શેરબજાર નવા વર્ષના પ્રથમ સત્રમાં નવી વિક્રમી સપાટીએ
મુંબઇ: શેરબજારે નવા વર્ષના પ્રથમ સત્રમાં નવી વિક્રમી સપાટી દર્શાવીને રોકાણકારોને રાજીના રેડ કરી દીધા છે. એશિયાઇ બજારોની તેજી અને વિદેશી ફંડોના સારા આંતરપ્રવાહના બળે સેન્સેકસ અને નિફ્ટીએ ઇન્ટ્રા-ડે નવી ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે.
ખુલતા સત્રમાં જ સેન્સેકસમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૨,૩૫૦ની સપાટીએ પહોંચી નવો વિક્રમ નોંધાવ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૩૬૩ પોઈન્ટના વધારા સાથે ૭૪,૦૧૫ પોઇન્ટના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૩૫ પોઈન્ટના વધારા સાથે ૨૨,૪૬ર પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે.
આપણ વાંચો: શેરબજારે તેજીની આગેકૂચ સાથે નવો વિક્રમ નોંધાવ્યો
બજારના આ ઉછાળામાં બેન્કિંગ અને એનર્જી શેરોએ સૌથી વધુ ફાળો આપ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂપિયા છ લાખ કરોડથી વધુનો ઉછાળો આવ્યો છે.
બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૯૩.૩૫ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે પાછલા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૮૬.૯૧ લાખ કરોડના સ્તરે હતું. એક માહિતી અનુસાર આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬.૪૪ લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો.