેત રહેવાની જરૂર પડે છે. મોટા ભાગે ભૂલકાંઓને કનડતો આવો જ એક રોગ છે, જેને કાવાસાકી (Kawasaki) નામે ઓળખાય છે.

કાવાસાકી એક એવી બીમારી છે જે આખા શરીરમાં રક્ત વાહિનીઓમાં બળતરા (સોજો અને લાલાશ)નું કારણ બને છે. તે ત્રણ તબક્કામાં થાય છે અને સામાન્ય રીતે લાંબા સમય સુધી તાવ રહેવો એ પ્રથમ સંકેત છે. આ સ્થિતિ મોટાભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. જ્યારે લક્ષણો વહેલા જણાય અને તેની સારવાર કરવામાં આવે, ત્યારે કાવાસાકી રોગવાળા બાળકો થોડા દિવસોમાં સારા થઇ શકે છે, તે એક રાહતની વાત છે.

આ પણ વાંચો : આરોગ્ય એક્સપ્રેસઃ તમને પણ લાગે છે શિયાળામાં વીજળીનો ઝટકો? ….તો આટલું જાણી લો…

કાવાસાકી રોગ અથવા કાવાસાકી સિન્ડ્રોમ એ એક દુર્લભ પ્રકારનો વાસ્ક્યુલાઇટિસ (રક્ત વાહિનીઓનો સોજો) છે. સોજેલી રક્ત વાહિનીઓ નબળી બની જાય છે અને ખેંચાઈ શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તેમના ફાટી જવાનો ભય રહે છે. તેમના પર ઉઝરડા પણ પડી શકે છે અને તે ખૂબ સાંકડી થઈ શકે છે. તેના કારણે પેશીઓ અને અવયવોને પોષણ આપવા માટે જેટલા પ્રમાણમાં લોહી પસાર થવું જોઈએ, તેટલું થઇ શકતું નથી. આમ તો, તે બધી ધમનીઓને અસર કરે છે, પરંતુ સૌથી મોટી ચિંતા બાળકોની કોરોનરી ધમનીઓ છે, જે તેમના હૃદયને લોહી પહોંચાડે છે. અસરગ્રસ્ત કોરોનરી ધમનીઓવાળાં બાળકોને પરિણામે હૃદયની સમસ્યાઓ થવાનું જોખમ ઊભું થાય છે.

શું આ રોગ સામાન્ય છે?

ના, કાવાસાકી રોગ દુર્લભ છે, જે એક અભ્યાસ પ્રમાણે, 5 વર્ષથી ઓછી ઉંમરના 1,00,000 બાળકોમાંથી અંદાજે 10 થી 20 બાળકમાં જોવા મળે છે. જાપાન, કોરિયા અને તાઇવાનમાં, તે 5 વર્ષથી ઓછી ઉંમરના 1,00,000 બાળકોમાંથી 50 થી 250 બાળકને અસર કરે છે. વાસ્તવમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને અન્ય વિકસિત દેશોમાં બાળકોમાં હૃદય રોગનું સૌથી સામાન્ય કારણ કાવાસાકી રોગ છે. જોકે, ભારતમાં તેના પ્રમાણભૂત આંકડાઓ મેળવવા વિસ્તૃત અભ્યાસની જરૂર છે તેવું નિષ્ણાતો કહે છે.

આ પણ વાંચો : આરોગ્ય એક્સપ્રેસઃ રક્ત વિકાર શું છે થેલેસેમિયા મેજર ને માઇનર?

લક્ષણો કેવાં હોઈ શકે?

લક્ષણો બહુ સામાન્ય હોવાથી કાવાસાકી રોગ ઓળખવામાં સમસ્યા ઊભી થાય છે. ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી તાવ રહેવો, ચીડિયાપણું, સ્રાવ વગર લાલ અથવા ગુલાબી આંખો, બાળકના હોઠ અથવા જીભમાં લાલાશ અથવા ચીરા પડવા, બાળકના હાથ અથવા પગમાં સોજો અને/ અથવા લાલાશ, ત્વચા નીકળવી, બાળકની ગરદનમાં લસિકા ગાંઠો (Lymph Nodes)નો સોજો, પેટ ખરાબ અથવા પેટમાં દુખાવો.

કાવાસાકી થવાનાં કારણ

કાવાસાકી રોગ થવાનું ચોક્કસ કારણ હજી પકડમાં આવ્યું નથી, પણ તેના જે સામાન્ય કારણ દેખાઈ આવ્યાં છે, તેમાં આનુવંશિક પરિબળો મહત્ત્વના માનવામાં આવે છે. બીજો એક તર્ક એ છે કે, કાવાસાકી રોગ અસામાન્ય રોગપ્રતિકારક શક્તિ પ્રતિભાવને કારણે થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ચોક્કસ વાઈરસ અથવા બેક્ટેરિયા સંવેદનશીલ વ્યક્તિઓમાં રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરી શકે છે, જેના કારણે રક્ત વાહિનીઓમાં સોજો આવે છે.

આ પણ વાંચો : આરોગ્ય એક્સપ્રેસઃ લોહીનો વારસાગત રોગ સિકલ સેલ…

કાવાસાકીથી ઉદ્ભવતી કેટલીક સમસ્યા

આ રોગના કારણે કેટલીક સમસ્યાઓ સર્જાઈ શકે છે. કોરોનરી ધમનીઓમાં એન્યુરિઝમ (નબળાઈ અથવા ખેંચાણ). ગંભીર કિસ્સાઓમાં આ માટે કોરોનરી ધમનીની બાયપાસ સર્જરીની જરૂર પડી શકે છે. લોહી ગંઠાવાનું અને કોરોનરી ધમનીઓમાં સાંકડી થવું, કોરોનરી ધમની ફાટવી, બાળકનાં હૃદયમાંથી લોહી વહેવામાં મદદ કરતા હૃદયના વાલ્વની સમસ્યાઓ, હૃદય કે ફેફસાંમાં સોજો, હિપેટાઇટિસ, હૃદયરોગનો હુમલો ઈત્યાદિ.

ત્રણ મહત્ત્વના તબક્કા

1) એક્યુટ: પાંચ દિવસ કે તેથી વધુ સમય માટે તાવ, જંઘામૂળની આસપાસ ફોલ્લીઓ, આંખ, જીભ અને હોઠ લાલ થવા, લસિકા ગાંઠોમાં સોજો.

2) સબએક્યુટ: તાવ ઓછો થવા લાગે, પેટ ખરાબ થાય, સાંધા અને પેટમાં દુખાવો થાય, હાથ અને પગ પર ત્વચા પર રેશિસ થાય.

3) સ્વસ્થ થવું: લક્ષણો ધીમે ધીમે દૂર થાય છે, પરંતુ ગૂંચવણો ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો : આરોગ્ય એક્સપ્રેસઃ સ્નાયુની ઇજાનો રોગ ‘રેબડોમાયોલિસિસ’ શું છે?

કાવાસાકી રોગ માટે લોહી અને પેશાબનું પરીક્ષણ, ઇકોકાર્ડિયોગ્રામ, ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, વગેરે જેવાં પરીક્ષણો કરવામાં આવે છે.

તબીબો લક્ષણો અને તેની તીવ્રતાના આધારે કેવી સારવાર આપવી તે નક્કી કરે છે.

જોકે, સૌથી મહત્ત્વનું પાસું છે, રોગને ઓળખવો. એ પણ નોંધવું જોઈએ કે તીવ્ર રોગના કિસ્સામાં અપાતી જલદ સારવાર દરમિયાન કેટલીક આડઅસરો જોવા મળી શકે છે, પણ સતત તબીબી પરીક્ષણ કરવાથી સ્થિતિઓ પર નિયંત્રણ રાખી શકાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button