વિરાટ અને બુમરાહ ત્રણેય ફૉર્મેટમાં નંબર-વનની રૅન્ક મેળવનાર પ્રથમ એશિયન પ્લેયર
કોહલી બે ટેસ્ટ ન રમવા છતાં હજીયે ભારતનો મોખરાનો ટેસ્ટ-બૅટર
દુબઈ: વિરાટ કોહલીનો પ્રભાવ તો જુઓ કેવો છે! ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં અંગત કારણસર ન રમવા છતાં તે હજી પણ ટેસ્ટના રૅન્કિંગ્સમાં ભારતીય બૅટર્સમાં નંબર-વન છે. હૈદરાબાદમાં અને વિશાખાપટ્ટનમમાં ખાસ કરીને યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ તથા અક્ષર પટેલ બૅટિંગમાં ટીમ માટે ઉપયોગી થયા હતા, પણ રોહિત શર્મા સદંતર નિષ્ફળ ગયો અને વિરાટ કોહલીની ખોટ ખૂબ વર્તાઈ હતી. જોકે એમ છતાં કોહલીએ ભારતીયોમાં મોખરાની રૅન્ક જાળવી રાખી છે.
ટેસ્ટના બૅટર્સના લિસ્ટમાં તે સાતમા નંબરે છે, પણ ભારતીયોમાં પહેલો છે. તેના પછી રિષભ પંત છે જે કાર અકસ્માત બાદ દોઢ વર્ષથી નથી રમ્યો. ભારતીયોમાં રોહિત શર્મા ત્રીજા ક્રમે છે.
ટેસ્ટ બૅટર્સની આ યાદીમાં કેન વિલિયમસન પ્રથમ, સ્ટીવ સ્મિથ બીજે, જો રૂટ ત્રીજે, ડેરિલ મિચલ ચોથે, બાબર આઝમ પાંચમે અને ઉસમાન ખ્વાજા છઠ્ઠે છે અને ત્યાર પછી સાતમા સ્થાને કોહલી છે.
વિરાટ અને બુધવારે પહેલી વાર ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર બનેલા જસપ્રીત બુમરાહની સૌથી મોટી ખાસિયત અને સૌથી મોટી સામ્યતા એ છે કે તેઓ માત્ર એવા બે એશિયન ખેલાડી છે જેમણે પોતાની કરીઅરમાં ત્રણેય ફૉર્મેટમાં નંબર-વનની રૅન્ક મેળવી છે. બુમરાહ અત્યાર સુધી ટેસ્ટની ફર્સ્ટ રૅન્કથી વંચિત હતો, પણ બુધવારે તેણે એ સિદ્ધિ પણ હાંસલ કરી લીધી હતી. ખાસ કરીને તે ટેસ્ટમાં વર્લ્ડ નંબર-વન બનેલો ભારતનો પહેલો જ પેસ બોલર છે.
કોહલી અગાઉ ટેસ્ટ (2018)ના, વન-ડે (2013)ના અને ટી-20 (2016)ના બૅટર્સમાં નંબર-વન રૅન્ક મેળવી ચૂક્યો છે. બુમરાહ પણ અગાઉ એક સમયે વન-ડે (2022)માં અને ટી-20માં સર્વોચ્ચ બોલર હતો.
ભારત સપ્ટેમ્બર, 2023માં ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં નંબર-વન હતું.