સ્પોર્ટસ

વર્લ્ડ કપની મૅચો હાઈ-સ્કોરિંગ નહીં થાય, એવું ડેવિડ મિલર શા માટે કહે છે?

નવી દિલ્હી: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઇપીએલના ઇતિહાસનો 277 રનનો સર્વોચ્ચ ટીમ-સ્કોર નોંધાવ્યો અને પછી ગણતરીના દિવસો બાદ પોતાનો જ એ રેકૉર્ડ તોડીને 287 રનના ટીમ-સ્કોરને રેકૉર્ડ-બુકમાં લાવી દીધો. આઇપીએલની સત્તરમી સીઝનમાં 17 વાર 200નો ટીમ-સ્કોર જોવા મળ્યો છે. આ ઉપરાંત બીજા ઘણા વિક્રમો પણ રચાયા છે. આ જોતાં ઘણાને થતું હશે કે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ ઊંચા સ્કોરવાળી ઘણી મૅચો જોવા મળશે.

જોકે સાઉથ આફ્રિકા અને ગુજરાત ટાઇટન્સના મિડલ-ઑર્ડર બૅટર ડેવિડ મિલરનું માનવું જૂદું જ છે. તે કહે છે, ‘આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ ઘણી હાઇ-સ્કોરિંગ મૅચો જોવા મળશે એ કહેવું મુશ્કેલ છે, કારણકે ત્યાંના સ્થળે પિચ અને અન્ય પરિસ્થિતિ સાવ અલગ હશે. ભારતીય પિચોની તુલનામાં વેસ્ટ ઇન્ડિઝની પિચ સ્લો હશે એટલે એના પર રનમશીન ધીમા રહી શકે.’

આપણ વાંચો: IPL-2024માં હાર્દિક પંડ્યાને લઈને આવી આ મહત્ત્વની અપડેટ…

ટી-20 વર્લ્ડ કપ બીજી જૂને શરૂ થશે અને 29મી જૂને ફાઇનલ રમાશે.

મિલરનું એવું પણ કહેવું છે કે ‘અમને હરીફના 200-પ્લસના સ્કોર વિશે કોઈ જ ચિંતા નથી. અમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમ્યા છીએ અને એને હરાવ્યું પણ છે. અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં અલગ મેદાન પર અલગ સ્થિતિ હશે. અમે આઠમાંથી ચાર મૅચ જીત્યા છીએ એટલે અમે તો હજી આ સીઝનમાં ટકી રહ્યા જ છીએ.’

ગુજરાત ટાઇટન્સની ટીમ આઠમાંથી ચાર મૅચ જીતી છે અને ચાર પૉઇન્ટ ધરાવે છે. આ ટીમ છઠ્ઠા નંબર પર છે અને પ્લે-ઑફમાં એના પ્રવેશ માટેની સંભાવના ઓછી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button