શેરબજારમાં જોરદાર તેજી: માર્કેટ રૂ. ૭.૧૦ લાખ કરોડની જમ્પ
નિલેશ વાઘેલા
મુંબઈ: પાંચ પાંચ સત્રની પછડાટ અને બજેટમાં સાંપડેલી આધાતજનક નિરાશાને ખંખેરીને વિશ્ર્વબજારની નરમાઇને અવગણતાં રોકાણકારોએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાની હેઠળ શરૂ કરેલી સાર્વત્રિક લેવાલીના માહોલમાં સેન્સેક્સ લગભગ ૧,૩૦૦ પોઈન્ટ વધીને બંધ થયો છે, જ્યારે નિફ્ટી બેન્ચમાર્ક શુક્રવારે રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો હતો.
આ રીતે સેન્સેક્સે પાછલા પાંચ દિવસની ખોટ એક જ સત્રમાં સરભર કરી લીધી છે. પાછલાં પાંચ દિવસમાં, બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૧,૩૦૩.૬૬ પોઈન્ટ અથવા ૧.૬૦ ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૯૪.૭૫ પોઈન્ટ અથવા ૧.૫૯ ટકા ઘટ્યો હતો.
એ જ સાથે, બીએસઇ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપિટલ રૂ. ૭.૧૬ લાખ કરોડ વધીને રૂ. ૪૫૬.૯૮ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. બજારના સાધનો અનુસાર રોકાણકારોએ બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સ વધારાના ઝાટકાને ખંખેરીને લેવાલી શરૂ કરી હોવાથી તેજીને જોમ મળ્યું હતું.
આ પણ વાંચો: શૅરબજારમાં સતત પાંચમા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સે ૮૦,૦૦૦ની સપાટી માંડ ટકાવી
પાછલા પાંચ સત્રમાં નિરસ હવામાન બાદ સુધરેલા સેન્ટિમેન્ટમાં સાર્વત્રિક જોરદાર લેવાલી રહેતા બીએસઇમાં લિસ્ટેડ શેરોનુ કુલ બજાર મૂલ્ય રૂ. ૭,૧૦,૨૩૫.૪૫ કરોડના વધારા સાથે રૂ. ૪,૫૬,૯૨,૬૭૧.૩૩ કરોડ અથવા તો ૫.૪૬ ટ્રિલિયન ડોલરની વિક્રમી સપાટીએ પહોચ્યું હતું.
સેન્સેક્સ ૧,૨૯૨.૯૨ પોઈન્ટ અથવા ૧.૬૨ ટકાના ઉછાળા સાથે ૮૧,૩૩૨.૭૨ પોઇન્ટ પર સેટલ થયો હતો. જ્યારે નિફ્ટી ૪૨૮.૭૫ પોઈન્ટ અથવા ૧.૭૬ ટકા વધીને ૨૪,૮૩૪.૮૫ની નવી સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો.
સેન્સેક્સના ત્રીસ શેરમાંથી એકમાત્ર નેસ્લે સિવાય સેન્સેક્સના તમામ શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
પાછલા સત્રમાં ગુરુવારે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં તીવ્ર ઘટાડા પછી, બેન્ચમાર્ક ૧૦૯.૦૮ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકાના ઘટાડા સાથે ૮૦,૦૩૯.૮૦ પર સેટલ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા ઘટીને ૨૪,૪૦૬.૧૦ પર સ્થિર થયો હતોે.