વિમેન્સ પ્રીમિયર લીગઃ દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને નવ વિકેટે હરાવ્યું
બેંગલુરુઃ દિલ્હી કેપિટલ્સે સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં તેમની પ્રથમ જીત હાંસલ કરી હતી. તેઓએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીને આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઓપનિંગ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ યુપી વોરિયર્સને છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હરાવ્યું હતું. આ રીતે તેને સીઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યુપીની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 119 રન કર્યા હતા. જવાબમાં દિલ્હીએ 14.3 ઓવરમાં એક વિકેટે 123 રન કરીને મેચ જીતી લીધી હતી. દિલ્હી તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ અણનમ 64 રન કર્યા હતા. તેણે 43 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન મેગ લેનિંગે 43 બોલમાં 51 રન ફટકાર્યા હતા. શેફાલી અને લેનિંગે પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. ટીમને એક રનની જરૂર હતી ત્યારે કેપ્ટન લેનિંગ આઉટ થઇ હતી.
આ પહેલા યુપી તરફથી શ્વેતા સેહરાવતે સૌથી વધુ 45 રન કર્યા હતા. કેપ્ટન એલિસા હેલીએ 13 રનનું યોગદાન આપ્યું હતુ. કિરામ નવગીરે અને પૂનમ ખેમનરે 10-10 રન કર્યા હતા. સોફી એક્લેસ્ટોને છ રન અને દીપ્તિ શર્માએ પાંચ રન કર્યા હતા. તાહિલા મેકગ્રા માત્ર એક રન બનાવી શકી હતી. ઓપનર વૃંદા દિનેશ ખાતું ખોલાવી શકી ન હતી.
દિલ્હી કેપિટલ્સ તરફથી રાધા યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મેરિજન કેપે ત્રણ વિકેટ લીધી હતી. એનાબેલ સધરલેન્ડ અને અરુંધતી રેડ્ડીને એક-એક સફળતા મળી હતી. જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.