
અમદાવાદઃ ભારતીય શેરબજારમાં હાલ મંદીનો માહોલ છે. શેરબજારની મંદીના કારણે લોકો ફરી સલામત રોકાણ ગણાતા સોના તરફ વળી રહ્યા છે, સોનાનો ભાવ 90,000 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. શેરબજારમાં સૌથી વધુ રોકાણ કરનારામાં ગુજરાતીઓ અગ્રેસર છે. માર્કેટમાં મંદીએ લીધેલા ભરડાની અસર રોકાણકારો પર પણ જોવા મળી છે.
ફેબ્રુઆરી 2025માં નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાતમાં 55 ટકાથી વધુનો ઘટાડો થયો છે. એનએસઈના ડેટા પ્રમાણે, ગુજરાતમાં જાન્યુઆરીમાં 1.50 લાખ નવા રોકાણકરો નોંધાયા હતા, જે ઘટીને ફેબ્રુઆરીમાં 65,000 થઈ ગયા હતા. આ ઉપરાંત નવા રોકાણકારોનો હિસ્સો 8.9 ટકાથી ઘટીને 5.7 ટકા થયો હતો. આ કારણે દેશમાં નવા રોકાણકારોના રજિસ્ટ્રેશન મુદ્દે ગુજરાત ત્રીજા સ્થાનેથી છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિને કારણે ટ્રેડ વૉરની ભીતિ સપાટીએઃ વૈશ્વિક સોનું નવી ટોચે…
જુન 2023માં ગુજરાતમાં નવા રોકાણકારો 80,000 નોંધાયા હતા. આ પછી ફેબ્રુઆરી 2025માં સૌથી ઓછા નવા રોકાણકારો નોંધાયા હતા. માત્ર ગુજરાત જ નહીં દેશમાં પણ નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. દેશમાં નવા રોકાણકારોની સંખ્યામાં 31.2 ટકા ઘટાડો થયો છે. જાન્યુઆરી 2025માં દેશના નવા રોકાણકારોની સંખ્યા 16.50 લાખ હતી, જે ફેબ્રુઆરી 2025માં ઘટીને 11.30 લાખ થઈ હતી.
ગુજરાત સહિત આ બે રાજ્યોમાં પણ રોકાણકારો ઘટ્યા
નવા રોકાણકારોની સંખ્યામાં થયેલા ઘટાડાના કારણે ગુજરાત દેશમાં કુલ રોકાણકારોમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં ઈક્વિટી રોકાણકારોની કુલ સંખ્યા 98.86 લાખ છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પણ નવા રોકાણકારોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. બંને રાજ્યોમાં અનુક્રમે 36 ટકા અને 27 ટકા રોકાણકારો ઘટ્યા હતા.
આ પણ વાંચો: વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિક સોનામાં રૂ. ૧૬૦નો અને ચાંદીમાં રૂ. ૨૯નો ઘસરકો
અમદાવાદ, સુરતમાં કેટલા ટકા રોકાણકારો ઘટ્યા
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, શેરબજારમાં દર મહિને એક લાખ નવા ગુજરાતી રોકાણકારો ઉમેરાય છે પરંતુ મંદીના કારણે આ સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. શેરબજારમાં મંદી અને સારા આઈપીઓના અભાવે પણ નવા રોકાણકારોની સંખ્યા ઘટી છે. સુરતમાં 55.1 ટકા અને અમદાવાદમાં 54 ટકા નવા રોકાણકારો ઘટ્યા છે.