શેર બજાર

આજે શેરબજાર ક્રેશ: સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો, જાણો બજાર તુટવાના મુખ્ય કારણો

મુંબઈ: આજે શુક્રવારે ભારતીય શેર બજાર મોટા કડાકા સાથે (Indian stock market opening) ખુલ્યું. આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જનો સેન્સેક્સ (BSE SENSEX) 1264.18 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 80,427.81 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો નિફ્ટી-50 (NSE NIFTY) ઈન્ડેક્સ પણ 415.20 પોઈન્ટના ઘટાડા સાથે 24,473 પોઈન્ટ પર ખુલ્યો.

ગત મોડી રાત્રે ઈઝરાયેલે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી હતી, ઈરાને પણ વળતા હુમલાની ચેતવણી આપી છે. જેને કારણે મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે, જેની સીધી અસર વિશ્વભરના બજારો પર પડી રહી છે. શુક્રવારે શરૂઆતના કારોબારમાં ભારતીય શેરબજાર પણ તૂટ્યું.

સેન્સેક્સના તમામ શેર નુકશાનમાં:

આજે શુક્રવારે સેન્સેક્સની તમામ 30 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલ ખુલ્યા હતાં, જ્યારે, નિફ્ટી50 ની 50 કંપનીઓમાંથી માત્ર 1 કંપનીનો શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યો બાકીની તમામ 49 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, લાર્સન એન્ડ ટર્બોના શેર સૌથી વધુ 2.77 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા:

ઈરાન પર ઈઝરાયલના હુમલા પછી, આજે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ 11 ટકાથી વધુ ઉછળીને પ્રતિ બેરલ 76 ડોલરથી ઉપર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી સમગ્ર વિશ્વના વેપાર પર સીધી અસર પડી રહી છે.

ગઈ કાલે ગુરુવારે પણ બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. ગઈકાલે સેન્સેક્સ 823.16 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો અને નિફ્ટી 253.20 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button