ફાઈનાન્સના ફંડાઃ વસિયતનામું એક એવો દસ્તાવેજ, જે મિલકતને કજિયાનું છોરું બનતા અટકાવે છે…

- મિતાલી મહેતા
‘જર- જમીન ને જોરું એ ત્રણે કજિયાનાં છોરું’ એવી કહેવત છે. સમય-સંજોગ અનુસાર કહેવતો ઘડાતી અને બદલાતી રહે છે. આપણે આવી ઘણી કહેવત સાચી હોવાના અનેક દાખલા તમે જોયા પણ હશે. ઘણી વાર તમે ન ચાહતા હો તો પણ આ ત્રણેમાંથી કોઈ એક અથવા વધારે બાબતો ઘરમાં કંકાશ કરાવી શકે છે. વકીલો આ વાતના સાક્ષી છે. તમે કોઈ પણ અનુભવી વકીલને પૂછશો તો એ તમને આ કહેવતને સાચી ઠેરવનારા અનેક કિસ્સાઓ કહી બતાવશે.
તમારી હાજરીમાં તો તમે બધાને સાચવીને ચાલી રહ્યા હો, પણ તમારી અંતિમ વિદાય પછી તમારી મિલકત (ઓછી હોય કે વધારે હોય એની સાથે સંબંધ નથી)ને લીધે તમારાં સ્વજનો વચ્ચે અથવા એમની સાથે કોઈ વાદ-વિવાદ થાય નહીં એવું તમે ઈચ્છતા હો તો તમારે એક કામ કરવું જરૂરી છે. એ કામ છે
વસિયતનામું (વિલ) બનાવવાનું. આ કામ સાવ સહેલું છે, પરંતુ લોકોને એના વિશે જાણકારી ઘણી ઓછી છે. ખરેખર તો વસિયતનામું પરિવારની શાંતિ માટેનો એક દસ્તાવેજ કહી શકાય. એના બનાવનારને પણ જતાં પહેલાં શાંતિ થાય એવું આ કામ છે. આથી અહીં તેને લગતી ઝીણવટભરી માહિતી રજૂ કરવામાં આવી છે.
વસિયતનામું શું છે?
વસિયતનામું એ એક લેખિત કાનૂની દસ્તાવેજ, એક સ્વ-ઘોષણા છે, જેમાં પોતાના મૃત્યુ પછી પોતાની સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી એના વિશેની વ્યક્તિની ઈચ્છા સ્પષ્ટ કરવામાં આવી હોય છે. વસિયતનામું બનાવવા માટે કોઈ નિર્ધારિત ફોર્મ નથી. એ હાથેથી લખી શકાય છે અથવા કોઈ પણ કાગળ પર ટાઈપ કરી શકાય છે. એને સ્ટેમ્પ પેપર પર ઉતારવું જરૂરી નથી. અમુક નિયત સ્થિતિમાં નિયત વ્યક્તિઓના કિસ્સામાં મૌખિક વસિયતનામું પણ માન્ય રાખવામાં આવે છે.
અહીં એ નોંધવું અગત્યનું છે કે વસિયતનામું કરનાર વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એક વસિયતનામું રદ કરીને બીજું બનાવી શકે છે. ઉપરાંત, વસિયતનામાની નોંધણી (રજિસ્ટ્રેશન) અથવા નોટરાઇઝેશન ફરજિયાત નહીં, મરજિયાત છે. વસિયતનામાનો કાયદાની અદાલત દ્વારા કાયદેસર રીતે સ્વીકૃત દસ્તાવેજ તરીકે સ્વીકાર થાય એ માટે કેટલીક આવશ્યકતાઓનું પાલન કરવું જરૂરી છે.
અહીં ખાસ નોંધવું રહ્યું કે જો વસિયતનામું માન્ય સ્વરૂપમાં ન હોય તો એ વસિયતનામું ન હોવા બરોબર ગણાય. તેનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વગર અવસાન પામે તો એમની મિલકતોની વહેંચણી એમની ઈચ્છા અનુસાર નહીં, પણ એમના ધર્મના આધારે લાગુ પડતા કાયદાઓ અનુસાર કરવામાં આવશે.
જોકે, વસિયતનામું લખતી વખતે વિશ્વાસુ વકીલ અથવા એડવોકેટની સલાહ લેવી હંમેશાં વધુ સારી. વસિયતનામા સાથે સંકળાયેલા પક્ષ આપણે માન્ય વસિયતનામું બનાવવાની શરતો વિશેની વાતોમાં આગળ વધીએ અથવા વસિયતનામાની આવશ્યક કલમોને સમજીએ એ પહેલાં ચાલો, આપણે વસિયતનામા સાથે સંકળાયેલા પક્ષકારોને સમજીએ:
1) ટેસ્ટેટર:
આ સૌથી મહત્ત્વપૂર્ણ પક્ષ છે, કારણ કે એ વસિયતનામું કરનાર પોતે છે! ટેસ્ટેટર એટલે એવી વ્યક્તિ, જે માન્ય વસિયતનામું બનાવે છે.
2) બેનિફિશિયરી:
વસિયતનામા સાથે સંકળાયેલો બીજો સૌથી મહત્ત્વપૂર્ણ પક્ષ એટલે બેનિફિશિયરી. આ એવી વ્યક્તિ છે કે જેમને વસિયતનામા મુજબ મિલકતો અથવા સંપત્તિઓનું વિતરણ કરવામાં આવે છે.
3) ગાર્ડિયન:
જો વસિયતનામાની બેનિફિશિયરી વ્યક્તિ/વ્યક્તિઓ સગીર હોય તો કાયદા અનુસાર ટેસ્ટેટરે એક વાલી (ગાર્ડિયન) અથવા રક્ષક (કસ્ટોડિયન)ની નિમણૂક કરવી ફરજિયાત છે. આ ગાર્ડિયન સગીરની અથવા સગીરને વસિયતમાં મળેલી મિલકત અથવા બંનેની સંભાળ રાખશે. સગીર માટે ગાર્ડિયન પસંદ કરવા એ વસિયતનામું કરનાર માટે સૌથી મુશ્કેલ કામ હોય છે.
4) એક્ઝિક્યુટર:
વસિયતનામા સાથે સંકળાયેલો વધુ એક પક્ષ એટલે એક્ઝિક્યુટર. આ એવી વ્યક્તિ છે જેમની નિમણૂક વસિયતનામું કરનાર દ્વારા કરવામાં આવે છે. એક્ઝિક્યુટરની સત્તા અનેક પ્રકારની હોય છે. તેમાં કાયદાકીય પગલાં લેવાં, મિલકતનો વાસ્તવિક નિકાલ કરવો અને મિલકતની સંબંધિત જાળવણી કરવી, વગેરેનો સમાવેશ થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, વસિયતનામા મુજબ બેનિફિશિયરીને સંપત્તિની વહેંચણી અને વસિયતનામું કરનારની ઈચ્છાઓને પાર પાડનાર તે વ્યક્તિ છે. એક્ઝિક્યુટર એવી વ્યક્તિ હોવી જોઈએ, જે વિશ્વાસપાત્ર હોય.
5) વિટનેસ:
વસિયતનામાના વિટનેસ (સાક્ષી) એવી વ્યક્તિ છે, જે વસિયતનામાના દસ્તાવેજના વેલિડેશનની પ્રક્રિયામાં ભાગ લે છે. ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ (ઇન્ડિયન સક્સેસન ઍક્ટ) હેઠળ, વસિયતને પ્રમાણિત કરવા માટે ઓછામાં ઓછા બે સાક્ષીની જરૂર હોય છે.
સાક્ષી રાખવાનો હેતુ એ સુનિશ્ર્ચિત કરવાનો છે કે ટેસ્ટેટર ખરેખર સ્વેચ્છાએ વસિયતનામું બનાવવા માગે છે અને એ કરવા માટે એની માનસિક સ્થિતિ બરોબર છે. વસિયતનામામાં લખાયેલી બાબતો સાથે નહીં, પણ ટેસ્ટેટર સાથે એમને સંબંધ હોય છે.
આપણ વાંચો: તમે ક્યારેય My CEOનો વિચાર કર્યો છે?