ભારત રવિવારે મહિલાઓની ટી-20 એશિયા કપનું આઠમું ટાઇટલ જીતવા ફેવરિટ

બપોરે 3.00 વાગ્યે મુકાબલો શરૂ: શ્રીલંકાની ટીમ પણ ભારતની જેમ અપરાજિત રહી છે
દામ્બુલા: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે રવિવાર, 28મી જુલાઈએ અહીં ટી-20 એશિયા કપની ફાઇનલ (બપોરે 3.00 વાગ્યાથી) રમાશે.
આઠમાંથી સાત વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી ચૂકેલું ભારત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી આ ફાઇનલ જંગ જીતવા માટે ફેવરિટ છે.
ભારતે આ વખતના એશિયા કપમાં પહેલા પાકિસ્તાનને સાત વિકેટે, યુએઇને 78 રનથી, નેપાળને 82 રનથી અને બંગલાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. એ જોતાં આ ટૂર્નામેન્ટમાં ભારતનું સંપૂર્ણ પ્રભુત્વ રહ્યું છે.
આ પણ વાંચો: ભારતીય મહિલાઓ બંગલાદેશને કચડીને પહોંચી ગઈ એશિયા કપની ફાઇનલમાં
દરેક જીતમાં ભારતની ટૉપ-ઑર્ડર બૅટિંગ અને બોલિંગની કમાલ જોવા મળી હતી. મિડલ-ઑર્ડર બૅટિંગ પણ ભારતીય ટીમને ઉપયોગી બની છે.
ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 100-પ્લસ રન 140.00-પ્લસના સ્ટ્રાઇક-રેટ સાથે બનાવ્યા છે. કૅપ્ટન હરમનપ્રીતે માત્ર બે મૅચમાં બૅટિંગ કરવી પડી છે અને તેણે કુલ 66 રન ખડકી દીધા છે.
સ્પિનર દીપ્તિ શર્મા નવ વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં મોખરે અને પેસ બોલર રેણુકા સિંહ સાત વિકેટ સાથે ત્રીજા નંબરે છે.
ભારતની જેમ શ્રીલંકાની મહિલા ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે. એની કૅપ્ટન ચમારી અથાપથુ 243 રન સાથે તમામ બૅટર્સમાં મોખરે છે. એ જોતાં ભારતીય બોલર્સે તેને કાબૂમાં રાખવી પડશે.
શ્રીલંકાની સ્પિનર કવિશા દિલહારી આ સ્પર્ધામાં સાત વિકેટ લઈ ચૂકી છે.