WTC Final: 113 વર્ષ પછી લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર, કોણ રચાશે ઈતિહાસ?

લંડન: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સાઈકલની ફાઈનલ મેચ (WTC 2025 Final) આજે બુધવારથી લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ (Lords cricket stadium) ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે (AUS vs SA) રમાશે. આ મેચ ઘણી રીતે ઐતિહાસિક રહેવાની છે. આ બંને ટીમો 113 વર્ષ બાદ લોર્ડ્સ ખાતે એકબીજા સામે ટેસ્ટ મેચ રમશે.
ગત વર્ષે ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ WTC ટાઈટલ જીત્યું હતું. ઓસ્ટ્રેલીયા WTC ટાઇટલ ડિફેન્ડ કરનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે. પેટ કમિન્સ ટાઇટલ ડિફેન્ડ કરનાર અને સતત બીજી ફાઇનલ રમનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બનશે. જો ઓસ્ટ્રેલિયા WTC ટાઈટલ ડિફેન્ડ કરી શકાશે, તો પેટ કમિન્સ કેપ્ટન તરીકે ત્રીજી વખત ICC ટ્રોફી જીતશે. 2023 માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ODI વર્લ્ડ કપ જીત્યો પણ હતો.
113 વર્ષ પહેલા રમાઈ હતી ટુર્નામેન્ટ:
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કુલ 101 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી બે ટેસ્ટ 113 વર્ષ પહેલાં 1912માં ઇંગ્લેન્ડમાં રમાઈ હતી. એ સમયે ટેસ્ટ મેચ રમતા દેશો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે WTC જેવી જ એક ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ પહેલી એવી ટેસ્ટ ટુર્નામેન્ટ હતી, જેમાં બેથી વધુ ટીમોએ ભાગ લીધો હોય. 1998માં એશિયન ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાઈ એ પહેલા એ આ પ્રકારની એકમાત્ર ઇવેન્ટ રહી.
મે અને ઓગસ્ટ 1912 દરમિયાન રમાયેલી નવ મેચની આ ટુર્નામેન્ટમાં દરેક ટીમે ત્રણ વખત એકબીજા સામે મેચ રમી હતી. ટુર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લોર્ડ્સમાં ત્રણ દિવસીય મેચ રમાઈ હતી.
ટોસ જીત્યા પછી, દક્ષિણ આફ્રિકા પ્રથમ દિવસે 263 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 390 રન બનાવ્યા હતા. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગમાં 173 રન જ બનાવી શકી હતી, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવી હતી.
આપણ વાંચો: મોહમ્મદ શમીએ ફાર્મ હાઉસમાં આ શું કર્યું? ચાહકોને વિચારતા કરી દીધા…
ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઇંગ્લેન્ડના ટ્રેન્ટ બ્રિજ ખાતે મેચ રમાઈ હતી, આ ટેસ્ટ ડ્રો રહી હતી. યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંનેને હરાવીને ટુર્નામેન્ટ લીડરબોર્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
દર્શકોને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે એક રોમાચંક ટેસ્ટ મેચની અપેક્ષા છે. વર્ષ 2018માં આ બંને ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં સેન્ડપેપર ગેટ (Sandpapaer gate) જેવા વિવાદો પણ થયા હતાં. દક્ષિણ આફ્રિકા WTC ફાઇનલ રમનારી ચોથી ટીમ હશે. ન્યુઝીલેન્ડે 2021 માં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. સતત 2 WTC ફાઇનલ રમનારો વિશ્વનો પ્રથમ દેશ ભારત છે, ઓસ્ટ્રેલિયા હવે આવી બીજી ટીમ બનશે.