વર્લ્ડ કપ માટે હિટમૅન રોહિત શર્માને શું જોઈતું જે તેને મળ્યું?
![What did hitman Rohit Sharma want for the World Cup and what did he get?](/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-02T203739.548.jpg)
મુંબઈ: ટી-20ના આગામી વર્લ્ડ કપ માટે કેવા પ્રકારના ખેલાડીઓ પસંદ કરવા એ બાબતમાં સિલેક્ટર્સ તેમ જ કૅપ્ટન રોહિત શર્મા સહિત ટીમ-મૅનેજમેન્ટ (કોચ દ્રવિડ અને બીજા સિનિયર પ્લેયર્સ) ઘણા સમયથી ઘણુંખરું નક્કી કરી લીધું હતું અને એના અનુસંધાનમાં રોહિતે ગુરુવારે વાનખેડેમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘અમને ચાર સ્પિનર જોઈતા હતા અને એ અમને મળ્યા છે. 15 ખેલાડીઓની ટીમ નક્કી કરવામાં વર્તમાન આઇપીએલમાંના પર્ફોર્મન્સની ભૂમિકા નહીંવત છે. અમે 80 ટકા ટીમ આઇપીએલની શરૂઆત પહેલાં જ નક્કી કરી લીધી હતી. બાકીના થોડા નામ અમે આઇપીએલમાંના પર્ફોર્મન્સ પરથી ફાઇનલ કર્યા.’
વિશ્ર્વકપની મૅચો અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝના મેદાનો પર રમાશે. પ્રથમ મૅચ બીજી જૂને અમેરિકા-કૅનેડા વચ્ચે રમાશે. ભારતની પહેલી મૅચ પાંચમી જૂને આયરલૅન્ડ સામે રમાશે. ભારત-પાકિસ્તાનનો મુકાબલો નવમી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) થશે. આ બન્ને મૅચ ન્યૂ યૉર્કમાં રમાવાની છે.
ભારતે વર્લ્ડ કપ માટે જે ચાર સ્પિનર સિલેક્ટ કર્યા છે એમાં રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ છે. આ ચારમાં જાડેજા અને અક્ષર લેફ્ટ-આર્મ સ્પિનર અને ઑલરાઉન્ડર છે.
આપણ વાંચો: રોહિત શર્માની સદી પર ભારે ધોનીની ત્રણ સિક્સ, ચેન્નઇએ મુંબઇને 20 રનથી હરાવ્યું
રોહિતે જર્નલિસ્ટોને કહ્યું, ‘ચાર સ્પિનર પસંદ કરવા પાછળના કારણમાં હું હમણાં પડવા નથી માગતો, પણ એટલું જરૂર કહીશ કે વર્લ્ડ કપ રમાવાનો છે ત્યાં અમે ઘણું રમ્યા છીએ. ત્યાં સ્થાનિક સમય મુજબ મૅચ સવારે 10.00 વાગ્યે શરૂ થશે અને એ બાબતમાં થોડું ટેક્નિકલ કારણ છે. ચારમાંથી બે સ્પિનર ઑલરાઉન્ડર અને બીજા બે આક્રમક વિકલ્પ તરીકે અજમાવી શકાશે. આનાથી ટીમમાં ઘણી સમતુલા આવી જશે. કઈ ટીમ સામે ચારમાંથી કયા સ્પિનરને રમાડવા એના સારા વિકલ્પો અમારી પાસે રહેશે.’
પેસ ઑલરાઉન્ડર શિવમ દુબેના સિલેક્શન વિશે રોહિતે કહ્યું, ‘અમે તેને આઇપીએલમાંના પર્ફોર્મન્સને આધારે પસંદ કર્યો છે અને તે ભારત વતી થોડી મૅચો પણ રમી ચૂક્યો છે.
રોહિતે કહ્યું, ‘અમે આઇપીએલની પહેલાં જ 70થી 80 ટકા ખેલાડીઓ નક્કી કરી લીધા એનું કારણ એ હતું કે આઇપીએલના પર્ફોર્મન્સ રોજ બદલાતા રહેતા હોય છે. કોઈ પણ ખેલાડી મેદાન પર આવીને સેન્ચુરી ફટકારી જાય અથવા પાંચ વિકેટ લઈ જાય.’