સ્પોર્ટસ

Happy Birthday Yuvraj Singh: લોહીની ઉલટી થતી હોવા છતાં ભારતને વર્લ્ડ કપ અપાવ્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે 42 વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ ચંદીગઢમાં થયો હતો. નંબર 4 પર બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડ્યા છે. ભારતીય ટીમને 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપનો જીતાડવામાં તેણે મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. યુવરાજ સિંહની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.

યુવરાજ સિંહ મેદાન પર તેની આક્રમક બેટિંગ અને સ્વભાવ માટે જાણીતા છે. સિક્સર કિંગ તરીકે ઓળખાતા યુવરાજે પોતાના દમ પર ભારતીય ટીમને ઘણી મેચો જીતાડી છે. 2007ની T20 વર્લ્ડ કપ દરમિયાન, યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામેની મેચમાં ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા ફટકારીને તરખાટ મચાવી દીધો હતો.
યુવરાજ સિંહને ODI વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજે 362 રન બનાવ્યા હતા અને 15 વિકેટ પણ ઝડપી હતી. પરંતુ આ વર્લ્ડ કપ યુવરાજ માટે ખૂબ જ પીડાદાયક રહ્યો હતો. તેણે ટીમને ચેમ્પિયન ચોક્કસ બનાવી હતી, પરંતુ તેની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. કેન્સરને કારણે લોહીની ઉલટી થતી હોવા છતાં તે મેદાન પર ઉતાર્યો હતો અને શાનદાર પ્રદર્શન કરીને ભારતને ખિતાબ અપાવ્યો હતો.


2011 વર્લ્ડ કપ દરમિયાન જ યુવરાજને કેન્સરના લક્ષણો દેખાવા લાગ્યા હતા, પરંતુ તે પોતાની બીમારીનો અણસાર પણ ના આવે એ રીતે ટૂર્નામેન્ટમાં રમતો રહ્યો. ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુવરાજના મોઢામાંથી લોહી નીકળ્યું હતું. યુવરાજને કેન્સર હોવાની એ સમયે કોઈને ખબર પણ નહોતી. મોંમાંથી લોહી નીકળવા છતાં યુવીએ આ ક્વાર્ટર ફાઈનલ મેચમાં 65 બોલમાં 57 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. 44 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. આ કારણે યુવીને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.


કેન્સર હોવાની જાણ થયા બાદ યુવરાજને સારવાર માટે અમેરિકાના બોસ્ટન જવું પડ્યું હતું. એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલી કેન્સર સામેની લડાઈમાં આખરે યુવરાજે જીત મેળવી હતી. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું હતું કે યુવરાજ કદાચ ક્યારેય ક્રિકેટના મેદાનમાં પરત ફરી શકશે નહીં. પરંતુ યુવરાજ સિંહે હાર ન માની અને કેન્સરને હરાવીને 2014 T20 વર્લ્ડ કપમાં ફરી મેદાન પર આવ્યો. આ પછી યુવીએ જૂન 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.

યુવરાજ સિંહે કારકિર્દી દરમિયાન 304 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેણે 8701 રન બનાવ્યા હતા. વન ડે ઈન્ટરનેશનલમાં તેના નામે કુલ 14 સદી અને 52 અડધી સદી નોંધાયેલી છે. યુવરાજે 40 ટેસ્ટ મેચોમાં કુલ 1900 રન બનાવ્યા જેમાં 3 સદી અને 11 અડધી સદી સામેલ છે.

યુવરાજ સિંહે 58 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા છે, જેમાં તેણે 1177 રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર યુવરાજે ટેસ્ટમાં 9, ODIમાં 111 અને T20 ઈન્ટરનેશનલમાં 28 વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…