સ્પોર્ટસ

મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2023:ભારતે ગોલ્ડ મેડલ જીત્યો, ફાઈનલમાં જાપાનને હરાવ્યું

નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. ચીને કોરિયાને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શનિવારે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સની દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય ટીમે હાફ ટાઈમના અંતે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે આ ગોલ સંગીતા કુમારીએ 17મી મિનિટે ફિલ્ડ ગોલના રૂપમાં કર્યો હતો. ભારતીય ટીમે બીજા હાફમાં પણ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને વધુ ત્રણ ગોલ કર્યા હતાં. ટીમનો બીજો ગોલ નેહાએ 46મી મિનિટે, ત્રીજો ગોલ લાલરેમસિયામીએ 57મી મિનિટે અને ચોથો અને છેલ્લો ગોલ 60મી મિનિટે વંદના કટારિયાએ કર્યો હતો.

રવિવારે રાંચીના મરાંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ હતી. જીત બાદ હોકી ઈન્ડિયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી કે દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1.5 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં સાત મેચમાં ભારતની આ સતત સાતમી જીત હતી. ભારતીય ટીમ માટે સંગીત કુમારીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છ ગોલ કર્યા હતા જ્યારે ચીનની જિયાકી ઝોંગ સાત ગોલ સાથે ટોપ સ્કોરર રહી હતી.

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ કહ્યું હતું કે અમને ખુબ જ આનંદ છે. જાપાન ખૂબ જ સારું રમ્યું… હાફ ટાઈમમાં અમે માત્ર એક જ વાત કરી હતી કે અમારે આક્રમક રીતે રમવું પડશે.

ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેન્નેકે શોપમેને જણાવ્યું હતું કે અમને ફાઇનલમાં 4-0થી જીતની આશા ન હતી. અમે ખૂબ જ ખુશ છીએ. મેચ જોવા આવેલા ચાહકોએ ટીમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. અમને ઘણી મદદ કરી.

રાઉન્ડ રોબિન લીગ સ્ટેજના આધારે રમાયેલી આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. યજમાન ભારત ઉપરાંત ચીન, જાપાન, કોરિયા, મલેશિયા અને થાઈલેન્ડની ટીમ સામેલ હતી. ભારતીય મહિલા ટીમે આ પહેલા 2016માં આ ખિતાબ જીત્યો હતો, જ્યારે 2013 અને 2018માં સિલ્વર મેડલ જીત્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button