સીટો પર મનમાની, ‘ગઠબંધન’ના ધર્મ પર સવાલ
બિહારથી મહારાષ્ટ્ર સુધી I.N.D.I.A બ્લોકમાં બધે જ સમસ્યા

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોક લોકસભા ચૂંટણીમાં સીટની વહેંચણી અંગે સર્વસંમતિ સાધવામાં અત્યાર સુધી તો અસમર્થ રહ્યું છે અને દરરોજ અથડામણના અહેવાલો છે. પહેલા પશ્ચિમ બંગાળમાં વિવાદ થયો પછી પંજાબમાં ગઠબંધન તૂટી ગયું અને હવે મહારાષ્ટ્રમાં પણ સીટ વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ રહ્યો નથી.
બિહારમાં પણ આંતરિક નારાજગીનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બુધવારે, મહારાષ્ટ્ર અને બિહારમાં આવા બે મોટા રાજકીય વિકાસ થયા, જેણે એવી અટકળોને મજબૂત બનાવી છે કે ગઠબંધનમાં All is not well. પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રમાં પાંચ અને બિહારની ચાર બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે સાથી પક્ષો વચ્ચેના સંઘર્ષના કેટલાક મુદ્દા જાણીએ.
આપણ વાંચો: કેજરીવાલની ધરપકડના વિરોધમાં I.N.D.I.A. ગઠબંધને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી
બિહારની સમસ્યાઃ
બિહારની પૂર્ણિયા લોકસભા સીટને લઈને મહાગઠબંધનમાં તણાવ છે. આરજેડીએ ઘણી સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઘણી એવી બેઠકો છે જેના પર કોંગ્રેસની નજર છે. એટલે કે કોંગ્રેસના નેતાઓ ત્યાં દાવા કરી રહ્યા છે. બિહારમાં ઔરંગાબાદ, બેગુસરાય, કટિહાર, સિવાન અને પૂર્ણિયા સીટોને લઈને I.N.D.I.A બ્લોક મુશ્કેલીમાં ફસાયેલો છે.
આરજેડીએ પણ મહાગઠબંધનની સંમતિ વિના પૂર્ણિયાથી ઉમેદવાર ઉતાર્યો છે. ઔરંગાબાદ સીટ પર કોંગ્રેસ અને આરજેડી વચ્ચે ટક્કર છે. કોંગ્રેસ અહીં દાવો કરી રહી છે. જ્યારે આરજેડીએ ત્યાંથી અભય કુશવાહાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. હવે આ તણાવનું સમાધાન શું નીકળશે તે જોવું રહ્યું.
આપણ વાંચો: PM મોદી સામે વારાણસી સીટ પર I.N.D.I.A ગઠબંધનનો આ ઉમેદવાર ફાઈનલ? જાણો કેવો રહ્યો છે મુકાબલો
પૂર્ણિયા સીટ પર પપ્પુ યાદવની દાવેદારી આરજેડીને મંજૂર નથીઃ-
પપ્પુ યાદવ લાંબા સમયથી પૂર્ણિયા સીટ પર દાવો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પપ્પુ યાદવ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમની પાર્ટી જેએપી (જન અધિકાર પાર્ટી)નું વિલિનીકરણ કર્યું હતું. એવા અહેવાલ છે કે પપ્પુ યાદવ એ શરતે કોંગ્રેસમાં જોડાયા છે કે તેમને I.N.D.I.A બ્લોકમાંથી પૂર્ણિયા સીટ ઉમેદવાર બનાવવામાં આવશે.
એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાતા પહેલા પપ્પુ પટનામાં આરજેડી ચીફ લાલુ યાદવને મળ્યા હતા. પપ્પુ યાદવ એ જણાવવાનું પણ ભૂલ્યા નહતા કે તેઓ પૂર્ણિયામાંથી પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. પપ્પુ યાદવ પૂર્ણિયાથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. આરજેડીએ પૂર્ણિયાથી બીમા ભારતીને ઉમેદવારી આપી છે, જેનાથી પપ્પુ યાદવ ગુસ્સામાં છે. દુનિયામાં એવી કોઇ શક્તિ નથી જે મને પૂર્ણિયાથી ઉમેદવારી કરતા રોકી શકે એમ તેઓ જણાવી રહ્યા છે.
આપણ વાંચો: Operation Lotus: રાજ ઠાકરે ‘મહાગઠબંધન’માં જોડાશે? દિલ્હી જવા રવાના
સીટ વહેંચણી પર હજુ સુધી કોઈ સર્વસંમતિ નથીઃ-
I.N.D.I.A બ્લોક બિહારમાં સીટ વહેંચણી પર સર્વસંમતિ સુધી પહોંચી શક્યું નથી. આ જ કારણ છે કે તેના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. બિહારમાં I.N.D.I.A બ્લોકમાં કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈએમ, સીપીઆઈનો સમાવેશ થાય છે. કોંગ્રેસ લોકસભાની 10 બેઠકો પર દાવો કરી રહી છે.
જ્યારે આરજેડી 7 સીટો આપવા પર અડગ છે. જ્યારે બીજેપીની આગેવાની હેઠળના એનડીએએ સીટોની ફોર્મ્યુલા તૈયાર કરી લીધી છે અને તેના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવાનું પણ શરૂ કરી દીધું છે.
મહારાષ્ટ્રમાં પણ સીટો પર સંઘર્ષ જારીઃ
મહારાષ્ટ્રમાં પણ મહાવિકાસ અઘાડીમાં સીટોને લઈને જંગ છે. અહીં 6 બેઠકોને લઈને વિવાદ છે. છેલ્લા ત્રણ મહિનાથી, ગઠબંધનમાં સામેલ સાથી પક્ષો સીટોની વહેંચણી પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વાત આગળ વધતી નથી. એવામાં શિવસેનાના ઉદ્ધવ જૂથે સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા વિના 17 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છએ, જેનાથી કોંગ્રેસ અને શરદ પવાર કેમ્પ નારાજ છે.
કોંગ્રેસે એકતરફી નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં તો વંચિત બહુજન અઘાડી પણ I.N.D.I.Aથી નારાજ છે અને તેણે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ મહારાષ્ટ્રનું બેઠકોની વહેચણીનું કોકડું અટવાયેલું છે. આ બધુ જોઇને સવાલ થાય છે કે વિપક્ષી સંઘ કાશીએ પહોંચશે ખરો?



