અમેરિકન માર્કેટમાં કડાકા વચ્ચે ટેસ્લાના સ્ટોકમાં ધોવાણ: મસ્ક મુશ્કેલીમાં

વોશિંગ્ટનઃ અમેરિકાના શેરબજારમાં ખૂલતા જ કડાકો બોલ્યો હતો. ત્રણ ટકા સુધીનો ઐતિહાસિક કડાકો બોલતાં હેવિવેઈટ શેર પણ ધોવાયા હતા. જેમાં ટેસ્લાના શેરનો પણ સમાવેશ થયો હતો. ટેસ્લાના શેરમાં 15.43 ટકાનો કડાકો બોલતાં રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો. ટેસ્લાનો શેર તૂટીને 222.15 ડોલર પર આવી ગયો હતો. જેના કારણે રોકાણકારોના લાખો ડોલર ડૂબી ગયા હતા. .
ટેસ્લાના શેરમાં કડાકાના કારણે નાસ્ડેક ઈન્ડેક્સ પણ 4 ટકા સુધી ગબડ્યો હતો. ઇલોન મસ્કની માર્કેટ કેપમાં 130 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ટેસ્લાના શેરમાં થયેલા ઘટાડાની અસર ઈલોન મસ્કની સંપત્તિ પર પણ જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં જ મસ્કની તેની નેટવર્થમાં 29 અબજ ડોલર (આશરે 2.5 લાખ કરોડ રૂપિયા) ઘટી હતી. હાલ મસ્કની નેટવર્થ 301 અબજ ડોલર થઈ ગઈ છે.
આપણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે Donald Trump 20 જાન્યુઆરીએ શપથ લેશે, જાણો શેરબજાર પર શું અસર થશે
આ વર્ષે મસ્કની સંપત્તિમાં કેટલો થયો ઘટાડો
આ વર્ષે મસ્કની સંપત્તિમાં 132 અબજ ડોલરનો ઘટાડો થયો છે. મસ્કે આ રકમ માત્ર બે મહિનામાં જ ગુમાવી છે. જે વિશ્વના ટોચના અબજપતિના લિસ્ટમાં સામેલ અનેકની કુલ સંપત્તિ કરતા પણ વધારે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં ટેસ્લાના ભાવમાં રોકેટ તેજી આવી હતી અને ઓલટાઈમ હાઈ 488.54 ડોલર પ્રતિ શેર પહોંચ્યો હતો. ત્યાંથી અત્યાર સુધીમાં ટેસ્લાનો શેર 53 ટકા ગગડ્યો છે.
એક્સ પણ થયું હતું ઠપ
ટેસ્લાના શેરમાં કડાકા સાથે મસ્કની કંપની એક્સમાં પણ મુશ્કેલી આવી છે. સોમવારે માત્ર એક જ દિવસમાં એક્સ પ્લેટફોર્મ ત્રણ વખત ઠપ થયું હતું. જેનાથી વિશ્વમાં હલચલ મચી ગઈ હતી. યૂઝર્સ તેમના એકાઉન્ટ લોગ ઈન પણ કરી શકતા નહોતા.