શેરબજારમાં પહેલગામનો પડધો, નિફ્ટી ૨૪,૩૦૦થી નીચે સરક્યો

નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે ગુલાંટ મારીને ટ્રેડ વોરની તીવ્રતા ઘટાડવાના સંકેત આપવા સાથે ફેડરલના ચેરમેન પોવેલ સાથેના વિખવાદમાં પણ પાછીપાની કરવાની શરૂઆત કરી હોવાથી વિશ્ર્વભરના શેરબજારોમાં જ્યારે સુધારાના ચિન્હો દેખાઇ રહ્યાં છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ગુુરુવારે ધટાડો જોવા મળ્યો છે.
આજે ૨૪ એપ્રિલના રોજ ભારતીય ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર બંધ થયા હતા, જેમાં નિફ્ટી ૨૪,૩૦૦થી નીચે સરક્યો હતો અને સેન્સેક્સમાં ૩૧૫ પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. બજારના વર્તુળો અનુસાર પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા ઘાતકી કૃત્યના પ્રત્યાઘાતમાં ભારત સરકારે જે આકરાં પગલાં લીધા છે, તેને કારણે એક પ્રકારે જીઓપોલિટિકલ રિસ્ક ઊભું થયું હોવાથી રોકાણકારોએ વેચવાલી વધારી હોવાથી બજાર ગબડ્યું છે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, ચીન સિવાય અન્ય દેશોને ટેરિફમા 90 દિવસની રાહત, શેરબજારોમાં તેજી…
સત્રને અંતે, સેન્સેક્સ ૩૧૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા ઘટીને ૭૯,૮૦૧.૪૩ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો, જ્યારેે નિફ્ટી ૮૨.૨૫ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા ઘટીને ૨૪,૨૪૬.૭૦ પોઈન્ટ પર સ્થિર થયો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૧૮૬૯ શેર વધ્યા, ૧૯૨૧ શેર ઘટ્યા, અને ૧૪૪ શેર યથાવત રહ્યા હતા.
એચયુએલ, ભારતી એરટેલ, આઇશર મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેંક, એટર્નલના શેર નિફ્ટીમાં ટોપ લૂઝર્સ બન્યા હતા, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ ટોપ ગેઇનર્સ હતા.
આપણ વાંચો: ટ્રમ્પે એવું શુ કહ્યું કે વૈશ્વિક શેરબજારમાં ઉછાળો આવ્યો
વ્યાપક શેરઆંકોએ મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સો કરતાં વધુ સારુ પ્રદર્શન કર્યું હતું. જોકે, બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ શેરઆંક ફ્લેટ નોંધ પર બંધ થયા હતા. સેકટરલ ધોરણે એફએમસીજી, રિયલ્ટી દરેકમાં એકાદ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ફાર્મા ઇન્ડેક્સમાં એકાદ ટકાનો વધારો થયો હતો.
નોંધવું રહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરી એક ગુલાંટ મારીને ચીન સામે હળવે હાથે કામ લેવાનો સંકેત આપ્યો હોવાથી વિશ્ર્વભરના શેરબજારમાં સુધારો આવ્યો હોવા ઉપરાંત સ્થાનિક સ્તરે એફઆઇઆઇની એકધારી લેવાલી અને આઇટી શેરોના ઉછાળા વચ્ચે શેરબજારોમાં બુધવારે સતત સાતમા દિવસે તેજી જારી રહી હતી અને સેન્સેક્સ ૮૦ હજારની સપાટી પુન:હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૨૦ પોઈન્ટ ઉછળીને ચાર મહિનામાં પહેલી વાર ૮૦,૦૦૦ પોઇન્ટની સપાટીથી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો.