સ્પોર્ટ્સવુમનઃ ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં શર્મા-વર્મા-પટેલ ને સિંહનો ફેલાવો વધે છે | મુંબઈ સમાચાર
વીક એન્ડસ્પોર્ટસ

સ્પોર્ટ્સવુમનઃ ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં શર્મા-વર્મા-પટેલ ને સિંહનો ફેલાવો વધે છે

સાશા

ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે ચાલી રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા વતી રમી રહેલી અલાના કિંગે કરીઅરની 100મી વન-ડે વિકેટ લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શું તમે એ જાણો છો કે લેગ-સ્પિનર અલાના કિંગ કોણ છે? એક રીતે તેનું તમિળનાડુ સાથે કનેક્શન છે. જાણીને નવાઈ લાગીને! આ ખેલાડીનાં મમ્મી-પપ્પાનો જન્મ તમિળનાડુના ચેન્નઈ શહેરમાં થયો હતો અને એ રીતે અલાના ભારતીય મૂળની છે.

અલાના ઑસ્ટ્રેલિયાની વાઇટ-બૉલ ક્રિકેટ ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. 29 વર્ષની સ્પિન ઑલરાઉન્ડર અલાના કિંગ પાંચ ટેસ્ટ તથા 27 ટી-20 ઇન્ટરનૅશનલ પણ રમી ચૂકી છે અને બુધવારે કોલંબોમાં પાકિસ્તાન સામે તેણે 51 રનની આક્રમક અણનમ ઇનિંગ્સ રમવા ઉપરાંત એક વિકેટ પણ લીધી હતી. રવિવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં ભારત સામે રમાનારી મૅચમાં ભારતીય મૂળની અલાના કિંગ ઑસ્ટ્રેલિયાને વિજય અપાવવા કોઈ કસર નહીં છોડે, ખરુંને?

અલાના કિંગની રાહ પર અન્ય ભારતીય મૂળની મહિલા ક્રિકેટરો પણ ઑસ્ટે્રલિયન ક્રિકેટના ફલક પર જોવા મળી છે. જેમ કે, હસરત ગિલ, સમારા દુલવિન અને રિબ્યા સિયાન. તે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમનો હિસ્સો હતી. 29 વર્ષીય કિંગ કહે છે, `એક બાબતનું મને વાસ્તવમાં ઝનૂન છે અને એ બાબત એ છે કે હું ભારતીય ઉપખંડની યુવા મહિલા ખેલાડીઓને બૅટ અને બૉલ ઉઠાવવા પ્રેરિત કરું. આશા રાખું છું કે તેઓ પણ મારી જેમ એક દિવસ ઑસ્ટ્રેલિયન જર્સીમાં હશે.’

વાસ્તવમાં, ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ ફલક પર ભારતીય મૂળની માત્ર છોકરીઓ જ નહીં, પણ છોકરાઓ પણ પગપેસારો કરી રહ્યા છે અને તેમની સંખ્યા સતત વધતી રહી છે. ઑસ્ટે્રલિયન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર 2024-’25ની સીઝન માટે 5-12 વર્ષની ઉંમરના વર્ગમાં 1,03,232 સાઉથ એશિયન ઑસ્ટ્રેલિયનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું અને સતત છઠ્ઠા વર્ષે એમાં સૌથી મોટી સંખ્યા `સિંહ’ અટકવાળા બાળકોની છે.

બે વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયન બોર્ડે બહુસાંસ્કૃતિક બૅકગ્રાઉન્ડવાળા બાળકોને આકર્ષવા માટેનો એક ઍક્શન-પ્લાન બનાવ્યો હતો અને એ યોજના હવે રંગ બતાવી રહી છે. કારણ એ છે કે ઑસ્ટ્રેલિયન પિચ પર મોટી સંખ્યામાં શર્મા, વર્મા, પટેલ, સિંહ અને ખાન અટકવાળા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાની વન-ડે અને ટી-20 ટીમોમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓની ઝલક જોવા મળી છે. ઑસ્ટ્રેલિયાનો લેગ-સ્પિનર તનવીર સંઘા મૂળ ભારતના પંજાબનો છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે દેશમાં ક્રિકેટના વિકાસ માટે જે જૂથ બનાવ્યું છે એમાં પણ ઇન્ડિયન કનેક્શન છે. આ જૂથના મેમ્બર નિવેથાન રાધાક્રિષ્નનનો જન્મ ચેન્નઈમાં થયો હતો.

ઑસ્ટ્રેલિયા-એ ટીમનો ખેલાડી જેસન સંઘા મૂળ પંજાબનો છે. તે કહે છે, `ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસમાન ખ્વાજા મૂળ પાકિસ્તાનનો છે. તે ઘણા સમયથી ઑસ્ટે્રલિયન ટીમમાં છે. ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમનો કૅપ્ટન યશ દેશમુખ છે અને તેના સુકાનમાં ટીમ તાજેતરમાં જ ઇન્ડિયા-એ ટીમ સામે રમી હતી જેમાં ભારતીય ટીમે ક્લીન સ્વીપ કરી હતી. આર્યન શર્મા અને જૉન જેમ્સ પણ યશ દેશમુખની ટીમમાં છે.

ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ)ની વાત કરીએ તો હૉબાર્ટ હરિકેન ટીમમાં નિખિલ ચૌધરી, મેલબર્ન રેનીગેડ્સમાં ગુરિન્દર સંધુ, સિડની થન્ડરમાં જેસન અને સિડની થન્ડરમાં તનવીર સંઘા સામેલ છે. જેસન કહે છે, `હું ગુરિન્દરને રમતો જોવા બિગ બૅશની મૅચો જોવા જતો હતો. તેના મમ્મી-પપ્પા પંજાબના છે. તેમણે જ મને પ્રેરિત કર્યો. પોતાના આઇડલને રમતા જોઈને લોકો પોતે રમવા માટે આકર્ષિત થતા હોય છે.

હવે આ જ સંદર્ભમાં ભારતીય મહિલા ખેલાડીઓની વાત કરીએ તો હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે ભારતીય ખેલાડીઓ વિમેન બિગ બૅશમાં ભાગ લેતી હોય છે અને ભારતીય મૂળની આ છોકરીઓને રમતી જોઈને ઑસ્ટ્રેલિયામાં છોકરીઓ ક્રિકેટના મેદાન પર પગ મૂકવા પ્રેરિત થતી હોય છે. ટૂંકમાં, ક્રિકેટના વિકાસમાં આ બધુ અરસપરસ છે.

ઑસ્ટ્રેલિયન ક્રિકેટને ભારતીય મૂળની ટૅલન્ટેડ ક્રિકેટરો મળી રહ્યા છે અને ભારતની ખેલાડીઓ ઑસ્ટ્રેલિયામાં યુવા વર્ગ માટે પ્રેરક બની રહી છે. આવતી કાલે ઑસ્ટ્રેલિયામાં બ્રિસ્બેનના ઐતિહાસિક ગૅબાના ગ્રાઉન્ડ પર કેરળ વિરુદ્ધ પંજાબ’ની મૅચ રમાશે તો નવાઈ નહીં પામતા. મુલગ્રેવ કમ્બાઇન્ડ સીએ નામની ક્લબ ક્વીન્સલૅન્ડની ટોચની ક્લબ છે અને એની એકપંજાબી’ ટીમ છે જે સ્ટેટ લીગની સેક્નડ ડિવિઝનમાં રમે છે. એની જ એક `કેરળ’ ટીમ પણ છે જે થર્ડ ડિવિઝનમાં રમે છે.

ક્લબના મંત્રી ઍલન રિચર્ડ્સનું કહેવું છે, `આ બન્ને ટીમમાં માત્ર પંજાબ અને કેરળના મૂળના ખેલાડીઓ જ સામેલ છે. કેરળની ટીમે તો ક્લબમાં ઓનમનું પણ આયોજન કર્યું હતું. આવી પ્રકારના કાર્યક્રમોથી ટીમમાં એકતા અને ભાઈચારો વધે છે.’ આના પરથી જ અંદાજ આવે છે કે ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં ભારતના મૂળિયાં કેટલાં બધાં પ્રસરી રહ્યાં છે.

હવે તો ભારતનો સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્વિન પણ બિગ બૅશ લીગ (બીબીએલ)માં રમવાનો છે. તે સિડની થન્ડર ટીમ વતી રમવાનો છે અને ડેવિડ વૉર્નર એ ટીમનો સુકાની છે.

ઉલ્લેખનીય છે કે ઑસ્ટે્રલિયામાં ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પછી ભારત સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફી સિરીઝ સૌથી વધુ લોકપ્રિય છે. `ડાઇન અન્ડર’ એટલે કે ઑસ્ટ્રેલિયામાં જ્યારે પણ ભારતીય ટીમ રમતી હોય તો એને ભારતીય મૂળના લોકોનું સમર્થન અચૂક મળે છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સમેનઃ માત્ર ધમાકેદાર જીત નથી મળી… બે મૅચ-વિનર પણ મળ્યા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button