વર્લ્ડ નંબર-વન કાર્લસન ચેસની ગેમમાં એકસાથે 1,43,000 હરીફો સામે લડ્યો અને છેવટે…

બર્લિન (જર્મની): નોર્વેનો વર્લ્ડ નંબર-વન ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસન (Magnus Carlsen) ઑનલાઇન ચેસની એક ગેમમાં એકસાથે 1,43,000 ખેલાડીઓ સામે એકલા હાથે લડ્યો અને છેવટે એ દોઢ લાખ જેટલા હરીફોએ તેને ગેમ ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડી હતી.
કાર્લસન વિરુદ્ધ 1,43,000 ખેલાડીઓની આ ગેમ સાથે નવો વિશ્વવિક્રમ રચાયો છે. 1999માં ગૅરી કાસ્પારોવ માઇક્રોસૉફ્ટ નેટવર્ક પર એકસાથે 50,000 હરીફો સામે રમ્યા હતા અને ચાર મહિનાને અંતે કાસ્પારોવ એ મુકાબલો જીતી ગયા હતા. ગયા વર્ષે ભારતનો વિશ્વનાથન આનંદ ઑનલાઇન ઍપ પર એકસાથે 70,000 ખેલાડીઓ સામે ગેમ રમ્યો હતો અને જીતી ગયો હતો. આ વખતે કાર્લસન 1,43,000 ખેલાડીઓ સામે માંડ-માંડ ડ્રૉ (Draw) કરાવવામાં સફળ થયો હતો. બીજી રીતે કહીએ તો કાર્લસન હારતાં બચી ગયો હતો.
ગ્રેન્ડમાસ્ટર કાર્લસન અને 1,43,000 હરીફો વચ્ચેની આ મૅચ મૅગ્નસ કાર્લસન વિરુદ્ધ ધ વર્લ્ડ' તરીકે ઓળખાતી હતી. Chess.com પરની એ ગેમ ચોથી એપ્રિલે શરૂ થઈ હતી. Chess.com વિશ્વની સૌથી મોટી ચેસ વેબસાઇટ છે અને એના પર વર્લ્ડ ચૅમ્પિયન વિરુદ્ધ આ સૌપ્રથમ ઑનલાઇન ફ્રીસ્ટાઇલ ગેમ હતી. આ ઍપ પર તો એવી આગાહી કરવામાં આવી હતી કે કાર્લસન મોટા તફાવતથી આ ગેમ જીતી જશે, પરંતુ ટીમ વર્લ્ડ તરફથી કાર્લસનના કિંગને ત્રીજી વાર ચેકમેટ કરવામાં આવ્યો એને પગલે ગેમને ડ્રૉ જાહેર કરવામાં આવી હતી. કાર્લસન સફેદ મ્હોરાથી અને 1,43,000 હરીફો કાળા મ્હોરાથી રમ્યા હતા. ગેમને ડ્રૉ જાહેર કરવામાં આવી ત્યાર બાદ એક નેટ યુઝરે Chess.com વેબસાઇટ પર લખ્યું હતું,
ગેમને ડ્રૉમાં ન જવા દો. કાર્લસન સામે રમતા રહો. તેને હરાવવાની તક વારંવાર નથી મળતી.’
આ પણ વાંચો…ચેસના વર્લ્ડ ચૅમ્પિયન પ્રણવે ધોનીનું કર્યું અનુકરણ, માથે મુંડન કરાવ્યું…