PV Sindhu : સિંધુએ ફાઇનલમાં હાર્યા પછી કઈ હકારાત્મક વાત કરીને ચાહકોની નિરાશા ઘટાડી?
ક્વાલા લમ્પુર: ભારતની સ્ટાર બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુનો રવિવારે અહીં મલેશિયા માસ્ટર્સ (Malaysia Masters)ની ફાઇનલમાં પરાજય થતાં તે બે વર્ષથી કોઈ ટાઇટલ નથી જીતી શકી એ વિલંબ વધુ લંબાયો હતો. હાલમાં વિશ્ર્વમાં 15મી રૅન્ક ધરાવતી સિંધુએ નિર્ણાયક મુકાબલામાં ચીનની વર્લ્ડ નંબર-સેવન વૉન્ગ ઝી યીને જોરદાર લડત આપી હતી અને 79 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં છેવટે સિંધુનો 21-16, 5-21, 16-21થી પરાભવ થયો હતો.
જોકે સિંધુએ હારી ગયા પછી કહ્યું, ‘હું પ્રથમ ગેમ જીત્યા પછી આખી મૅચ જીતી શકી હોત, પણ ચીનની હરીફે સારું કમબૅક કર્યું હતું. જોકે હું આ પરાજયમાંથી ઘણું નવું શીખી છું અને મારો આત્મવિશ્ર્વાસ પણ ખૂબ વધી ગયો છે. આ બધુ મને હવે પછીના મુકાબલાઓમાં કામ લાગશે.’
આ પણ વાંચો: ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતાને આટલા લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળશે
સિંધુનો ઇશારો આગામી જુલાઈ-ઑગસ્ટમાં પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ પર હતો. સિંધુના મતે તેે રવિવારની ફાઇનલમાં કરેલી ભૂલો સુધારી લેશે જેનાથી ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાનું તેના માટે આસાન બનશે.
અહીં ખાસ જણાવવાનું કે સિંધુ પાછલી બે ઑલિમ્પિક્સમાં અનુક્રમે સિલ્વર મેડલ અને બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
સિંધુએ ક્વૉર્ટર ફાઇનલમાં ટૂર્નામેન્ટની ટૉપ-સીડેડ ચીનની હાન યુઇને 21-13, 14-21, 21-12થી હરાવી હતી. સેમિ ફાઇનલમાં સિંધુનો થાઇલૅન્ડની બુસેનન ઑન્ગબામરુ-ગફાન સામે 13-21, 21-16, 21-12થી વિજય થયો હતો.
સિંધુનો ફાઇનલની હરીફ વૉન્ગ સામે 2-1નો જીત-હારનો રેશિયો હતો, પરંતુ હવે તેની સામે હારી જતાં બન્ને હવે 2-2ની બરાબરીમાં છે.