સુરત કોર્પોરેશનના ગ્રીન બોન્ડનું આજે NSEમાં લિસ્ટિંગ, મુખ્યમંત્રી હાજરી આપશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં એક ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) દ્વારા જાહેર કરાયેલા ગુજરાતના પ્રથમ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું લિસ્ટિંગ થશે. આ ઘટના પર્યાવરણીય ટકાઉપણાની દિશામાં રાજ્યના પ્રયાસોને રેખાંકિત કરે છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય સાથે સુસંગત છે.
આ કાર્યક્રમ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) એટ્રિયમ ખાતે બપોરે 12:15 વાગ્યે યોજાશે. 200 કરોડ રૂપિયાના આ ગ્રીન બોન્ડની સબસ્ક્રિપ્શન તારીખ 6થી 9 ઓક્ટબર સુધી ખુલ્યા હતા. જેનું આઠ ગણું ઓવરસબસ્ક્રાઇબ થયું હતી, એમ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું. આ બોન્ડની સફળતા રોકાણકારોના વિશ્વાસ અને ગુજરાતની નાણાકીય પહેલને દર્શાવે છે.
ગ્રીન બોન્ડનો ઉપયોગ
આ બોન્ડમાંથી મળેલી રકમનો ઉપયોગ સુરતમાં પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે. આમાં સોલર અને વિન્ડ પાવર પ્લાન્ટ, ઘન કચરો અને પાણી પુરવઠાની યોજનાઓ તેમજ જાહેર ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ શહેરી વિકાસને ટકાઉ બનાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે મહત્વના છે.
ગ્રીન બોન્ડ શું છે?
ગ્રીન બોન્ડ એ નાણાકીય સાધનો છે, જેનો ઉપયોગ ફક્ત પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ જેવા કે સ્વચ્છ ઊર્જા, ટકાઉ પરિવહન અને જળ વ્યવસ્થાપન માટે થાય છે. આ બોન્ડનું માળખું સામાન્ય બોન્ડની જેમ હોય છે, પરંતુ તેની રકમનો ઉપયોગ પર્યાવરણીય લાભ આપતા પ્રોજેક્ટ્સ માટે થાય છે. આ બોન્ડ સરકારો, કોર્પોરેશનો કે આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા જારી કરી શકાય છે.
આ લિસ્ટિંગ સમારોહમાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને નીતિ ઘડવૈયાઓની હાજરી રહેશે, જે ગુજરાતની ટકાઉ શહેરી નાણાકીય પહેલ અને ગ્રીન ડેવલપમેન્ટમાં આગેવાનીને ઉજાગર કરશે. આ પગલુ ભારતના નેટ-ઝીરો લક્ષ્યને હાંસલ કરવા માટે એક મહત્વનું પગલું છે, જે ગુજરાતના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.
આ પણ વાંચો…સુરત કોર્પોરેશનની નવતર પહેલ, 200 કરોડના ગ્રીન બોન્ડ આઇપીઓ માટે મેળવ્યું કલાઈમેટ બોન્ડ સર્ટિફિકેટ