Stock Market : ઈન્ફોસિસના શેરના ભાવમાં મોટો કડાકો, નારાયણ મૂર્તિ પરિવારના આટલા કરોડનું ધોવાણ

મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)સતત ચાલી રહેલી અફડા તફડીના માહોલ વચ્ચે સપ્તાહના ત્રીજા દિવસે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન આજે આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડાને કારણે કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિ અને તેમના પરિવારને પણ નુકસાન થયું છે. આ ઘટાડાને કારણે, મૂર્તિ પરિવારને 6875 કરોડ રૂપિયાનું ધોવાણ થયું.
શેર 6 ટકા ઘટીને રૂપિયા 1,562 ની નીચી સપાટીએ
આજે બજારની શરૂઆતની સાથે જ ઇન્ફોસિસના શેર 6 ટકા ઘટીને રૂપિયા 1,562 ની નીચી સપાટીએ પહોંચ્યા. જે ડિસેમ્બર 2024 માં તેના 52-સપ્તાહના ઉચ્ચતમ રૂપિયા 2,006.80 થી લગભગ 22 ટકા નીચે છે. ડિસેમ્બર 2024 માં આ શેરનો ભાવ 2,006.80 હતો. જૂન 2024માં શેરનો ભાવ રૂપિયા 1359.10 ના નીચા સ્તરે પહોંચી ગયો હતો.
આપણ વાંચો: વિશ્વના શેરબજારમાં હાહાકાર; મસ્ક, અંબાણી, અદાણી સહીત આ અબજોપતિઓની સંપતિમાં મોટું ધોવાણ
ઇન્ફોસિસમાં કોનો કેટલો હિસ્સો ?
જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરના અંતે કંપનીના સહ-સ્થાપક અને પ્રમોટર નારાયણ મૂર્તિ ઇન્ફોસિસમાં 0.40 ટકા હિસ્સો ધરાવતા હતા. જ્યારે તેમની પત્ની સુધા એન મૂર્તિ 0.92 ટકા હિસ્સો ધરાવતા હતા. તેમના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રી અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં અનુક્રમે 1.62 ટકા અને 1.04 ટકા હિસ્સો ધરાવતા હતા. અક્ષતા ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ ઋષિ સુનકની પત્ની પણ છે. નારાયણ મૂર્તિના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિ પણ ઇન્ફોસિસમાં 0.04 ટકા હિસ્સો ધરાવતા હતા.
કોને કેટલું નુકસાન થયું ?
રોહન મૂર્તિને 2,771 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત અક્ષતા મૂર્તિને 1,778.79 કરોડ રૂપિયા અને સુભા એન મૂર્તિને 1,573.54 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.