શૅરબજારની ચાલનો આધાર મેક્રો ડેટા પર, અફડાતફડી સાથે સુધારાતરફી ઝોંકની અપેક્ષા

-નિલેશ વાઘેલા
મુંબઇ: આ સપ્તાહે શેરબજારની ચાલનો આધાર મેક્રો ડેટા પર અવલંબિત રહેવા સાથે સત્ર દરમિયાન અફડાતફડી સાથે સુધારાતર્ફીં ઝોંક રહેવાની અપેક્ષા બજારના સાધનો વ્યક્ત કરી રહ્યાં છે. ખાસ કરીને આરબીઆઇની પોલિસી, મેન્યુફેકચરિંગ અને સર્વિસ પીએમઆઇ, યુએસ જોબ ડેટા, ઇસીબીની બેઠક જેવા દસ મુખ્ય પરિબળો પર રોકાણકારોની નજર રહેશે. બજારના નિષ્ણાતોના મતે, ઘટાડે લેવાલીની વ્યૂહરચના સાથે સંભવિત રેન્જબાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્ટિમેન્ટ એકંદરે હકારાત્મક બની શકે છે.
સમીક્ષા હેઠળના ત્રીસમી મેના રોજ પૂરા થયેલા સતત બીજા સપ્તાહમાં બજારમાં અસ્થિરતા અને રેન્જબાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે નબળા વૈશ્ર્વિક સંકેતો અને મુખ્ય હકારાત્મક ટ્રિગર્સના અભાવે સેન્ટિમેન્ટ પર દબાણ આવ્યું હતું. જોકે, આ સપ્તાહે આઇરબીઆઇ દ્વારા ત્રીજા વ્યાજ દરમાં ઘટાડાની આશા, ફુગાવાનું દબાણ હળવું થવા સાથે સારા ચોમાસાની આગાહી અને નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિકમાં સ્વસ્થ જીડીપી વૃદ્ધિએ સાપ્તાહિક નુકસાનને 0.4 ટકા સુધી મર્યાદિત રાખ્યું હતી.
માસિક ધોરણે, મે મહિનામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 1.71 ટકાનો વધારો થયો છે. નિફ્ટી 50 102 પોઈન્ટ (0.41 ટકા) ઘટીને 24,751 પર સ્થિર થયો હતો અને સેન્સેક્સ 270 પોઈન્ટ (0.33 ટકા) ઘટીને 81,451 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 શેરઆંકોએ અઠવાડિયા દરમિયાન અનુક્રમે 1.29 ટકા અને 1.36 ટકાનો વધારો કરીને બેન્ચમાર્ક શેરઆંક કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો. બીજી જૂનથી શરૂ થતા આગામી અઠવાડિયામાં, બજાર સૌ પ્રથમ ગયા ઓટો કોર્પોરેટ્સ દ્વારા જાહેર કરાયેલ માસિક ઓટોમોબાઈલ વેચાણ ડેટા પર પ્રતિક્રિયા આપે તેવી અપેક્ષા છે.
ફુગાવાના અનુકૂળ વલણ અને હકારાત્મક ઓટો વેચાણ ડેટાને કારણે વ્યાજ દરમાં ઘટાડાની વધતી આશા બજારના મૂડને ટેકો આપી શકે છે, જ્યારે બજારના સહભાગીઓ ચોમાસાની પ્રગતિ, ઉત્પાદન અને સેવાઓના પીએમઆઇ ડેટા, યુએસ રોજગાર ડેટા અને ઇસીબીના વ્યાજ દરના નિર્ણય તેમજ યુએસ ટેરિફના સંદર્ભમાં વધુ નવી જાહેરાતો પર નજર રાખશે.
બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ સપ્તાહે આરબીઆઈ દ્વારા દર ઘટાડાની વધતી આશા વચ્ચે ખાસ કરીને પીએસયુ બેંકો સહિતના વ્યાજ દર સાથે સંવેદનશીલ ક્ષેત્રો ફોકસમાં રહેવાની શક્યતા છે. વધુમાં, માસિક ઓટો વેચાણ અને વોલ્યુમ ડેટાની જાહેરાતને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં શેરલક્ષી ચાલ શરૂ થઈ શકે છે. આરબીઆઇ નીતિ બેઠક ઉપરાંત, બજારના સહભાગીઓ અનુક્રમે બીજી જૂન અને ચોથી જૂનના રોજ જાહેર થનારા મેન્યુફેકચરિંગ અને સર્વિસ પીએમઆઇના ફાઇનલ ડેટા પર નજર રાખશે. પ્રારંભિક અંદાજ મુજબ, મેન્યુફેકચરિંગ પીએમઆઇ એપ્રિલમાં 58.2 સામે મે મહિનામાં 58.3 સુધી વધીને અને સર્વિસ પીએમઆઇ ગયા મહિનાના 58.7 થી વધીને 61.2 સુધી પહોંચી ગયો છે.
વધુમાં, 23 મેના રોજ પૂરા થયેલા પખવાડિયા માટે બેંક લોન અને ડિપોઝિટ વૃદ્ધિ અને 30 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામતના ડેટા છઠ્ઠી જૂનના રોજ જાહેર કરવામાં આવશે.બજારના સહભાગીઓ વિદેશી સંસ્થાકીય રોકાણકારોના મૂડ પર ઝીણવટભરી નજર રાખશે કારણ કે તેઓ બીજા અઠવાડિયા માટે ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. ગયા સપ્તાહે તેમણે રૂ. 418 કરોડના શેર વેચ્યા જે તે અગાઉના સપ્તાહમાં વેચાયેલા રૂ. 11,591 કરોડના શેર કરતા ઘણા ઓછા હતા.
માસિક ધોરણે રૂ. 11,773 કરોડની લેવાલી સાથે એફઆઇઆઇ સતત ત્રીજા મહિને ખરીદદાર રહ્યા છે. નિષ્ણાતોને આશા છે કે યુએસ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો, ધીમો પડી રહેલો યુએસ અને ચીનનો વિકાસદર, ભારતનો સારો વિકાસ અને આરબીઆઇ દ્વારા વધુ દર ઘટાડાની શક્યતાને કારણે એફઆઇઆ ભારતીય ઇક્વિટીમાં ખરીદદાર રહી શકે છે.
મૂડી બજારમાં નોંધપાત્ર પ્રવૃત્તિ પછી, આ સપ્તાહે સુસ્ત વાતાવરણ રહેવાની અપેક્ષા છે કારણ કે મેઇનબોર્ડ સેગમેન્ટમાં કોઈ નવા પબ્લિક ઇશ્યૂ ખુલશે નહીં, જ્યારે એસએમઇ સેગમેન્ટમાં માત્ર એક પબ્લિક ઇશ્યૂ લાઇનમાં છે.
આ પણ વાંચો…શેરબજાર: પ્રાઇમરી માર્કેટમાં નવ આઇપીઓની સવારી…