‘મહાવિતરણ’ને શેરબજારમાં લિસ્ટિંગ કરાશે: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની (મહાવિતરણ)નું શેરબજારમાં લિસ્ટિંગ કરશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. સ્ટોક માર્કેટમાં લિસ્ટ થનારી ભારતની પ્રથમ વીજ વિતરણ કંપની હશે. ભંડોળ ઊભું કરવા અને મહાવિતરણના આર્થિક બોજને ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય વિધાનસભામાં બોલતા ફડણવીસે ઘર વપરાશમાં 100 – 300 યુનિટના વપરાશકર્તાઓ માટે વીજળીના દરમાં 17 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે જેનો લાભ 95 ટકા ગ્રાહકોને મળશે. સ્માર્ટ મીટર વપરાશકર્તાઓને દિવસ દરમિયાનના વીજ વપરાશ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જોકે પ્રીપેઇડ મીટર વૈકલ્પિક રહેશે.
આપણ વાંચો: મહાવિતરણ વીજ ખરીદી વિવાદમાં: એક કંપનીની સગવડ માટે ટેન્ડરની શરતોમાં ફેરફારની ચર્ચા
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સબસિડીને કારણ મહાવિતરણનું દેવું વધી ગયું છે અને ખેડૂતોના વીજ બિલની લેણી નીકળતી રકમને કારણે આંકડો 75 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
મહારાષ્ટ્ર સરકારે અવિરત વીજ પુરવઠાની ખાતરી સાથે આ દેવાનો ઉકેલ લાવવા વ્યૂહરચના બનાવી રહી છે. વર્ષ 2030 સુધીમાં મહારાષ્ટ્રની 52 ટકા વીજળી રિન્યુએબલ એનર્જીથી મળવાની આશા છે.