જૉકોવિચે શું બોલીને પત્રકારોને આશ્ચર્યચકિત કરી દીધા?

સિડની : કોવિડ વૅક્સિન ધરાર ન લઈને ઑસ્ટ્રેલિયન ઓપન સહિતની કેટલીક ટુર્નામેન્ટ ગુમાવવાનું પસંદ કરનાર ટેનિસ-સમ્રાટ સર્બિયાનો નોવાક જૉકોવિચ સામાન્ય રીતે ધીરગંભીર સ્વભાવવાળો માનવામાં આવે છે, પરંતુ સામેવાળાને ખૂબ હસાવતા પણ તેને આવડે છે એ તેણે ગઈ કાલે ઑસ્ટ્રેલિયામાં પુરવાર કર્યું.
જૉકોવિચને ચીની ભાષા બોલતા બહુ સારું આવડે છે એની ઝલક દેખાડીને તેણે એક પત્રકાર પરિષદમાં હાજર સૌકોઈને ચોંકાવી દીધા હતા. જૉકોવિચ આ મહિનાની ઑસ્ટ્રેલિયન ઓપન જીતીને વિક્રમજનક પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા મક્કમ છે. સર્બિયા વતી યુનાઇટેડ કપમાં રમવા આવેલા જૉકોવિચને એક પત્રકારે પૂછ્યું કે ‘તમે તમારા ચાઇનીઝ ચાહકને હૅપી ન્યુ યર કેવી રીતે વિશ કરશો?’
જોકે પેલા જર્નલિસ્ટને કદાચ ખબર નહીં હોય કે ચીનમાં પણ જૉકોવિચના અસંખ્ય ચાહકો છે એટલે તેણે ચીની ભાષા થોડીઘણી તો શીખી જ હશે. જૉકોવિચે જવાબમાં ચોખ્ખા શબ્દોમાં અને ફ્લુઅન્ટ કહી શકાય એ રીતે ચીની ભાષામાં નવા વર્ષની શુભેચ્છા આપી એટલે તરત જ તેની બાજુમાં બેઠેલી મહિલા ખેલાડી તેમ જ તમામ પત્રકારો અને કૅમેરામેન ખડખડાટ હસી પડ્યા હતા. જૉકોવિચે વધુ નવાઈની વાત એ કરી કે તે બે કે ત્રણ નહીં, બલ્કે કુલ 11 ભાષા બહુ સારી રીતે બોલી શકે છે.