શેરબજારની ધમાકેદાર શરૂઆત; નિફ્ટીએ બનાવ્યો નવો રેકોર્ડ

મુંબઈ: અઠવાડિયાના પહેલા ત્રણ દિવસના ઘટાડા બાદ આજે ગુરુવારે ભારતીય શેરબજારે ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 217 પોઈન્ટના વધારા સાથે 84,801 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી ફિફ્ટી 65 પોઈન્ટના વધારા સાથે 25,950 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સકારાત્મક સંકેતો મળી રહ્યા છે.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી-50 નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, નિફ્ટી 26,290.25 પર પહોંચ્યો હતો, અગાઉ 14 મહિના પહેલા 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ 26,277ના સ્તરે પહોંચ્યો હતો, આજે આ નિફ્ટીએ સપાટી વટાવી છે.
આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં L&T, HDFC બેંક, M&Mના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો.
આ વર્ષે વર્ષના એપ્રિલમાં યુએસના ટેરિફને કારણે નિફ્ટી-50 ઇન્ડેક્સ 21,745ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી નિફ્ટી-50 એ રિકવરી શરુ કરી હતી અને 19% જેટલો નો વધારો નોંધાવ્યો છે.
આ કારણે તેજીના સંકેત:
બજારમાં હાલની સ્થિતિ જોતા ડિસેમ્બર મહિનામાં સકારાત્મક વલણો દર્શાવી રહી છે. યુએસમાં ફેડરલ રેટમાં ઘટાડા થવાની શક્યતા છે, જેને કારણે ગઈકાલે યુએસ બજારો વધારા સાથે બંધ થયા હતાં, આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત શરૂઆત નોંધાવી.
રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર થવાનાના અહેવાલો છે, જેને કારણે વૈશ્વિક વેપાર સુધારવાની શક્યતા છે. રશિયન પેટ્રોલિયમ પર લાગેલા પ્રતિબંધો શાંતિ કરાર હેઠળ હટાવવામાં આવી શકે છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે.
આપણ વાંચો: ઈક્વિટી માર્કેટ ગુજરાતના નવા રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ, 50 ટકાનો ઘટાડો



