WWEમાં ત્રિપલ એચને પછાડનાર રોન્ડા રાઉસી રિંગ પર પાછી ફરશે? જાણો નવી સ્પષ્ટતા

કેલિફોર્નિયા: WWE (World Wrestling Entertainment)ના ચાહકો રોન્ડા રાઉસીથી અજાણ નહીં હોય. રોન્ડા રાઉસીએ અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપમાં પોતાનો એક અલગ રેકોર્ડ બનાવ્યો છે. WWEમાં ત્રણ વાર વર્લ્ડ વિમેન ચેમ્પિયન બની ચૂક્યા છે. WWEમાં તો રોન્ડા રાઉસી ત્રિપલ એચને પણ ધૂળ ચટાડી હતી. જોકે, ઓક્ટોબર 2023માં રોન્ડા રાઉસીએ WWEમાંથી વિદાય લઈ લીધી હતી. પરંતુ, રોન્ડા રાઉસી હવે ફરી રિંગ પર પાછા ફરશે એવી અટકળો વહેતી થઈ છે.
રોન્ડા રાઉસીએ ટ્રેનિંગના વીડિયો પોસ્ટ કર્યા
રોન્ડા રાઉસી છેલ્લે 30 ડિસેમ્બર 2016ના રોજ UFC 207માં અમાન્ડા નુનેસ સામે લડી હતી, જેમાં તેને હાર મળી હતી. ત્યાર બાદ મગજની ઈજાના કારણે તેણે મિક્સ માર્શલ આર્ટ્સ (MMA)થી દૂરી બનાવી લીધી હતી. જોકે, 2025ની શરૂઆતથી તેણે તાલીમના વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે તેની વાપસીની અટકળો તેજ બની છે.

પ્રખ્યાત MMA કોમેન્ટેટર ચેલ સોનેને તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું છે કે, “મેં રાઉસી સાથે વાત કરી છે. રાઉસી ફક્ત કાયલા હેરિસન સામે લડવા માટે જ પરત ફરવા માંગે છે. આ વાત માત્ર અફવા નથી, પરંતુ રાઉસીએ પોતે આ વાત કહી છે અને તેના નજીકના લોકોએ પણ તેની પુષ્ટિ કરી છે.”
હું બધુ યાદ કરું છું: રોન્ડા રાઉસી
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2025માં, રાઉસીએ તેના જૂના પ્રતિસ્પર્ધી કેટ ઝિંગાનો સાથે તાલીમ લેતા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું, “કેટ ઝિંગાનો સાથે થોડી વોલ ડ્રીલ… ભગવાન, હું આ બધું બહુ યાદ કરું છું.” જોકે, તાલીમ હોવા છતાં, રાઉસીએ કહ્યું છે કે મગજની ઈજાના જોખમને કારણે તે ન્યુરોલોજિકલ રીતે લડવા માટે યોગ્ય નથી. આમ છતાં, તેની વાપસીની શક્યતાઓ હજુ પણ કાયમ છે.
આ પણ વાંચો…BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોટા ફેરફાર જોવા મળશે, આ પદો ખાલી પડ્યા