ઓપરેશન સિંદૂર બાદ શેરબજારમાં વધ- ઘટનો માહોલ, સેન્સેક્સમાં 141 પોઇન્ટનો ઘટાડો

મુંબઇ: જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સીધી અસર શેરબજાર પર દેખાઈ રહી છે. જેમાં આ શેરબજારમાં શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જોકે, બજાર ખુલ્યાના થોડી જ મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી વધવા લાગ્યા હતા. સેન્સેક્સ 120 પોઇન્ટના ઉછાળા સાથે 80,761.92 પોઈન્ટ પર પહોંચી ગયો. જ્યારે સવારે 9. 55 વાગે ફરી તેમાં 141 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.
વિદેશી રોકાણકારો સતત ભારતીય શેર ખરીદી રહ્યા છે
વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત 14 સત્રો સુધી ભારતીય ઇક્વિટી બજારોમાં ખરીદદારો રહ્યા છે, મંગળવારે વધુ રૂપિયા 3800 કરોડની ચોખ્ખી ખરીદી થઈ છે. છેલ્લા 14 ટ્રેડિંગ સત્રોમાં, વિદેશી સંસ્થાઓએ ભારતીય ઇક્વિટીમાં લગભગ રૂપિયા 45,000 કરોડનું રોકાણ કર્યું છે.
રૂપિયાનું અવમૂલ્યન થયું
આ દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા બાદ બુધવારે નોન-ડિલિવરેબલ ફોરવર્ડ બજારમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં ઘટાડો થયો હતો. ઓનશોર સ્પોટ માર્કેટ ખુલશે ત્યારે રૂપિયો 84.64 થી 84.68ની વચ્ચે ટ્રેડ થવાની શક્યતા છે.
એશિયન બજારમાં મિશ્ર પ્રતિક્રિયા
એશિયન બજારની વાત કરીએ તો નિક્કી 0.05 ટકા ઘટીને 36,813.78 પર બંધ થયો. તાઇવાનનું શેરબજાર 0.11 ટકા ઘટીને 20,518.36 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે હેંગસેન્ટ લગભગ 1.31 ટકા વધીને 22,959.76 ના સ્તરે પહોંચ્યો. કોસ્પીમાં 0.31 ટકાનો વધારો જોવા મળ્યો જ્યારે શાંઘાઈ કમ્પોઝિટમાં 0.62 ટકાનો વધારો થયો અને તે 3,336.62 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો….શેરબજાર: વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડમાંથી રૂ. ૧૩,૩૫૯ કરોડ ઉપાડ્યા