ભારતીય શેરબજારમા હાહાકાર, માર્કેટ કેપમા 19.45 લાખ કરોડનું ધોવાણ…

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વના શેરબજારોમાં અફડા તફડી સર્જાઈ છે. જેમાં વોલ સ્ટ્રીટ કકડભૂસ થયા બાદ તેની અસર ભારતીય શેરબજાર પર પડી છે. જેમાં સપ્તાહના પ્રથમ દિવસે જ બ્લેક મન્ડે જોવા મળ્યો.સેન્સેક્સ 3914.75ના વિક્રમી ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, તેની બાદ થોડો સુધારો જોવા મળ્યો હતો.
માર્કેટ કેપ ઘટીને 3,83,95,173 કરોડ રૂપિયા થયુ
આ ઘટાડાના કારણે રોકાણકારોમા નિરાશા જોવા મળી હતી. જેમાં બજારમાં વેચવાલીથી રોકાણકારોને 19.45 લાખ કરોડ રૂપિયાનુ ધોવાણ થયું છે. શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,03,41,043 કરોડ રૂપિયા હતું. જે હવે ઘટીને 3,83,95,173 કરોડ રૂપિયા થઈ ગયું છે.
સેન્સેક્સના 30 શેરોમાં મોટો ઘટાડો
બજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. જેમા સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 30 શેર ભારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 7 ટકા ના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. ટાટા મોટર્સ 9 ટકા ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
આ પણ વાંચો: યુએસ ટેરિફ વોરના દબાણથી શેરબજારમા બ્લેક મંડે , સેન્સેક્સ અને નિફ્ટીમાં કોરોના બાદનો મોટો ઘટાડો
માર્કેટ કેપમાં 5 ટ્રિલિયન ડોલરથી વધુનો ઘટાડો
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી ત્યારથી, યુરોપ, એશિયા તેમજ અમેરિકાના બજારોના સૂચકાંકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો કોવિડ પછીનો સૌથી મોટો ઘટાડો છે. જ્યારે ચીને ગયા શુક્રવારે અમેરિકન ટેરિફના જવાબમાં અમેરિકા પર ટેરિફ લગાવ્યો ત્યારે વોલ સ્ટ્રીટમા કડાકો થયો અને માર્કેટ કેપમાં 5 ટ્રિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો છે. ચીની ટેરિફ પછી અમેરિકન બજાર ઇન્ડેક્સ ડાઉ જોન્સ 2,200 પોઈન્ટથી વધુ ઘટ્યો છે. નાસ્ડેક કમ્પોઝિટ પણ 900 પોઈન્ટથી વધુ ઘટ્યો. ટ્રેડિંગ દિવસ પછી S&P 500 પણ 5.97 ટકા ઘટીને બંધ થયો. આ સાથે અમેરિકન અબજોપતિઓની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે.