
યશવંત ચાડ
ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડમાં હોય કે ઑસ્ટ્રેલિયામાં, વેસ્ટ ઇન્ડિઝમાં હોય કે અમેરિકામાં કે પછી દુબઈ, શારજાહ કે અબુ ધાબીમાં. હાલના હેડ-કોચ ગૌતમ ગંભીરના સાથોસાથ અત્રસત્રતત્ર અને સર્વત્ર કોઈ હોય તો એ છે ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકર. તેઓ જ્યારે ક્રિકેટ રમતા ત્યારે તેમણે જેટલા પ્રવાસ નહીં ખેડ્યા હોય એટલા મુખ્ય પસંદગીકાર તરીકે ખેડ્યા છે.
જોકે વાત એમ છે કે તેમણે ઘરઆંગણે રમાતી રણજી ટ્રોફી તથા દુલીપ ટ્રોફી સહિતની ડોમેસ્ટિક સ્પર્ધાઓની મૅચોમાં ખેલાડીઓના પર્ફોર્મન્સનો અભ્યાસ કરવો જરૂરી છે. પસંદગીકારોએ એક વખત ટીમનું સિલેક્શન કરી લીધું એ પછી ટીમની જવાબદારી ક્રિકેટ-કોચ, મૅનેજર અને સુકાની પર હોય છે. જોકે ચીફ સિલેક્ટરને આટલા બધા પ્રવાસ ખેડવા મંજૂરી મળે છે એ કેટલું ઉચિત છે?
ઘરઆંગણે રમાતી મૅચો દરમ્યાન એક વખત 15 ખેલાડી નક્કી થઈ ગયા બાદ ટીમના કૅપ્ટન તથા કોચના મંતવ્ય લીધા પછી ફાઇનલ ટીમ નક્કી કરવામાં કૅપ્ટન અને કોચ અને એમાં પણ ખાસ કરીને કૅપ્ટનના મંતવ્યનું વજૂદ વધારે હોય છે. હા, પસંદગીકારો ઘણી વખત એમાં રોકટોક કરે એ સામાન્ય બાબત એટલા માટે ગણાય કે તેઓ ઘરઆંગણે હાજરાહજૂર હોય છે.
ભૂતકાળમાં પરદેશના પ્રવાસોમાં ટીમની પસંદગી ટીમના સુકાની, ઉપસુકાની અને ક્રિકેટ મૅનેજર જેવા કે રાજસિંહ ડુંગરપુર, હનુમંત સિંહ, ચંદુ બોરડે વગેરે દ્વારા થતી હતી. આમાં પસંદગી સમિતિના કોઈ પણ સભ્યો ટીમના સુકાની કે કૅપ્ટનને સલાહસૂચન ભલે કરતા, પણ ટીમના સિલેક્શન બાબતમાં માથું મારી ન શકતા, કારણકે તેમને પરદેશના પ્રવાસે મોકલાતા જ નહોતા.
ટૂંકમાં, ઉપર જણાવ્યા પ્રમાણે સુકાની, ઉપસુકાની તથા ટીમના મૅનેજરની સમિતિનો નિર્ણય અંતિમ ગણાતો હતો. આ બધું મેં મારા ભારતીય ટીમના પરદેશના પ્રવાસો દરમ્યાન જોયું છે અને ઇંગ્લૅન્ડ, શારજાહ વગેરેમાં અનુભવ્યું છે.
જોકે છેલ્લાં થોડાં વર્ષોથી ભારતીય પસંદગીકારો ભારતીય ટીમ સાથે પરદેશના પ્રવાસો ખેડે છે ને ટીમની પસંદગી સમિતિમાં `માથું’ મારે છે તો શું ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પરદેશના પ્રવાસ દરમ્યાન પસંદગી સમિતિમાં સલાહસૂચન-વાર્તાલાપમાં ભાગ લેવા પસંદગીકારોને પરદેશના પ્રવાસમાં ખેલાડીઓ કેવો દેખાવ કરે છે એ (સ્વ નજરે ટીવીમાં જોઈને નહીં) પ્રવાસમાં હાજર રહીને ખેલાડીઓની આવડત પર નિર્ણય લેવા પરદેશ મોકલાવાય છે? પહેલાંના નિયમો ક્યારથી બદલાઈ ગયા?
શું અજિત આગરકર તથા શિવસુંદર દાસ હાલ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં હાજર છે તો તેમની હાજરી ગૌતમ ગંભીર કે શુભમન ગિલ (અને હવે સૂર્યકુમાર યાદવ) પર માનસિક દબાણ `ન’ લાવી શકે?
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ રોહિત-કોહલીના વિરાટ યુગનો અંત આવી રહ્યો છે!
હવે ફક્ત એક જ ફૉર્મેટ (વન-ડે)માં રમતા રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટૂરમાં પસંદગીકારોની હાજરી ડિસ્ટર્બ નહીં કરતી હોય? ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે અઢળક ધન છે એ ખરું, પરંતુ એથી કરીને પસંદગીકારોને પરદેશના પ્રવાસે મોકલવાને બદલે ઘરઆંગણે ખેલાડીઓના દેખાવનું વિશ્લેષણ કરવું ઉચિત લેખાશે.
મોહમ્મદ શમીને કેમ ફરી અવગણ્યો? કરુણ નાયરને કેમ ભૂલો છો?
ચીફ સિલેક્ટર અજિત આગરકરને પેસ બોલર મોહમ્મદ શમીની શારીરિક સુસજ્જતા વિશે પૂછવો છે કે જો કોઈ ઝડપી બોલર શારીરિક રીતે ફિટ ન હોય તો બે રણજી ટ્રોફી મૅચમાં તે 15 વિકેટ ઝડપી શકે ખરો? શું વિકેટો ભેટમાં અપાય છે? કે પછી પસંદગીકારો દ્વારા એની ગણના જ નથી થતી?
કબૂલ, રણજી ટીમોનું ધોરણ ટેસ્ટ ટીમો કરતાં ઊતરતું હોય, પણ રણજી ટ્રોફીમાં ખૂબ છવાઈ ગયેલા મોહમ્મદ શમીને ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાડીને તેની શારીરિક સુસજ્જતા સાબિત કરવાની તક કેમ નથી અપાઈ? ડૉક્ટરો `હા’ પાડે તો જ શમીને આંતરરાષ્ટ્રીયમાં રમાડવો એવું જો હોય તો પછી શમી રણજી ટ્રોફીમાં છવાઈ ગયો એનું શું? તેને રમાડ્યા વગર જ કેવી રીતે અનફિટ ગણી શકાય?
બીજું, કરુણ નાયર પણ યાદ છેને? ભુલાઈ નથી ગયોને? તો પછી ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા અજિત આગરકરને જાણ કરી દઈએ કે કરુણ નાયરે થોડા જ દિવસ પહેલાં રણજી ટ્રોફીમાં ડબલ સેન્ચુરી સહિત બે સદી ફટકારી છે. હા, આપણે એ જ કરુણ નાયરની વાત કરી રહ્યા છીએ જેણે ઇંગ્લૅન્ડની ફાસ્ટ અને સ્વિંગ બોલિંગને મદદકર્તા બનતી વિકેટ પર લડાયક ખમીરથી 30, 40 રન બનાવ્યા હતા, ઝંઝાવાતી બોલિંગમાં ભયભીત થયા વિના શરીર પર બૉલ ઝીલ્યા હતા
અને છેલ્લી તથા પાંચમી ઓવલની મહત્ત્વની ટેસ્ટમાં જે અડધી સદી નોંધાવીને ભારતીય બૅટિંગમાં મુખ્ય આધાર બન્યો હતો જેનો ઉલ્લેખ ખુદ સુકાની શુભમન ગિલ પણ કરી ચૂક્યો છે. ટેસ્ટ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કરુણ નાયરને કેમ ભૂલી ગયા છો? 33-34 વર્ષના ખેલાડી ક્રિકેટમાં બુઝુર્ગ ન લેખાય. શું પરિપકવ અને અનુભવી ખેલાડીને ટેસ્ટમાં વધુ રમવાની તક ન મળી શકે?


