વેઇટલિફ્ટર અચિન્તા રાત્રે મહિલાઓની હોસ્ટેલમાં પ્રવેશ્યો એટલે ઑલિમ્પિક્સના કૅમ્પમાંથી હકાલપટ્ટી કરાઈ
નવી દિલ્હી: અચિન્તા શેઉલી નામનો વેઇટલિફ્ટર 2022ની સાલમાં બર્મિંગહૅમ કૉમનવેલ્થ ગેમ્સમાં વિક્રમ સાથે વેઇટલિફ્ટિંગનો ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યાર બાદ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થયો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે એક સમય એવો આવશે જેમાં તેની એવી બદનામી થશે કે જેને કારણે તેણે ઑલિમ્પિક્સની પ્રૅક્ટિસ માટેના કૅમ્પમાંથી પોતાની હકાલપટ્ટી થતી જોવી પડશે.
ગુરુવારે રાત્રે અચિન્તાએ એનઆઇએસ પટિયાલા ખાતેની મહિલાઓની હોસ્ટેલમાં દાખલ થતો જોવા મળ્યો હતો. આવું કરવા બદલ તેની સામે શિસ્તભંગનું પગલું ભરવામાં આવ્યું છે અને તેને કૅમ્પમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. 73 કિલો વજનની કૅટેગરીનો ઍથ્લીટ અચિન્તા મહિલાઓની હોસ્ટેલમાં દાખલ થઈ રહ્યો હતો ત્યારે સલામતી કર્મચારીઓએ તેને જોયો હતો. કર્મચારીઓએ તેનો વિડિયો પણ ઉતાર્યો હતો. વેઇટલિફ્ટિંગ ફેડરેશનના અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે અમે આવી ગેરશિસ્ત જરા પણ ન ચલાવી લઈએ.
ફેડરેશને વિડિયોનું રેકૉર્ડિંગ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને મોકલી આપ્યું છે.
પટિયાલામાં ઍથ્લીટો માટેની જે સુવિધાઓ છે એમાં પુરુષ અને મહિલા, બન્ને વર્ગના ઍથ્લીટો માટે અલગ હોસ્ટેલ છે. હાલમાં ત્યાંની હોસ્ટેલોમાં મહિલા બૉક્સરો તેમ જ ઍથ્લીટો અને રેસલરો રહે છે.
અચિન્તાને કૅમ્પમાંથી કાઢી મૂકવામાં આવતાં ઑલિમ્પિક્સ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં તે ભાગ નહીં લઈ શકે અને તેને આગામી વર્લ્ડ કપમાં પણ ભાગ નહીં લેવા મળે.
અચિન્તાએ તાજેતરમાં જ ઈજામાંથી મુક્ત થઈને ફરી વેઇટલિફ્ટિંગની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. જોકે તેની કરીઅરને મોટો ધક્કો લાગ્યો છે.