સ્પોર્ટસ

નજફગઢના નવાબ આજે 45 વર્ષના થયા, જાણો આ મહાન બેટ્સમેન વિષે રસપ્રદ વાતો

ક્રિકેટ જગતના સૌથી આક્રામક બેટ્સમેનનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ક્રિકેટ ચાહકોના મગજમાં સૌથી પહેલું નામ આવે તે છે વીરેન્દ્ર સેહવાગ. ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ આજે એટલે કે 20 ઓક્ટોબર 2023ના રોજ 45 વર્ષના થઈ ગયા છે. દિલ્હીના નજફગઢમાં જન્મેલા વીરેન્દ્ર સેહવાગે તેમની કારકિર્દીમાં અઢળક યાદગાર ઇનિંગ્સ રમીને સંખ્યાબંધ રેકોર્ડ પોતાને નામેં કર્યા છે.

વીરેન્દ્ર સેહવાગ વર્ષોથી ક્રિકેટની પીચ પર દેખાયા નથી, પરંતુ તેમના ચાહકોના હજુ તેમની બેટિંગ સ્ટાઈલને યાદ કરે છે. સેહવાગ સોશિયલ મીડિયા અને કોમેન્ટ્રી બોક્સમાં સતત ક્રિકેટ અંગે ચર્ચામાં હાજરી આપે છે. ક્રિકેટ ઉપરાંત સેહવાગ તેમના સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતાં છે, તેઓ સોશિયલ મીડિયા પર અવાર નવાર રમુજી પોસ્ટ કરતા રહે છે.

વીરેન્દ્ર સેહવાગે ઘણી યાદગાર ઇન્નીંગ રમીને ભારતને જીત આપવી છે, પરંતુ મુલતાનના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે તેની ત્રેવડી સદીની યાદ હંમેશા ચાહકોના દિલમાં વસેલી છે. વર્ષ 2004માં ભારતીય ટીમ સદભાવના સિરીઝ માટે પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 28 માર્ચે મુલતાનની ધરતી પર શરૂ થઈ હતી. તત્કાલિન કેપ્ટન રાહુલ દ્રવિડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સેહવાગ અને આકાશ ચોપરા ઓપનિંગ કરવા આવ્યા હતા. ભારતની પહેલી વિકેટ 160ના સ્કોર પર પડી હતી, પરંતુ તેમાં આકાશનું યોગદાન માત્ર 42 રન હતું. ત્યાર બાદ કેપ્ટન દ્રવિડ 6 રન બનાવીને આઉટ થયો અને ભારતનો સ્કોર 2 વિકેટે 173 રન થઈ ગયો.

બીજી તરફ સેહવાગે આક્રમક અંદાજમાં બેટિંગ ચાલુ રાખી, મેચના બીજા દિવસે લંચ પહેલા જ પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી. વીરુએ 309 રનની ઇનિંગ રમી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેઓ ક્રિકેટ ઈતિહાસના ચાર ખેલાડીઓમાંના એક છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં બે ટ્રિપલ સેન્ચુરી નોંધાવી હોય.

વીરેન્દ્ર સેહવાગે પોતાના ક્રિકેટ કરિયરમાં 104 ટેસ્ટ, 251 વનડે અને 19 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે ટેસ્ટમાં 49.34ની એવરેજથી 23 સદી અને 32 અડધી સદી ફટકારી હતી. ટેસ્ટમાં તેના નામે 8586 રન અને 40 વિકેટ છે. વનડેમાં તેણે 15 સદી અને 38 અડધી સદીની મદદથી કુલ 8273 રન બનાવ્યા હતા. તેણે વનડેમાં 96 વિકેટ પણ લીધી હતી. T20 ઈન્ટરનેશનલમાં તેણે બે અડધી સદી સાથે 394 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં તેમના નામે કુલ 14683 રન નોંધાયેલા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button