ગ્રીન સિગ્નલમાં ખુલ્યા બાદ શેરબજાર ગબડ્યું: બ્રેન્ટ ક્રૂડ પાંચ વર્ષના નીચલા સ્તરે

મુંબઈ: ગઈ કાલે મોટા ઘટાડા બાદ આજે ભારતીય શેર બજાર ગ્રીન સિગ્નલમાં ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSEનો) બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 176 પોઈન્ટના વધારા સાથે 84,856 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 42 પોઈન્ટ વધીને 25,902 પર ખુલ્યો. યુએસ ડોલર સામે રૂપિયો 91.07ના સ્તર પર ખુલ્યો.
વધારા સાથે શરૂઆત બાદ શેર બજાર ગબડ્યું હતું. સવારે 9.55 વાગ્યે સેન્સેક્સ 34.89 પોઈન્ટ (0.04%)ના ઘટાડા સાથે 84644.97 પર અને નિફ્ટી 6.65 પોઈન્ટ (0.03%)ના વધારા સાથે 25853.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં સતત નબળા વલણોને કારણે ગઈ કાલે મંગળવારે સેન્સેક્સ 534 પોઈન્ટ(0.63%)ના ઘટાડા સાથે 84,679.86 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 167 પોઈન્ટ(0.64%)ના ઘટાડા સાથે 25,860.10 પર બંધ થયો.
આંતરરાષ્ટ્રીય શેરબજારોમાં મિશ્ર વલણ:
ગઈ કાલે મંગળવારે યુએસ શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. S&P 500 0.24% ઘટાડા સાથે 6,800.26 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ 302.30 પોઈન્ટ (0.62%)ના ઘટાડા સાથે 48,114.26 પર બંધ થયો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ 0.23%ના વધારા સાથે 23,111.46 પર બંધ થયો.
બુધવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં પણ મિશ્ર વલણો જોવા મળ્યા હતાં. જાપાનના નિક્કીમાં સામાન્ય ઘટાડો નોંધાયો. નિફ્ટી ફ્યુચર્સમાં 0.08% નો વધારો નોંધાયો.
બ્રેન્ટ ક્રૂડ પાંચ વર્ષના નીચલા સ્તરે:
રશિયા અને યુક્રેન શાંતિ કરારની વધતી શક્યતાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પાંચ વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ $59થી ઓછો થઇ ગયો છે.
આપણ વાંચો: સંકટમાં ઘેરાયેલી Viને સરકાર આપી શકે છે મોટી રાહત! શેર આટલા ટકા ઉછાળ્યા



